વાસ્તુ: સ્વાર્થ, જવાબદારી અને સમાજના નિયમો

માત્ર બાહ્ય દેખાવ પાછળ ભાગતી દુનિયા આત્માની શક્તિને ભૂલી ગઈ છે, અને એટલે જ લોકો વધુ છેતરાય છે. ભારતમાં આંતરિક ઊર્જાને વધારે મહત્વ આપવામાં આવે છે; એટલે જ કોઈનું મન દુભાવવા સામે નિષેધ છે. પોતાના સ્વાર્થ માટે અન્યને દુઃખ પહોંચે એવો વ્યવહાર કરવો જોઈએ નહીં. ધન કમાવવું એ એટલી મોટી વાત નથી, પરંતુ દેખાવાની દુનિયામાં માનવીય સંબંધો અને માનવતા ભૂલાઈ જાય છે. તેમાંથી ઉદ્ભવતી નકારાત્મક ઊર્જા લાંબા ગાળે માનસ પર અસર કરે છે. પૈસા અને સત્તાથી દુનિયા ચાલે છે, પરંતુ તેના ઉપર જે મહત્તમ શક્તિ છે તે વિના બધું નિર્થક છે. પરસ્પર સન્માનની ભાવના પ્રવર્તે ત્યારે જ સકારાત્મકતા જાગે છે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને કોઈ સમસ્યા કે સવાલ હોય તો નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: તમારા જવાબો શાસ્ત્રોક્ત અને પ્રેક્ટિકલ હોય છે, એટલે તમારા લેખ વાંચવા ગમે છે. તમે સુફિયાણી બોરિંગ સલાહ આપતા નથી અને જે હોય તે સીધું કહો છો – એ શૈલી મને ગમે છે. હું મારા પતિથી અલગ રહું છું. વિદેશમાં અમે અલગ થયા પછી મારા તમામ નખરા એમને સહન કરવા પડે છે. લોકો મને સ્વચ્છંદી કહે છે.

હું એક પ્રીમિયમ સોસાયટીમાં રહું છું. મારા શોખ માટે મેં એક ડોગ પાળ્યો હતો. એ ક્યારેક મારી સાથે સુઈ જતો. જ્યારે એ મારી વાત ન માનતો ત્યારે હું એને બાલ્કનીમાં રાખતી. એકવાર વધારે ઊંઘ આવી ગઈ અને વરસાદમાં ભીંજાઈ જવાથી એ બીમાર પડી ગયો અને પછી મૃત્યુ પામ્યો. હવે મેં બીજો ડોગ પાળ્યો છે. એ મારી સાથે રૂમમાં જ રહે છે.

ગઈકાલે હું એને લઈને સોસાયટીમાં ફરવા ગઈ હતી. ફોનમાં ધ્યાન હોવાથી એ એક વડીલના પગ નીચે આવી ગયો. વડીલે કહ્યું કે “તમારા કુતરાને બાંધી રાખો, મને ફરની એલર્જી છે.” મને ખૂબ ગુસ્સો આવ્યો. મેં કહ્યું કે એને “કુતરો” નહીં કહો, એ મારો ડોગ છે. તેની ટ્રેનિંગ માટે હું મહિને ચાલીસ હજાર રૂપિયા ખર્ચું છું. એ મારી સાથે સુવે છે, તો કોઈએ એને કુતરો કહેવું યોગ્ય નથી.

આજે સવારે લિફ્ટમાં એણે પોટ્ટી કરી દીધી. એ જ વડીલ ત્યાં હતા. તેમણે કહ્યું કે સોસાયટીના નિયમ મુજબ લિફ્ટમાં ડોગ્સ લાવવાની મનાઈ છે અને આવી ગંદકી કરવી યોગ્ય નથી. મને લાગ્યું કે ભારતમાં તો લોકો રસ્તા પર પણ ગંદકી કરે છે, તો મારા ડોગથી એકાદ વાર થઈ જાય તો શું ખોટું? હવે મારા પતિના ગયા પછી એ જ મારો સહારો છે. શું આ “ઓલ્ડ સ્કૂલ” લોકો સમજી શકશે નહીં? આવા લોકોને સમજાવવા માટે શું કરવું?

જવાબ: તમે અત્યંત સ્વાર્થી વર્તન કરી રહ્યા છો એ વાત તમને સમજાતી નથી. જે વ્યક્તિ તમારી વાત નથી માનતી, તે તમારી નજરે દુશ્મન બની જાય છે. સમાજમાં રહેવું હોય તો નિયમોનું પાલન કરવું જ પડે. દુનિયા તમારી ઈચ્છા મુજબ ચાલે એવી અપેક્ષા રાખી શકાતી નથી. જો કોઈને ફરની એલર્જી હોય તો તમારો ડોગ તેની પાસે જવાનો અધિકાર ધરાવતો નથી. કોઈને ડર લાગે તે શક્ય છે.

તમે પ્રાણીને પાળો છો, પરંતુ તેની સંપૂર્ણ જવાબદારી લેવાની તૈયારી દર્શાતી નથી. જાહેર જગ્યાએ ગંદકી થાય તો તેની સફાઈ તમારી ફરજ છે. નિયમો તોડવાનું સિદ્ધિ ગણવી એ ઉદ્ધતતા છે. શક્ય છે મારી વાત કડવી લાગે, પરંતુ સાચી વાત સ્વીકારવાથી જ બદલાવ આવે. પહેલા પોતાનો સ્વભાવ સુધારો. દુનિયા ખરાબ નથી; આપણા વર્તનથી પરિસ્થિતિ ઊભી થાય છે.

સુચન: ભારતીય નિયમો મુજબ પ્રાણીઓને ક્રૂરતા પૂર્વક બાંધી રાખવા અથવા ત્રાસ આપવાનો નિષેધ છે. પ્રાણી પાળવું શોખ નથી, જવાબદારી છે.