સહજ હોવું એટલે જ ભારતીય હોવું. સહુની સ્વીકૃતિની ભાવના અને સરળતાના નિયમો આપણી સંસ્કૃતિનો ભાગ છે. ઘરની ઉર્જા થકી સરળતા પામવાના નિયમો આપે છે વાસ્તુશાસ્ત્ર. આજે જે મકાનનો અભ્યાસ કરીએ છીએ તેનો પ્લોટ સમચોરસ છે. પ્લોટમાં ઉત્તર અને પૂર્વ તરફ ખુલ્લી જગ્યા છૂટેલી છે તે સારું ગણાય. આ જગ્યાએ રહેતી વ્યક્તિઓ લાગણી પ્રધાન વધારે હોય.
નકશામાં દર્શાવ્યા પ્રમાણેના પ્લોટમાં નૈઋત્ય તરફ માર્જિન અગ્નિ કરતા વધારે છે, જે યોગ્ય ન ગણાય. પ્લોટની એન્ટ્રી વાયવ્ય પશ્ચિમમાંથી છે. જેના કારણે પાડવા આખડવાની તકલીફ અથવા તો માતૃસુખમાં ઓછપ આવી શકે. મકાનમાં પૂર્વ અને ઉત્તરમાં ઓપનિંગ વધારે છે, જે સારું ગણાય. મકાનમાં ઈશાન તરફનો ભાગ બહાર છે. અગ્નિમાં પૂર્વ તરફનો ભાગ બહાર આવેલો છે. જેના કારણે ચામડીના રોગો, સ્ત્રીને લગતી તકલીફ આવે. ઘરની મોટી દીકરી માટે સારું પણ પુત્રવધુને તકલીફ આપે. વળી માનસિક તણાવ પણ વધી શકે. વાયવ્યનું પ્રોજેકશન પડવા આખડવાની સમસ્યઓ, માનસિક તણાવ આપે. ઉત્તરી વાયવ્યનું દ્વાર બાળકોની ચિંતા અને શરીરના મધ્ય ભાગને લગતી સમસ્યા આપે. પ્લોટમાંથી અંદર આવવાનો પ્રવાહ યોગ્ય છે. પરંતુ ઘરની અંદર આવવાનો પ્રવાહ યોગ્ય નથી. જેના કારણે મન, તન, ધનને લગતી સમસ્યાઓ આવ્યા કરે. નૈઋત્યમાં લિવિંગ રૂમ ઉગ્રતા આપે પરંતુ અહીંની બેઠક વ્યવસ્થા યોગ્ય હોવાથી રાહત રહે. અગ્નિમાં બેડ રૂમ યુગલ માટે યોગ્ય નથી. તેમની વચ્ચે નાની નાની બાબતોમાં ચર્ચાઓ ચાલ્યા કરે. વળી અહીંની આંતરિક વ્યવસ્થા પણ યોગ્ય નથી. અગ્નિમાં ટોયલેટ નારીને તન મનની તકલીફ આપે.
પૂર્વ મધ્યમાં સ્ટોર અને ટોયલેટ છે. જેના કારણે માન સન્માનની હાનિ, બે પેઢી વચ્ચે વૈચારિક મતભેદ, અથવા તો બાળકોના અભ્યાસની ચિંતા જેવી સમસ્યાઓ આવે. ઈશાનમાં રસોડું છે અને ઉત્તર તરફ મુખ રાખીને રસોઈ કરવાની વ્યવસ્થા છે. જેના કારણે નારીને અસંતોષ રહે. ગોઠણથી નીચેનો પગનો ભાગ પણ દુખે. સ્વભાવ ચિડચિઢિઓ થઇ જાય. અહીં ઉત્તરમાં ફ્રિજ છે જે અસંતોષમાં વધારો કરે. રસોડામાંથી બહાર નીકળવાનું દ્વાર યોગ્ય છે જે આ સમસ્યા ઓછી કરવામાં મદદરૂપ થાય. ડાયનિંગ રૂમ ઉત્તરમાં હોઈ શકે, પરંતુ અહીં આવવાની વ્યવસ્થા યોગ્ય ન હોવાથી તેની સંપૂર્ણ હકારાત્મકતા ન મળે. બ્રહ્મની વ્યવસ્થા સારી છે. જેનો લાભ ઘરને હકારાત્મકતા આપવા માટે મળે. આ ઘરમાં ફર્નિચર અને દરવાજાની વ્યવસ્થા એવી છે કે કોઈ મહત્વના ફેરફાર શક્ય નથી. તો શું ઘરમાં તોડફોડ કરવી? કે પછી ઘર વેચી દેવું?
આ બંને સવાલોનો જવાબ “ના” હોય અને તો પણ ઘરમાં હકારાત્મક ઉર્જા મળે તેના માટે સર્વપ્રથમ તો સૂચન પ્રમાણેના નકશામાં દર્શાવ્યા મુજબના ફેરફાર કરી, રસોડાના ઈશાનમાં તાંબાના કળશમાં ગાળેલું પાણી ભરી દેવું, ડાયનિંગ ટેબલ પર તાંબાના વાસણમાં ગુલાબની પાંદડી રાખવી. બેડરૂમમાં કાચના વાસણમાં સફેદ ફૂલ સાથે ગુલાબ રાખવા. બેઠક રૂમમાં કાંસાના વાસણમાં ગુલાબની પાંદડી રાખવી. ઘરમાં ગૂગળનો ધૂપ કરવો. વાયવ્યમાં બે બીલી, ઈશાનમાં પાંચ તુલસી અને ઉત્તરમાં લોન વાવવી. સૂર્યને જળ ચડાવવું. શિવલિંગ પર પાણી, દૂધ, પંચામૃત, ચોખા, સરસવ, પાણીથી અભિષેક કરી બીલીપત્ર ચડાવી દેવા.
જ્યાં શ્રદ્ધા છે ત્યાં હકારાત્મકતા છે. અને હકારાત્મકતાના નિયમો આપે છે વાસ્તુ શાસ્ત્ર