તમારા ઘરમાં ઉત્તરથી દક્ષિણનો અક્ષ નકારાત્મક છે?

સંબંધોમાં પડેલી તિરાડોને રીપેર કરવાના બહાને કેટલાક લોકો એ તૂટતા સંબંધોનો પણ ફાયદો લઇ લેતા હોય છે. સંપત્તિ થી સુખ મળે કે ન મળે પણ એ જ સંપતિ અન્યનું સુખ ઓછું કરવામાં તો કામ લાગે જ છે. આવી દ્રઢ માન્યતામાં પણ કેટલાક લોકો જીવતા હોય છે. ધન અને સત્તા એ બંને જ જીવનને સાચી દિશા આપે છે એવું વારંવાર સાબિત થયું છે. અને તેથી જ કર્મ પ્રત્યે લોકોનો વિશ્વાસ ઓછો થઇ રહ્યો છે. પૂર્વજન્મની માન્યતામાં મોટાભાગના લોકોને રસ નથી. ટૂંકમાં ભારતીય શ્રદ્ધા અને વિશ્વાસ હવે પાશ્ચાત્ય સંસ્કૃતિથી રંગાઈ રહ્યા છે. અને આ દેશની નિર્ભયતા અને બાહોશપણું વિસરાઈ રહ્યું છે. અન્યની હાજરીમાં સારા દેખાવાની ઘેલછામાં વ્યક્તિ દમનને સહન કર્યા કરે છે. શું આવા વ્યક્તિત્વ ભારત ભાગ્ય વિધાતા બની શકશે? કદાચ નહિ. સત્ય અને નિર્ભયતા માટે સકારત્મક ઉર્જા જરૂરી છે. જે મળે છે વાસ્તુ નિયમો થકી.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: મેં જીવનમાં સફળ થવા ખુબ જ મહેનત કરી છે. સફળતાના શિખરો પર જઈને બેઠા પછી મારા જ કેટલાક અંગત લોકોએ મને નીચે પાડવા પ્રયત્ન કર્યો છે. મારા સારાપણાનો એમણે ભરપુર ફાયદો ઉઠાવ્યો છે. મને બરબાદ કરવા માટે એમણે જેટલા પ્રયત્ન કર્યા છે એટલા જો એમણે ઈશ્વરને પામાવા કર્યા હોત તો કદાચ સાક્ષાત ઈશ્વર પણ પ્રગટ થઇ ગયા હોત. મારી જીણામાં જીણી વિગત મેળવવા એ લોકો પૈસા ખર્ચે છે. મારા ડ્રાયવર થી માંડીને કામવાળા સુદ્ધાને એ એક્સ્ટ્રા પૈસા આપીને મારી માહિતી લઇ ને પછી મારા કામમાં અડચણો ઉભી કરે છે. મારા વિશે અફવાઓ ફેલાવે છે. જેનાથી લોકો મને કામ ન આપે. શું કરું સમજાતું નથી. હવે એમની પાસે એટલા પૈસા છે કે એ લોકો ધારે એને ખરીદી શકે.

જવાબ: ઈશ્વરે ક્યારેક રાક્ષસોને પણ વરદાન આપેલા છે એવું આપણે વાંચેલું છે. પણ નકારાત્મક શક્તિનો અંતે તો પરાજય જ થયો છે. કોઈને રંજાડીને કોઈ સુખી ન જ થાય. એ બધું સુખ ક્ષણિક છે. વળી જે માણસ સુખી છે એને કોઈનું સુખ નડતું જ નથી. જે માણસ અન્યને દુખી કરવા પ્રયત્ન કરે છે એ પોતે તો દુખી જ હોય છે. અન્યના સુખમાં સુખી થતા ત્યારે જ ન આવડે જયારે વ્યક્તિને સુખ વિશે જાણકારી જ નથી. રહી વાત કર્મની. એ પોતાનું કામ કરે જ છે. તમે સાચા હો તો ડરવાની જરૂર નથી. પૈસાથી માણસો ખરીદી શકાતા હશે પણ સુખ નહિ જ. એમને તમારામાં રસ છે એ જ બતાવે છે કે તમારામાં એમનાથી કઈક વિશેષ છે. બસ, એ વિશેષતામાં મજા કરો. એક દિવસ એ પોતાનાથી જ થાકી જશે. સમય પરિવર્તનશીલ છે. એ એનું કામ કરશે જ. સવારે વહેલા ઉઠીને સૂર્યને જળ ચડાવો. શિવ પૂજા કરો. ચોક્કસ સારું લાગશે.

સવાલ: મારા ઘરમાં વડીલોનો ખુબ ત્રાસ છે. એ લોકો કોઈ વાતે સમજવા જ તૈયાર નથી કે મારે પણ મારું કામ હોય. એ લોકો બસ એમના કામને જ મહત્વ આપે છે. એમનું કામ ન કરીએ તો ગુસ્સે થાય અને જો કરીએ તો મારું કામ ન થાય એટલે બધાને કહેતા ફરે છે કે આનું કોઈ કામ ઠેકાણા વાળું જ ન હોય. કેટલા લોકોનું કામ બાકી રાખે છે? શું કરું, કોઈ સુચન આપો ને.

જવાબ: તમારા ઘરમાં ઉત્તરથી દક્ષિણનો અક્ષ નકારાત્મક છે એટલે આવું થાય. બુધવારે સમળાના ઝાડ પર દૂધ ચડાવો. ગણેશજીને ગોળ ધરાવીને પ્રસાદ લો. વડીલોને ના પાડતા શીખો.

આજનું સુચન: ઉત્તર કરતા દક્ષિણમાં પ્લોટનું માર્જીન વધારે ન રાખવું જોઈએ. એવું કરવાથી ઘરના પુરુષ વ્યક્તિને તકલીફ પડી શકે.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)