કુંવારી દીકરીને વાયવ્યમાં સુવડાવવાથી…

કોઈને પોઝીટીવ કહીએ અને ગુસ્સે થઇ જાય અને નેગેટીવ હોવાનો ગર્વ લે એવો સમય એટલે કોવિડ આવ્યા બાદનો સમય. નાની નાની વાતમાં અકળાઈ જતા લોકોને જોઇને એમનામાં રહેલો ભય સમજાઈ જાય છે. પણ વિધિની વક્રતા તો જુઓ. કુદરતની આટલી મોટી થપાટ જોયા બાદ પણ અમુક જગ્યાએ નકારાત્મક વિચારધારા વધી રહી છે. જયારે વ્યક્તિને પોતાનામાં વિશ્વાસ નથી હોતો ત્યારેજ તે ખોટા રસ્તા અપનાવે છે. એક ક્ષણ પછી શું થવાનું છે એ ખબર નથી અને માનવી આવનારી પેઢીઓ માટેનું પ્લાનિંગ કરે છે. ભૌતિકતાની સીમાઓ સર કરીને માની લે છે કે એ કુદરતને વશમાં કરી લેશે. ધર્મસ્થળમાં પૈસા મુકીને ઈશ્વરને ખરીદી લીધાનો આનંદ માંણે છે. પણ આ વિચારધારા આભાષી જીવન માટેની છે.

આજે પણ કેટલાક વાચકોના વિવિધ સવાલોની આપણે ચર્ચા કરીએ. જો આપના મનમાં પણ કોઈ સંશય, દ્વિધા કે સવાલ હોય જે વાસ્તુ નિયમો સાથે જોડાયેલા હોય તો આપ પણ અંતમાં જણાવેલા ઈ-મેઈલ પર પૂછી શકો છો. આ વિભાગ આપનો જ છે.

સવાલ: મયંકભાઈ, નમસ્તે. તમારા લેખ જીવન ઉપયોગી હોય છે. તમારા એક લેખમાં એવું વાંચ્યું હતું કે કુંવારી દીકરીને વાયવ્યમાં સુવડાવવાથી એ ઉતાવળે લગ્ન કરી શકે છે. મારી દીકરી માત્ર ૧૪ વરસની છે. એ પણ વાયવ્યમાં જ સૂવે છે. તો એ અત્યારે લગ્ન કરી લે તો ઉપાધી થઇ જાય. એ દક્ષિણ તરફ માથું રાખીને સૂવે છે. એ પોતાના નિર્ણય એ ધારે એ રીતે જ લે છે. ઉપાય બતાવશો.

જવાબ: બહેનશ્રી, આપનો વાસ્તુશાસ્ત્રમાં રસ ગમ્યો. તમે ગભરાયેલા છો, તમારી વાત સમજી શકાય એવી છે. વળી કોઈ પણ વાતને યોગ્ય સ્વરૂપે સમજવામાં ન આવે તો એ ચિંતાનો વિષય બની શકે. વાયવ્યમાં દીકરી રહેતી હોય તો એના વિચારો આગવા હોય. એની ઉંમર નાની છે તેથી ગભરાવાની જરૂર નથી પણ એની સુવાની વ્યવસ્થા બદલવી જરૂરી છે. વાયવ્યમાં ક્રિએટીવ કામ ચોક્કસ થઇ શકે. વળી દક્ષિણમાં માથું રાખીને સુવાની વ્યવસ્થાથી ઉતાવળીયા નિર્ણય લેવાનું મન થાય. ક્યારેક ઊંઘ પણ પૂરી ન થાય. આપની દીકરીને શિવપૂજા કરવો. વાયવ્યમાં બે બીલીપત્ર વવરાવી દો. ઈશાનમાં સાત તુલસી વાવી દો. આપને ચોક્કસ સારું લાગશે. આપનો અનુભવ ચોક્કસ જણાવશો.

