ફ્રાંસનો શાસક નેપોલિયન હારજીતને અગાઉથી જાણી લેતો હતો? રહસ્યમય શાસ્ત્રનો પરિચય

જ્યોતિષની દુનિયામાં અનેક અચરજ પણ છે, જ્યોતિષની સફરમાં નવ ગ્રહો, બાર રાશિઓ અને જન્મકુંડળીના બાર ભાવો થકી અજ્ઞાતને ઉકેલવાનો નમ્ર પ્રયત્ન કરવામાં આવે છે. લગભગ દુનિયાના બધા જ્યોતિષના ગ્રંથોમાં એકધારી સમાનતા જોવા મળે છે. નવાઈની વાત એ છે કે પહેલાંના સમયમાં સંદેશ વ્યવહાર સરળ નહોતો છતાં જ્યોતિષનું જ્ઞાન દુનિયામાં બધે ફેલાયેલું હતું. ભારતીય જ્યોતિષ સૌથી પ્રાચીન છે, ભારતીય જ્યોતિષ એટલું તો પ્રાચીન છે કે તેના ઉદભવ સમય અંગે હજી વિદ્વાનો એકમત થઇ શક્યાં નથી. તે સમયે કાગળ ન હતાં ત્યારે ઋષિમુનિઓએ જમીન પર આકૃતિઓ દોરીને શિષ્યોને જ્ઞાન આપ્યું હોવાના આજે પણ કથાઓમાં ઉલ્લેખ મળે છે.

ફ્રાંસનો શાસક અને એકસમયે અડધી દુનિયાને જીતી લેનાર સમ્રાટ નેપોલિયન જ્યોતિષ વિદ્યામાં ઊંડો રસ ધરાવતો હતો. તેના ગૂઢ વિદ્યાઓ પ્રત્યે લગાવ અને વિશ્વાસને પ્રતિપાદિત કરતું પુસ્તક ‘નેપોલીયન્સ ઓરેક્યુલમ’ આજે પણ યુરોપમાં વેચાય છે. અલબત, આજે તે બીજા નામે વેચાતું હોઈ શકે છે, પરંતુ ગૂઢ વિદ્યાના જાણકારો આ પુસ્તકના ઉદભવ વિષે સારી રીતે પરિચિત છે. પ્રચલિત વાયકા મુજબ, નેપોલિયન આ પુસ્તકને અને જ્યોતિષ જાણવાની આ વિદ્યામાં ખૂબ રસ લેતો હતો. તે પોતાના મહત્વના નિર્ણયોને, આ પુસ્તકની મદદથી ખરા સાબિત કરતો હતો. એવું કહેવાય છે કે યુદ્ધ પહેલાં નેપોલિયન જ્યોતિષના જાણકારો પાસે યુદ્ધનો સમય, દિશા, યુદ્ધની પદ્ધતિ અને પરિણામ અગાઉથી જાણી લેતો હતો. તે યુદ્ધમાં ક્યારે પ્રવેશ કરવો અને ક્યારે મુસાફરી શરૂ કરવી તે બાબતે જ્યોતિષ વિદ્યાનો સહારો લેતો હતો. ભારતમાં આ વિદ્યા સમ્રાટ અકબરના સમયમાં પણ પ્રચલિત હતી, એક મત મુજબ અકબરના દરબારમાં બિરબલ આ વિદ્યાને જાણતો હતો, બિરબલે આ વિદ્યા જળવાઈ રહે તે માટે તેને ગ્રંથિત પણ કરી હતી. પરંતુ આખરે આ વિદ્યા સરળતાથી રહસ્યોને ખોલી નાખનાર હોઈ, કોઈ ખોટી વ્યક્તિના હાથે ન ચડી જાય તે ડરથી તેને જનતા સમક્ષ ક્યારેય લાવવામાં આવી નહીં.

