વાસ્તુની સકારાત્મકતા વ્યક્તિના કર્મો પણ આધારીત હોય છે

વિકલાંગ હોવું એ કોઈ દોષ તો નથીજ પણ એ કોઈ સિદ્ધિ પણ આથી. તન, મન અને ધનથી ક્યારેક કોઈ વ્યક્તિ અન્ય કરતા ઉંણી ઉતરે એવું બને. કારણકે વિશ્વમાં બધાજ લોકો સમાન નથી. જેમ મહાનતાના ગુણગાન કે નુમાઇશ ન હોય એવું ઓછાપણામાં પણ ન જ હોય. ઈશ્વરે આપણને જેવા બનાવ્યા છે એનો આનદ કરવો એ જ જીવન. પણ કેટલાક લોકોને સહાનુભુતિ માંથી ફાયદો લેવાનું ગમતું હોય છે તો કેટલાકને અન્યની ઓછપને વારંવાર દેખાડીને એમને નીચા દેખાડવાનું ગમતું હોય છે. આ બંને પ્રક્રિયાઓ નકારાત્મક ગણી શકાય. કારણકે બંનેનો આશય ખોટો જ છે.

મિત્રો આ વિભાગ આપનો જ છે. આપ નીચે જણાવેલ ઈમેઈલ પર આપના સવાલો પૂછી શકો છો.

સવાલ: હું પોતે એક ડોક્ટર છું. અમે પ્લોટ ખરીદ્યો એ પહેલા પાછળ એક માણસ રહેતો હતો. મોઢું સારું પણ પગમાં તકલીફ. એણે જાણીજોઈને અમારા પ્લોટ તરફ સંડાસની કુંડી બનાવી હતી. આમતો જમીનમાં હતી અને નિયમ મુજબ જ હતી. પણ આ વિચારધારા ખોટી ન કહેવાય? અમે અમારા સંડાસ એના ઘરની સાવ નજીક બનાવી દીધા. એણે વિરોધ કર્યો. એટલે મેં લોકલ લીડર્સને કહીને એને ધમકાવીને બેસાડી દીધો. એને શરીરમાં ખામી છે તો પણ કાયમ હસતો જ હોય છે. મેં એની સામે રહેતા મારા સંબંધીને કહ્યું તો એમનું પણ એવું જ માનવું છે કે માણસે તકલીફમાં હોય ત્યારે તો ખુશ ન જ રહેવાય. મને એ માણસ દીઠો નથી ગમતો. મેં ધમકીઓ આપાવીને એમનું ઘર ખાલી કરાવી દીધું. થોડા સમય પહેલા એ ઘરમાં કશુક સાફ કરાવવા આવ્યો હતો. આટલું થયું તો પણ મને જોઇને કેમ છો કહીને સ્મિત આપ્યું. કેટલો વિચિત્ર માણસ કહેવાય? અમે બધા એ જ ચર્ચા કરીએ છીએ કે એ અમે જલાવવા માટે આવું કરે છે. શું કોઈ વિધિ કરવાથી આવા માણસોથી પીછો છુટે ખરો? હવે મને ગુસ્સો આવે છે. ગઈ કાલે મેં મારા દીકરાને માર્યો પણ ખરો. આવું તો ન જ ચાલે ને?

જવાબ: વિકલાંગતા માત્ર શારીરિક જ નથી હોતી. માનસિક પણ હોય છે. તમારા આવ્યા પહેલા જે ઘર બન્યું છે એ તમને હેરાન કરવા માટે બન્યું છે એવું કેવી રીતે માની શકાય? આખી પક્રિયામાં તમે તમારા સંબંધોનો ઉપયોગ કરીને એને હેરાન કરવા વારંવાર પ્રયત્ન કાર્ય છે એવું દેખાય આવે છે. તમારા ત્રાસથી એ માણસ પોતાનું ઘર છોડીને જતો રહ્યો તો પણ તમને રાહત નથી? મને તો સાચે જ વિચાર આવે છે કે કશુજ જોયા જાણ્યા વિના તમને સપોર્ટ કરનારા તમારા લોકલ લીડર્સ પણ કેવા હશે? તમારા સંબધી તમારા જેવા જ છે. એ પણ સુખને સમજી નથી શક્યા. પેલો માણસ દુઃખમાં પણ સુખી છે અને તમે માત્ર દુઃખને જ સમજી શક્યા છો. શારીરિક તકલીફ એ કોઈના હાથમાં નથી હોતી. તમને એવા લોકો નથી ગમતા તો તમે એની નજીક રહેવા શું કામ આવ્યા? પણ આવી વિકૃત વિચારધારા બદલવી જરૂરી છે. તમે તમારા દીકરાને પણ ન છોડ્યો? વિચારજો. તમારા ઘરમાં અગ્નિનો દોષ છે. જયારે દક્ષીણ અગ્નિના ખોટા પળમાં દ્વાર હોય ત્યારે વ્યક્તિનો સ્વભાવ આવો થઇ જાય છે. તમારા ઘરના ઈશાનમાં જમીનથી ઉપર પાણીની ટાંકી છે. જે ઉચાટ આપી શકે. બરાબર ઉત્તરમાં જ સંડાસ છે. જે પુરુષનો આત્મવિશ્વાસ ઓછો કરી શકે. વળી અગ્નિમાં હીંચકો છે જે નારીને ચંચળતા આપે. તમારા પ્લોટમાં ઉત્તરમાં માર્જીન સાવ ઓછા છે અને દક્ષિણમાં ખુબ મોટી જગ્યા છે. જે પતિપત્નીના સંબંધ માટે પણ યોગ્ય નથી. જો આપના પતિ આપનાથી વધારે દુર રહેતા હોય તો એ તરફ વિચારો. આ ખુબ જ જરૂરી છે. બાકી ઈશ્વર એનું કાર્ય કરે જ છે.

સુચન: વાસ્તુની સકારાત્મકતા સંપૂર્ણ રીતે મદદ ત્યારે જ કરે છે જયારે વ્યક્તિના કર્મો પણ સારા હોય.