દીકરીને ભણવામાંથી રસ ઉડી ગયો છે…

“તમને ખબર છે, પેલા ભાઈ છે ને એ મોડી રાત સુધી કોઈની સાથે વાત કરે છે?” આવું સાંભળીને બધાના કાન સરવા થઇ જાય. કેટલાક તો વળી એ ભાઈના ઘરની આસપાસ પણ એ સમયે પહોંચી જાય. અંતે ખબર પડે કે એ કોઈક ઓનલાઈન ક્લાસમાં ભણે છે. આવી ઘણીબધી ચર્ચાઓ આપણી આસપાસ થતી જોવા મળે છે. જેનો કોઈ આધાર નથી એવી વાતો પણ જો ચટપટી હોય તો જલ્દી ફેલાય. સુક્ષ્મ જીવો પણ આવીજ રીતે ફેલાય છે ને? અને એની અસર પણ નકારાત્મક હોય છે. પોતાના ઘરના દરવાજા ખુલ્લા હોય અને અન્યની બારીમાં ડોકિયા કરવા મન ભાગતું હોય. આ છે નકારાત્મકતાની નિશાની. આવો સ્વભાવ હોય તો ઘરનું વાસ્તુ તપાસવું પડે. વાયવ્યથી અગ્નિનો અક્ષ નકારાત્મક હોય તો આવું થઇ શકે.

આજે પણ કેટલાક વાચકોના વિવિધ સવાલોની આપણે ચર્ચા કરીએ. જો આપના મનમાં પણ કોઈ સંશય, દ્વિધા કે સવાલ હોય જે વાસ્તુ નિયમો સાથે જોડાયેલા હોય તો આપ પણ અંતમાં જણાવેલા ઈ-મેઈલ પર પૂછી શકો છો. આ વિભાગ આપનો જ છે.

સવાલ: હું એક સોસાયટીમાં રહું છુ. અહીં આવ્યા પછી અમારી માનસિક શાંતિ પૂરેપૂરી હણાઈ ગઇ છે. શું કરોડોની પ્રોપર્ટી બનાવતાં પહેલા એ લોકો વાસ્તુશાસ્ત્રના નિયમો નહિ જોતા હોય? અમારી સોસાયટીમાં કોઈને કોઈ ધમાલ ચાલતી જ હોય છે. વળી નાની નાની વાતમાં બધા મમત પર આવી જાય છે. ઉપરના ફ્લેટ વાળા અમારા ઘરમાં એમની બાલ્કનીમાંથી કચરો, પોતું કરેલું પાણી એવું જાત જાતનું નાંખે છે. બધા પોતપોતાનામાં જીવે છે એટલે કોઈ વાત સાંભળવા તૈયાર નથી. આખી સોસાયટીમાં કોઈને એકબીજા સાથે ફાવતું નથી. અત્યારના સંજોગોમાં પ્રોપર્ટીના ભાવ પણ સારા ન આવે. તો અમારે શું કરવું?

જવાબ:  ભાઈશ્રી, આપની વ્યથા હું સમજી શકું છું. જો પૈસાથી સુખ ખરીદી શકાતું હોત તો કોઈ ધનિક માણસ દુખી ન હોત. જ્યાં અતિ છે ત્યાં પણ કોઈને કોઈ સમસ્યા છે જ. તમારી સોસાયટીમાં મુખ્યદ્વાર અગ્નિના પદમાં છે. ત્યાં પુરૂષ બેસે તો એનો સ્વભાવ ખણખોદ કરવાવાળો થઇ જાય. પૂર્વમાં જીમ્નેશિયમ છે અને પશ્ચિમ ખુલ્લો છે. સોસાયટી મેનેજર ઈશાનમાં બેસે છે અને કમિટી મેમ્બર્સ ઉત્તરમાં રહે છે. એટલે એવું કહી શકાય કે કોઈ પણ વ્યવસ્થા બરાબર નથી.

હવે વાત કરીએ તમારા ફ્લેટની. નૈરુત્યમાં ખુલ્લી જગ્યા છે અને દ્વાર પણ ખોટી જગ્યાએ છે. ઉત્તરનો ભાગ બહાર નીકળેલો છે તેથી માનહાની, અકળામણ, અસંતોષ જેવી ભાવનાઓ ઉભી થઇ છે. સોસાયટીમાં કાંઈપણ બદલવું હોય તો એમણે સંપર્ક કરવો પડે. માત્ર તમે કાંઈ નહિ કરી શકો, પણ તમે તમારા ફ્લેટમાં શાંતિથી રહી શકો એના માટે ઘરમાં ગુગળ, મટ્ટી પલ, કપૂરનો ધૂપ કરો. દર બુધવારે મગ ખાવ અને શિવલિંગ પર દહીંમાં કાળા તલ નાખીને અભિષેક કરો. ગુરુવારે મુખ્ય દ્વાર પર આસોપાલવનું તોરણ લગાવીને ઉંબરો પૂજી લો. મહામૃત્યુંન્જયમંત્ર જાપ કરો. આપને જે ફાયદો થાય તે જરૂરથી જણાવશો.

સવાલ: નમસ્તે સર. મારી દીકરીને ભણવામાંથી રસ ઉડી ગયો છે. તો શું કરવું જોઈએ?

જવાબ: બહેનશ્રી, નમસ્તે. અત્યારના સંજોગો જોતા આવું થઇ શકે. એક નાના સ્ક્રીન પર કોઈ વ્યક્તિ બોલ્યા કરે અને ટૂંકા સમયમાં બધું સમજી જવાનું થાય તો આવું થઇ શકે. આપની દીકરી ખૂબ નાની છે. એને અત્યારે બહાર જવા ન મળે, કોઈને મળવા ન મળે, કોઈ સાથે રમવા ન મળે તો એ પણ પૂરાઈ ગયાની લાગણી અનુભવે. પણ શું એને બહાર મોકલવાનું જોખમ લેવાય ખરું? આવા સમયે તમે એના મિત્ર બની એને ગમતું કરશો તો એનો રસ પાછો આવી જશે. તમે ખોટી ચિંતા છોડી દો. તમારા ઘરનું મુખ્ય દ્વાર વાયવ્યના પદમાં છે તેથી આવું થાય. આપના ઘરના વાયવ્ય પશ્ચિમમાં ચાંદીના વાટકામાં સફેદ ફૂલ રાખો અને શિવ પૂજા કરો. આપને ચોક્કસ ફાયદો થશે.

આજનું સૂચન: પશ્ચિમ તરફથી રસ્તો જતો હોય એવી પ્રોપર્ટીમાં સ્થગિતતા અનુભવાય છે.

(મયંક રાવલ)

(વાચકમિત્રોને માલુમ થાય કે, આપને પણ જો કોઈ સમસ્યા હોય તો નીચે જણાવેલા ઈ-મેઈલ પર આપ સવાલ પૂછી શકો છો. આપના સવાલો પૂછવા માટે ઈ મેઈલ કરોઃ vastunirmaan@gmail.com)