દિવાળી આવે એટલે બધે સફાઈ શરુ થઇ જાય. ક્યારેક પ્રેમથી તો ક્યારેક પરાણે બોણી પણ મંગાય. પણ શું ઘર, રસ્તાઓ કે સોસાયટીને સાફ કરીએ એટલે સફાઈ થઇ ગઈ? ખરેખર તો મનની સફાઈ જરૂરી છે. મનમાં લોભ, લાલચ, દ્વેષ, વૈમનસ્ય, લોલુપતા હોય અને બાકી બધું ચકાચક હોય તો એ શું કામનું? અન્યને દુખી કરીને કરેલો દેખાડો સુખ આપે ખરો? જયારે અગ્નિનો દોષ હોય ત્યારે વ્યક્તિને અન્યનું નુકશાન કરીને પોતાનું સારું કરવાની ઈચ્છા જાગી શકે. સોસાયટી પ્રમુખ ઇશાન કે ઉત્તરમાં હોય તો પણ એમને આવી ઈચ્છાઓ જાગે. જ્યાં સુધી મન સાફ નહિ હોય ત્યાં સુધી જીવનમાં અંધકારની પ્રતીતિ થશે. એમાં સદભાવના આવતા જ દિવાળી આવશે.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.
સવાલ: હું લગ્ન પહેલા એક નાના ગામમાં રહેતી હતી. હવે હું અમદાવાદ રહું છુ. અમારા વિસ્તારમાં એટલી ધૂળ છે કે દિવસમાં ત્રણ વાર સફાઈ કરવી પડે છે. આના કરતા તો અમારા ગામમાં ઓછી ધૂળ ઉડતી. વળી રાત્રે બે વાગે પણ માણસો હોર્ન વગાડીને જાય. ચારેબાજુ કારણ વિનાની લાઈટો ચાલુ રહે છે. બધા જ ભાગી રહ્યા છે. પણ કોઈને ખબર નથી કે ક્યાં પહોંચવાનું છે. અલગ જ શહેર છે. જોકે મારે હવે અહિયાં જ રહેવાનું છે.
મારા સાસુ કહે છે કે દિવાળીની સફાઈ કરવી જોઈએ. આટલી ઓછી સફાઈ કરીએ છીએ કે હવે પછી નવી સફાઈ કરવાની? ગમે તેટલી સફાઈ કરીશું બે કલાકમાં ધૂળ ચડી જશે. શું લોકોના મનમાં સફાઈ ન થાય? અમારી સોસાયટીમાં કેટલાક લોકો દાદાગીરી કરીને બધાને દબાવીને બેસી ગયા છે એમની સફાઈ ન થાય? રાવણ દહનના દિવસે આવા લોકોને જ રાવણના બદલે દહન કરી દે તો? ગુંડો શબ્દ મેં સાંભળેલો. પણ ગુંડી શબ્દ મેં અમારે ત્યાં આવીને જ સાંભળ્યો. અને પોતે ગુંડી છે એવું કોઈ કહે? દિવાળી પર આ બધાની સફાઈ ન થાય?
જવાબ: આપણે જે બદલી શકીએ છીએ એ બદલવું જોઈએ. જે નથી બદલી શકતા એ સ્વીકારવું જોઈએ અને શું બદલી શકીશું અને શું નહિ એની સમજણ આપણામાં હોવી જોઈએ. સફાઈ ક્યાં અને કેવી રીતે કરવી એની સમજણ બધામાં નથી હોતી. લોકો વિરોધ કરવાનું ભૂલી જ ગયા છે. એટલે જ આવા ગુંડા, ગુંડીઓ ફાવી રહ્યા છે. જેમ ધૂળ વારંવાર આવી જાય છે એમ નકારાત્મક મેસેજ પણ વારંવાર આવતા રહે છે. જેને કારણે પણ ભીરુતા આવે. વળી ગુંડો પૈસા માંગે અને તમે ન આપો તો? બની શકે એને પણ તમારો ડર લાગે. મનની સફાઈ ખુબ જરૂરી છે. પણ માનવ દહન થી કશું નહિ થાય. એક ગુંડાને બાળશો તો નવો આવી જશે. મૂળ સદી રહ્યા હોય ત્યારે ડાળીઓ કાપવા કરતા મૂળને જ બચાવવા જોઈએ.
આપ શાંત મનથી પૂરી હિંમત સાથે વિચારો. યોગ્ય રીતે ગાયત્રી મંત્ર કરો. પહેલાના જમાનામાં આંગણામાં પાણી છાંટતા. જેનાથી બહારની ધૂળ ઘરમાં ન આવે. રાત્રે હોર્ન વગાડવો એ ભીરુતાની નિશાની છે. અચાનક કોઈ આવી જશે તો? મોટા ભાગના ગુન્હા કાલ્પનિક ભયથી પણ થાય છે. મન શાંત હોય તો મનની તાકાત પણ વધે જ. બાકી સોસીયલ મીડ્યાના શહેનશાહ તો ઘણા મળશે.
સુચન: ઇલેક્ટ્રિક લાઈટ કે મીણબત્તી કરતા માટીના કોડિયા વધારે સકારાત્મક છે.
(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)