સવાલ: મયંકજી, હું જ્યાં રહું છું ત્યાં પ્રોપર્ટી ખુબ જ મોંઘી છે. ફંડ હોવા છતાં કમિટી મેમ્બર્સ એ પૈસા ખોટી જગ્યાએ વાપરી નાંખે છે. ફાયર સેફટી નથી, પાણી વારંવાર બંધ થઇ જાય છે. સિક્યોરીટીના માણસો ખરાબ ભાષા બોલે છે. બધાજ સમ્ભ્યો ધૂંધવાયેલા છે. પણ કમિટીની દાદાગીરી અને ગંદી ભાષાના કારણે સમસમીને રહી જાય છે. મારા મનમાં સવાલ એવો છે કે શું આખીને આખી સોસાયટી દુખી હોઈ શકે? વળી પૈસા હોવા છતાં નમાલા માણસો થઇ જાય એવી નકારાત્મકતા કેવી રીતે ઉદ્ભવે? આનો કોઈ ઉપાય ખરો?

જવાબ: ભાઈશ્રી, વાસ્તુ એ દરિયા જેવો વિષય છે. દેશના વાસ્તુ માટેના પણ નિયમો મળી શકે. હું તમારી વાત સાથે એટલે સહેમત નથી કે કોઈ જગ્યાએ બધા જ નમાલા બની જાય. જયારે કોઈ એક માણસ અવાજ ઉઠાવે અને અન્ય લોકો એમાં સહકાર ન આપે ત્યારે ખરાબ માણસોની તાકાત વધે છે. જો બધા પોતપોતાના વાડા અને સ્વાર્થ કે અહંને છોડી એકત્રિત થાય તો આ સમસ્યા મોટી નથી લાગતી. સત્તા, સમૃદ્ધિ અને સન્માન પાછળ ઘેલા થયેલા કેટલાક લોકો માનવીય મુલ્યોને કોરાણે મૂકી દે છે. પણ કુદરતના નિયમો એનું કામ કરે જ છે. એને કોઈ ટૂંકા સમયમાં સંપૂર્ણપણે સમજી ન શકાય.

આપની સોસાયટીમાં કાચની કેબીન બનાવ્યા બાદ સમસ્યા વધી છે. ઉત્તરનો દોષ પુરુષનો આત્મવિશ્વાસ ઘટાડી દે છે. વાયવ્ય અને અગ્નિનો દોષ નારીમાં ખેંચાખેંચની ભાવના જગાડે. અન્યના જીવનમાં રસ લેવા ગાર્ડસની મદદ લેવાતી હોય એટલે જ એ લોકો પછી સામેવાળા માટેનું સન્માન ભૂલી જાય અને એમનું અપમાન કરે. આમાં પાડાના વાંકે પખાલીને દામ જેવી સ્થિતિ પણ સર્જાય. આપને ત્યાં ખુબજ પ્રમાણમાં વાંસ વાવવામાં આવ્યા છે એ પણ મનોસ્થિતિ માટે સારા નથી. સમગ્ર સોસાયટીના દોષનું નિવારણ ચોક્કસ નીકળી શકે. પણ એના માટે પણ કમિટી તૈયાર થશે ખરી?

આપનું મન શાંત રહે એ માટે પ્રાણાયામ કરો, વધારે પાણી પીવો, શિવ પૂજા કરો અને ઘરમાં ગુગળ, ચંદન, અંબરનો ધૂપ કરો.

આજનું સૂચન: દેવસ્થાન પર વજન ક્યારેય ન રખાય. એનાથી દેવસ્થાનની ઉર્જા પર અસર પડે છે.

(મયંક રાવલ)

(વાચકમિત્રોને માલુમ થાય કે, આપને પણ જો કોઈ સમસ્યા હોય તો નીચે જણાવેલા ઈ-મેઈલ પર આપ સવાલ પૂછી શકો છો. આપના સવાલો પૂછવા માટે ઈ મેઈલ કરોઃ vastunirmaan@gmail.com)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]