વાસ્તુ: આધુનિક ગરબા અને આપણી સંસ્કૃતિ

માણસ સતત કુદરતને હરાવવા પ્રયત્ન કરે છે. અને કુદરતના નિયમોને અવગણી એવો સંતોષ લે છે કે હવે કુદરત એને આધીન થઇ જશે. નવા સંશોધનો કરીને સાબિત કરવા માથે છે કે ટેકનોલોજી દ્વારા જ વિશ્વ ચાલી શકે. એ લાખો વરસનો કુદરતનો ઈતિહાસ જાણ્યા વિના એને વશમાં કરવા મથી રહ્યો છે. વશ ફિલ્મમાં પણ માણસ અન્યને સંપૂર્ણપણે વશમાં લઇ શક્યો ન હતો. તો આ તો હકીકત છે. ફિલ્મની સિકવલ બને અને ચાલે પણ ખરી. પણ જીવનની સિકવલ થોડી જ બને? કુદરતની સામે પડવા કરતા એની સાથે સંતુલન સાધીને મજાનું જીવન જીવીએ તો કેવું? કુદરતને વશમાં કરવા કરતા એને મિત્ર બનાવીએ તો?

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર ચોક્કસ પૂછી શકો છો.

સવાલ: કુદરતનું તોફાન, અવ્યવસ્થિત અર્થ વ્યવસ્થા, વિવધ દેશો વચ્ચેની લડાઈ, વધતા ટેરીફ દર, આવી વિવિધ સમસ્યાઓ સામે આખું વિશ્વ જજુમી રહ્યું છે. તેમ છતાં કેટલાક લોકો ભવિષ્યની ચિંતા કર્યા વિના લોન લઈને મોજશોખ પુરા કરે છે. અમે નાના હતા ત્યારે આસપાસના લોકોને જોઇને ગરબા શીખી લેતા. અને હવે લાખો રૂપિયાની ફી ભરીને મહિનાઓ સુધી ગરબા શીખવાનું ચાલે છે. વળી એને શીખવાડવા વાળા અને શીખવા વાળા બંનેના વસ્ત્રો જોઇને વિચાર આવે કે સાચે જ આ ગરબાના ક્લાસ છે ને? માની લઈએ કે ગરબાનું એક સ્ટેપ ખોટું લેવાઈ ગયું તો શું એના માટે ફાંસીની સજા થશે?

તકલીફમાં ભવિષ્યનો વિચાર ન કરીએ તો પણ આજનો વિચાર તો કરાય જ ને? ગરબા એ આધ્યાત્મિક પરંપરા છે. એમાં વળી ઝુમ્બા અને ડિસ્કો ક્યાંથી આવે? આપણે ક્યાંક સંસ્કૃતિના નામે મોજ્શોખતો નથી કરી રહ્યા ને? અને જુવાનીયાઓ તો ઠીક માબાપ પણ સમજ્યા વિના આવા ક્લાસમાં જાય છે. શું આખી જિંદગી ગરબા કર્યા પછી પણ કશું શીખ્યા નહિ? કે પછી ગરબાના નામે બીજું જ કશુક શીખી રહ્યા છે?

સાચે જ આપણી પેઢી ક્યાં અટકશે? એક તરફ સંસ્કૃતિ બચાવવા માટે આપણે બુમો પડીએ છીએ અને બીજી બાજુ આવી પ્રવૃતિનો આનંદ પણ લઈએ છીએ. ગરબા પાછળનું વિજ્ઞાન કોરાણે મુકાઈ ગયું છે અને એ માત્ર અર્થ સંપાદનની પ્રવૃત્તિ થઇ ગઈ હોય એવું લાગે છે.

જવાબ: સંસ્કૃતિ શીખવાડવા માટે સંસ્કૃતિની સમજણ હોવી જરૂરી છે. ગરબા કરવા જોઈએ. પણ એની પાછળનો આશય, એનો સમય, એ કરવાની રીત વિગેરે જાણવું જરૂરી છે. ચંદ્રનો ઉગવાના સમયે પ્રકાશ સકારાત્મક ઉર્જા આપે છે. જેમ મધ્યાન પછીનો સૂર્ય નકારાત્મક છે એવું ચંદ્ર પ્રકાશ માટે પણ છે. ઠેશ, તાલી, ચપટી આ બધી પ્રક્રિયાઓ યોગ સાથે જોડાયેલી છે. ગરબામાં આવેગની કે સ્પર્શની જરૂર નથી. વળી ગરબા એ સામુહિક પ્રક્રિયા છે. એટલે એને થોડા સમયમાં એની મેળે જ સમજી શકાય છે. એના માટે લાખોનો ખર્ચ કરવાની જરૂર નથી.

કેટલાક સભ્ય સમાજના લોકો ગરબાના ક્લાસનો વિરોધ કરી રહ્યા છે. વળી નામમાત્રના કપડા પહેરીને ગરબા કરવા એ સંસ્કૃતિનો અનાદર છે. જે સંસ્કૃતિ નિયમો છોડે છે એનું અસ્તિત્વ જોખમાય છે. તમારી વાત સાચી છે. મોજશોખ અને ધર્મ બંનેના સ્થાન અલગ છે. એને એક સાથે ન જ રખાય. જેમને સંસ્કૃતિ વિષે સાચી સમજણ નથી એમને સમજાવવું શક્ય નથી. આપણી આસપાસ વ્યવસાયિક નજરે ઘણુબધું એવું થઇ રહ્યું છે જે સાંસ્કૃતિક નથી. એને રોકવા માટે વ્યક્તિગત પહેલ શક્ય નથી. જયારે સભ્ય સમાજની કલ્પના સાર્વત્રિક બને ત્યારે જ આ શક્ય બને.

મારી દ્રષ્ટીએ ગરબા ક્લાસ એ દેખાડો જ છે. જેને ગરબા કરવા છે એ પૈસા ખર્ચ્યા વિના પણ શીખી શકે છે. અને આજના રીલ્સ અને વીડીઓના યુગમાં તગડી ફી આપીને મહિનાઓ સુધી સમય બગાડીને ટ્રાફિક ફેંદીને ક્લાસમાં જવું એ મારી દ્રષ્ટીએ મુર્ખામી છે. પણ કેટલીક બાબતો આપણે સમજી નથી શકતા કે સમજાવી પણ નથી શકતા. આ એમાંની એક બાબત છે.

શેરી ગરબા કરો. સ્વસ્થ રહો. સંસ્કૃત રહો.

સુચન: ઉંબરો દરવાજાની બારસાખનો ભાગ છે. એની આગળ માત્ર પત્થર કે લાકડું મુકવાથી કોઈ ફાયદો થતો નથી.

(આપના સવાલ મોકલી આપો Email: vastunirmaan@gmail.com)