ઘણાં ખાંચાખૂંચી હોય ત્યારે વાસ્તુ કેવું…

શ્વરે ક્યાંય સીમાડા નથી મૂક્યાં કે નથી કોઈ વાડા બાંધ્યા. માનવીની અપેક્ષાઓથી તે પોતાની હદ નક્કી કરતો ગયો અને તેથી જ અન્યની હદમાં જવાની ચેષ્ટા પણ તેને કરવાની ઈચ્છા થઇ. અપેક્ષાઓ તે દુઃખનું કારણ છે. અને સંતોષી જીવન હકારાત્મક ઊર્જા થકી મળે છે. હકારાત્મક ઊર્જા મળે છે સાચા વાસ્તુ નિયમો થકી.

આજે આપણે હરિદર્શનભાઈના ઘરનો અભ્યાસ કરીએ. ઘરમાં ઘણાબધા ઓફસેટ એટલે કે ખાંચાખૂંચી છે. જે નકારાત્મક ગણી શકાય. પૂર્વ અગ્નિનો ભાગ અંદર તરફ છે તેમ જ ઘરનું મુખ્ય દ્વાર પણ આ જગ્યાએ છે તેથી ઘરના વડીલોની તબિયત માટે યોગ્ય ન ગણાય. આવું જ પશ્ચિમ વાયવ્યની બાબતમાં પણ છે. તેથી બાળકોની ચિંતા રહે. તેમ જ આ જગ્યાએ બાલ્કની આવેલી છે. જે આ નકારાત્મકતાને ઓછી કરે. ઉત્તર મધ્ય અને દક્ષિણ મધ્ય બહારની તરફ છે જેનાથી ઘરના પુરુષનો આત્મવિશ્વાસ ઘટે. તેમ જ નારીને અસંતોષ રહે.ઉત્તરમાં બેડરૂમ અને ઉત્તરમાં જ માથું રાખીને સૂવાની વ્યવસ્થા છે જે સ્વભાવમાં ઉગ્રતા લાવે. તેમ જ ડીમાન્ડિંગ સ્વભાવ આપી શકે. દક્ષિણમાં દક્ષિણમુખી રસોઈ આમાં વધારો કરે. તેમ જ પગમાં ગોઠણથી નીચેના ભાગમાં દુખાવો પણ આપી શકે. દક્ષિણમાં ટોયલેટ જનરેશન ગેપ આપે. પશ્ચિમના ટોયલેટ બરાબર છે. નૈઋત્યમાં બેડરૂમ પણ તેની વ્યવસ્થા મુજબ યોગ્ય છે. આ જગ્યાએ રહેતી વ્યક્તિનો ઘરમાં પ્રભાવ રહે. નૈઋત્યમાં બાલ્કની યોગ્ય ન ગણાય. વાયવ્યના બેડરૂમમાં સૂવાની વ્યવસ્થા યોગ્ય નથી . આ જગ્યાએ રહેવાવાળી વ્યક્તિનો સ્વભાવ જીદ્દી બને. બેઠક રૂમ યોગ્ય જગ્યાએ છે તેથી આ જગ્યાએ બેસવું ગમે પરંતુ દક્ષિણમુખી વ્યવસ્થાના લીધે થોડી ઉગ્રતા રહે.ઉત્તરી  ઈશાનમાં તુલસી હોય તો સારું. બ્રહ્મમાં ઘણા બધા દરવાજા ઘરની ઊર્જા માટે સારા નથી ગણાતાં. સમસ્યાઓ ભલે હોય પરંતુ તેનું સરળ નિરાકરણ પણ હોય જ છે. કોઈપણ તોડફોડ કાર્ય વિનાનો ભારતીય વિચાર તેમાં મદદ કરે છે.સૂચન પછીના નકશા પ્રમાણેની રચના કરી અને લિવિંગ રૂમની પૂર્વની દીવાલ પર લેમન યલો કલર વાયવ્યના બેડરૂમની પશ્ચિમની દીવાલ પર લાઈટ વાયોલેટ અને રસોઈઘરની દક્ષિણની દીવાલ પર બ્લડ રેડ કલર લગાવવા. ઘરમાં ગુગલ ચંદનનો ધૂપ ફેરવવો. ગણેશજીને ગોળનો પ્રસાદ ધરાવીને તે લેવો. શિવલિંગ પર પાણી, દૂધ, પંચામૃત, દહીંમાં કાળા તલ પાણીથી બુધવારે અભિષેક કરવો. ધ્યાન કરવું અને વડીલોને સન્માન આપવું. રસોડાના પ્લેટફોર્મ પર તાંબાના કળશમાં ગાળેલું પાણી રાખવું. જો આ બધું પૂરી શ્રદ્ધાથી કરવામાં આવે તો પરિણામ ચોક્કસ મળશે. ભારતીય નિયમો ડરાવવા માટે નથી બન્યાં. તેથી જ તેમાં સરળ ઉપાયો છે જે દરેક માણસ પોતાની રીતે સુખની પ્રાપ્તિ માટે ઉપયોગમાં લઇ શકે છે.

ભ્રમણા:

ફ્લોરિંગના રંગને ઊર્જાના વિજ્ઞાન સાથે કોઈ જ સંબંધ નથી.

સત્ય:

રંગો માનવ મન પર અસર કરે છે તે વિજ્ઞાને સાબિત કરેલું છે. પ્રકાશ અને મટિરીઅલની પણ તેમાં અસર જોવા મળે છે. જે તે રંગોની અસર અંગે વાસ્તુમાં પણ વિચાર છે. તેથી જ ઘરમાં જે ફ્લોરિંગ છે તેની અસરને ધ્યાનમાં લેવી જરુરી છે. જો ઘેરા રંગો હશે તો તે મન પર નકારાત્મક અસર ચોક્કસ કરશે. દરેક સારા દેખાતા રંગો મન પર હકારાત્મક અસર કરે તેવું જરુરી નથી.