નેપોલિયનના આ પુસ્તકની પદ્ધતિએ રમલ જ્યોતિષને મળતી આવે છે. યુરોપમાં તેને જીઓમંસી કહે છે, આ વિદ્યા આજે પણ યુરોપ, આફ્રિકા, આરબ અને દક્ષિણ અમેરિકામાં પ્રચલિત છે. જીઓમંસી અને રમલવિદ્યાની પદ્ધતિમાં થોડો તફાવત છે. આ વિદ્યા પરંપરાને લીધે રહસ્ય જાણનાર કુટુંબો પાસે જ રહી છે. પહેલાંના સમયમાં આદિવાસીઓ દેવી-દેવતાનું આહવાન કરતાં અને ઉન્નત જાગૃત અવસ્થામાં જમીન પર ચિત્રવિચિત્ર આકૃતિઓ બનાવતા, આ આકૃતિઓને ઉકેલીને તેની પરથી ગ્રહો જાણવામાં આવતા. એલીએસ્ટર ક્રોલી જેવા ગૂઢ વિદ્યાના જાણકારોએ આ વિષય પર સીમિત અને રહસ્યમય રીતે જ્ઞાન પીરસ્યું છે. આમ ગૂઢ વિદ્યાથી પ્રાપ્ત થતી આકૃતિઓને કયા ક્રમમાં કુંડળીમાં ગોઠવવી એ આજે પણ એક રહસ્ય જ રહ્યું છે. માડાગાસ્કર જેવા અજાણ્યા ટાપુના આદિવાસીઓ પણ આ વિદ્યા જાણે છે, તેઓ આ વિદ્યાને સિકડી કહે છે.

ભારતીય વિદ્વાનોએ પણ આ વિદ્યા જાણવાના અને તેને ગ્રંથિત કરવા પ્રયત્નો કર્યા છે. આજે લગભગ લુપ્ત બની ગયેલી રમલ વિદ્યાના જાણકાર પણ બહુ ઓછાં છે. ભારતમાં પ્રચલિત મત મુજબ આ વિદ્યાનો ઉદભવ ભગવાન શંકર અને સતીથી થયો છે. એકવાર કૈલાસમાં ભગવાન શંકર માતાજી સાથે ચોપાટ રમી રહ્યાં હતાં, ચોપાટ દરમિયાન માતાજી અજ્ઞાત કારણથી અધૂરી રમત છોડીને વનમાં સંતાઈ ગયાં. ભગવાન શંકર જયારે તેમને શોધવા નીકળ્યાં ત્યારે તેમણે જમીન પર ચાર બિંદુ ઉભી રેખામાં દોરેલા જોયાં. માતાજીએ મહાદેવ સમક્ષ આ રહસ્ય મુક્યું હતું, જગતગુરુ શંકર ભગવાને આ રહસ્યને પોતાની દિવ્યદ્રષ્ટિથી જાણી લીધું, તેમણે એક પછી એક એમ સોળ આકૃતિઓને જોઈ અને આ રહસ્યમય શાસ્ત્રને જાણી લીધું અને સતીને શોધી લીધાં. અગાઉ જણાવ્યું તેમ આ શાસ્ત્રમાં કોઈ પ્રશ્નનો બાધ નથી, લગભગ તમામ પ્રશ્નોના જવાબ આ શાસ્ત્ર ઉકેલતું હોઈ તેને હમેશાં માટે અકબંધ અને આમ જનતાથી અજાણ્યું રાખવામાં આવ્યું. ચીન તરફના દેશોમાં આઈ-ચીંગ અને ફેંગશૂઈ પણ જીઓમેંસીના ચાર તત્વની પ્રણાલીનો જ વિસ્તાર છે. જીઓમેંસીમાં ચાર તત્વ પૃથ્વી, જળ, વાયુ અને અગ્નિને લીધાં છે, કયું તત્વ પ્રગટ છે અને કયું તત્વ બંધ છે તેની પર સમગ્ર ભવિષ્યવાણીનો આધાર રહે છે.

વિચારપુષ્પ: ‘શંકા’ પહાડ સર્જી શકે છે, અને ‘શ્રદ્ધા’ પહાડને પણ હટાવી શકે છે.