વાસ્તુ: શું ખરેખર ઈશ્વર હોય છે?

વસંત પંચમી એટલે સરસ્વતી પૂજાનો દિવસ. આ દિવસે કોઈને પીળી વસ્તુ ભેટમાં આપી શકાય. કુદરત પણ જાણે શૃંગાર રસથી સજેલી દેખાય. આ દિવસે નવા પુસ્તકોનું પણ પૂજન થાય. એટલે કે વિદ્યાર્થી માટે આ સારો દિવસ ગણી શકાય. વિદ્યાર્થી એટલે કોણ? જે શાળા કે કોલેજમાં અભ્યાસ કરે છે તે? જે એડમીશન લીધા પછી માત્ર પરીક્ષાલક્ષી તૈયારી કરે છે તે? કે પછી સતત કઈક નવું શીખવાની ભૂખ રાખે છે તે. વિદ્યાર્થી જયારે પરીક્ષાર્થી બની જાય ત્યારે સરસ્વતી વંદનાના કાર્યક્રમો સુના જ દેખાય. અને જેને કઈક શીખવું છે એ તો એકલવ્યની માફક ક્યારેય પણ ક્યાંય પણ શીખી શકે. અને પેલા દ્રોણાચાર્ય અંગુઠો માંગીને વિચારે કે અર્જુનથી શ્રેષ્ઠ કોઈજ નથી. પણ એ અંગુઠો માંગવાની ચેષ્ટા જ ગુરુની હાર હોય છે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપ આપના સવાલો નીચે જણાવેલ ઈમેલમાં પૂછી શકો છો.

સવાલ: સમય કેટલો ઝડપથી જાય છે? હજુ તો જાણે થોડા સમય પહેલા જ વસંત પંચમી ગઈ હોય એવું લાગે છે. ગયા વરસે મારી કોલેજમાં ઉત્સવ હતો. જેમણે તૈયારી કરી હતી તે ફૂલ લાવવાનું ભૂલી ગયા હતા. મેં મારા બગીચામાંથી થોડા ફૂલ લઇ લીધા. જુજ સંખ્યા હતી. પણ કાર્યક્રમ સારો રહ્યો. મેં પીળું ફૂલ આપ્યું એનો અર્થ કઈક જુદો નીકળ્યો. શું વેલેન્ટાઈન ડે ના નિયમો બધે જ લાગે? ભારતીય વિચારધારાનું કોઈ મહત્વ જ નહિ? વળી જેમને ફૂલ આપીએ એ પ્રેમીજ હોય એવો કોઈ નિયમ ખરો? શું એમનેમ ફૂલ ન અપાય? આવું શા માટે થયું હશે?

જવાબ: આપની વિચારધારા ગમી. આપણી વિચારધારા બદલાઈ ગઈ છે. વિદેશી વિચારધારાની ગુલામી જતી નથી અને આપણે આઝાદ છીએ એવા ભ્રમમાં રાચીએ છીએ. ફુલતો ઈશ્વરને પણ અર્પણ કરાય છે. તો શું એને કોઈ અલગ વિચારધારા સાથે જોડી શકાય? જો જવાબ હા માં હોય તો પણ ઈશ્વરને કરાતો પ્રેમ પેલા કહેવાતા પ્રેમ જેવો તો નથીજ હોતો. આપની સંસ્થામાં ઉત્તરનો દોષ છે. જેના કારણે પુરુષમાં આત્મવિશ્વાસ ઘટે. આત્મવિશ્વાસ ઓછો હોય ત્યારે આવું બને. આવી વાતોને ધ્યાનમાં ન લો. બસ તમે જે વિચારો છો તેને મહત્વ આપો. જીવનમાં બધા માણસો આપણા જેવા નથી હોતા.

સવાલ: શું ખરેખર ઈશ્વર હોય છે? જો હોય છે તો દેખાતા કેમ નથી? જયારે ખોટા માણસો સાચાને રંજાડે ત્યારે એ મદદ કેમ નથી કરતા?

જવાબ: શું તમે હવાને જોઈ છે? શું એમાં ઓક્સીજનના કણો નરી આંખે દેખાય છે? આવી તો ઘણી બધી બાબતો છે જે આપણે માત્ર માની લઈએ છીએ કારણકે આપણે તેને અનુભવીએ છીએ. ઈશ્વર અનુભૂતિનો વિષય છે. મને વિશ્વાસ છે કે આપને પણ કોઈ સરસ અનુભવ થયો હશે. દરેક વસ્તુનો સમય હોય છે. બધાજ ખરાબ માણસો કાયમ નથી ફાવતા. વળી એમનો અંત ક્યારેય વિચાર્યો છે? ખોટું કરીને પૈસા કમાઈ શકાય. કોઈને તકલીફ આપી શકાય. પણ કોઈનું મન ન જીતી શકાય. મને વિશ્વાસ છે કે આપને પણ ઈશ્વરનો સારો અનુભવ થશે. મને થયો છે.

સુચન: ઉત્તરમાં કમ્પાઉન્ડ વોલ ઉંચી હોય તો મનમાં ઉચાટ રહી શકે છે.

(આપના સવાલો પૂછવા માટે ઈ મેઈલ કરો…vastunirmaan@gmail.com)