વાસ્તુ: દક્ષિણનું દ્વારા અને આર્થિક સંકળામણ

માણસનું મુખ્ય કાર્ય કયું? મોબાઈલ ફોનનું મુખ્ય કાર્ય કયું? આ બંને સવાલના જવાબ આપવામાં ઘણા લોકો ગૂંચવાઈ જાય છે. એ જ રીતે આ મારું કામ નહિ અને ભાગી જવાની વૃત્તિ પણ તીવ્ર બની ગઈ છે. માનવી માનવતા ભૂલી જાય તો એ માનવી કહી શકાય ખરો? પચાસ વરસનું પ્લાનિંગ શીખવાડનાર વ્યક્તિ એના સેમિનારના સ્ટેજ પરજ ગુજરી જાય એવું પણ બને. વિમાનમાં બેસનારને ખબર હોય છે કે એ વિમાન એને પહોંચાડશે જ? અને દરરોજ વિમાન નીચેથી જનારને એવી ખબર હોય છે કે એક દિવસ એ વિમાન નીચે આવી જશે? તો પેલું પચાસ વરસનું પ્લાનિંગ ક્યાં સચવાય છે? જે માણસ જે તે ક્ષણને જીવી જાણે છે એ જ સુખી છે. તેથી જ કરોડો રૂપિયાની લાલસામાં કોઈનું ખરાબ કરવા કરતા લોકોના હૃદય જીતવાનું વધારે યોગ્ય છે. કદાચ ઈશ્વર આપણા માટે એવું પ્લાનિંગ કરે કે એ ભસ્મીભૂત થયેલા વિમાનમાંથી બચી નીકળનાર એક વ્યક્તિ આપણે હોઈએ.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર ચોક્કસ પૂછી શકો છો.

સવાલ: માણસ પર લેબલ લાગી જાય ને. એટલે એ માણસાઈ ભૂલી જાય. થોડા સમય પહેલા અમે સૌરાષ્ટ્રમાં એક જગ્યાએ દર્શન કરવા ગયા હતા. અમારે બે ત્રણ જણને ચાલી ને જવાની માનતા હતી. નવા બનેલા આરસીસીના રસ્તા પર ખુલ્લા પગે ચાલતી વખતે પેલા પગપાળા જતા સાધુઓની દશા સમજાઈ. ખાડા પુરવા નાખેલા મેટલ અને કાંકરા બહુ વાગ્યા. હિંમત કરીને માનતા પૂરી કરી દીધી. પાછા આવતી વખતે એક ફ્લાયઓવર પરથી સીધા ચારરસ્તા પાસે ઉતર્યા. સ્વાભાવિક રીતે આવી વ્યવસ્થા હોય તો ટ્રાફિક ભેગો થઇ જાય. માંડ એ ક્રોસ કરીને નીકળ્યા અને એક કાળી ગાડી અમારી આગળ ઉભી રહી ગઈ. રીતસર લુંટનો ઈરાદો હતો. અમારી પાસે એવું કાઈ ખાસ હતું નહિ. પણ એમણે અપશબ્દોનો મારો ચલાવી અને ગાડીમાં ઘુસવા પ્રયાસ કર્યો. અચાનક ટ્રાફિકના માણસો આવ્યા. અમને  એવું હતું કે એ અમારી મદદ કરશે. અમે બુમાબુમ કરી અને મદદ માગી. એમણે ગાડી પર દંડો મારીને કહ્યું કે ગાડી બાજુમાં લઇ અને એમની સાથે પતાવટ કરી લો. અમને પરાણે પેલા માણસોને સોંપી દીધા. નસીબજોગે અમારી બુમાબુમથી ટોળું ભેગું થઇ ગયું અને પેલા લોકો ભાગી ગયા. પહેલા સાવ આવું નહોતું. શું આપણે ત્યાં વાસ્તુના એવા કોઈ ફેરફાર થયા છે કે એના લીધે માણસાઈ કોરાણે મુકાઈ છે? આનો ઉપાય શું?

જવાબ: તમારી આખી વાતમાં તમારા સવાલનો જવાબ તમે જ આપી દીધો છે. તમે મદદ માંગી પણ ન મળી. પણ બુમાબુમ કરી તો ટોળું ભેગું થઇ ગયું અને પેલા નકારાત્મક લોકો ભાગી ગયા. પહેલી વાત કે નકલી શબ્દ બહુજ કોમન થઇ રહ્યો છે. બની શકે કે પેલા ટ્રાફિક વાળા નકલી હોય અને પેલા માણસ સાથે ભળેલા હોય. બાકી તમે મદદ માંગો અને એ તમને લુંટારાઓને સોંપી દે એવું થોડું બને? આપણે મદદ માંગતા શરમાઈએ છીએ. લોકો શું કહેશેની બીમારી આપણા સંસ્કારોને કોરી રહી છે. એમાંથી બહાર આવવું પડશે. બોલો, મદદ માંગો, એકત્રિત થાવ. વાત રહી રસ્તાની સ્થિતિની. આપણે ત્યાં રસ્તાપર ચાલતા વાહનો માટેના કોઈ મજબુત નિયમોનું પાલન નથી થતું. હાઇવે પર બમ્પ મુકવા પડે એ આપણી માનસિકતા દર્શાવે છે. આપણી નજર સામે ટ્રક માંથી સળિયા ઢસડાઇને રસ્તાને ખરાબ કરતા હોય ત્યારે આપણે ફરિયાદ નથી કરતા. એ આપણી ફરજ છે. આપણે માત્ર હક્કની વાત કરીએ છીએ. સજાગ અને નીડર બનો. યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે રજૂઆત કરો. પરિણામ ચોક્કસ દેખાશે.

સવાલ: મને ગઈ કાલે ઓવર સ્પીડીંગમાટે મોટો દંડ થયો છે. હાઇવે પર 80ની લીમીટ હતી. અમે ઓવરટેક લેનમાં હતા. જો સ્પીડ ન વધારીએ તો આગળ કેવી રીતે જવાય? સામાન્ય રીતે ત્રણ લેન હોય તો ડાબી બાજુની લેન માટે નિયમ હોય. જે માણસ આવા ફોટોગ્રાફ લઈને મેમો મોકલાવે છે એને આ વાત નહિ ખબર હોય?

જવાબ: 80ની સ્પીડ પર વાહન ચાલતું હોય તો એનાથી વધારે સ્પીડ સાથે જ એની આગળ નીકળી શકાય. ત્રણ લેનમાં ત્રણેય માટેના નિયમો અલગ હોઈ શકે. જોકે આપણે ત્યાં માત્ર આવી નાની નાની બાબતો પર જ ધ્યાન અપાય છે. વરસોથી ઓવરટેકીંગ લેનમાં ચાલતી ટ્રકો એનું એક ઉદાહરણ છે. એમની સ્પીડને કંટ્રોલ કરવા માટે કદાચ એ લેનમાં બેસીને ફોટા પાડવા પડ્યા હોય એવું પણ બને. યોગ્ય જગ્યાએ રજૂઆત કરી જુઓ. તમને એ લોકો સમજી શકશે એવું માની શકીએ.

ક્યારેક આવા નાના કામ માટે પેટા એજન્સીઓને ટાર્ગેટ સાથે કામ આપતા હોય છે. બની શકે કોઈ પેટા એજન્સીનો માણસ હોય.

સુચન: દક્ષિણ મધ્યના પદનું એક દ્વાર આર્થિક સંકળામણ આપી શકે છે.

(આપના સવાલ મોકલી આપો Email: vastunirmaan@gmail.com)