વાસ્તુ: યુગલ માટે પૂર્વનો બેડરૂમ યોગ્ય નથી

બે ખોટાથી એક સાચું થાય ખરું? પોતે ખોટા છે એવું માનવાના બદલે દુનિયા જ ખરાબ છે. કળીયુગમાં તો આવું જ કરવું પડે આવા બહાના મનમાં આવે ત્યારે સ્વ વિષે વિચારવાનો સમય આવી ગયો છે એ સમજવું ખુબ જરૂરી છે. સત્યને કોઈ આવરણ નથી હોતા. ખોટું બોલવામાં ક્યારેક કુદરતની લપડાક પડે પણ ખોટી ખોટી લપડાક પોતાના જ પ્રમોશન માટે ખાવામાં પણ કેટલાક લોકોને મજા આવે ત્યારે નવાઈ લાગે. સગવડીયું સત્ય જેવો કોઈ શબ્દ નથી. દુનિયામાં ક્યાંક તો કોઈએ ખોટું કર્યું જ હશે. અને એને આધાર માનીને બધા જ લોકો એના જેવો વ્યવહાર કરે એ કેટલું યોગ્ય છે? એના બદલે કોઈએ સારું કર્યું હોય એને અનુસરીએ તો? કારણ કે બે સત્યથી અંતે તો સત્ય જ દેખાશે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો?

સવાલ: શું કોઈ હાથે કરીને માર ખાય? નવાઈ લાગે છે ને? હું એક ફિલ્મના સેટ પર આસીસ્ટન્ટ છું. ઘણા સમયથી હું આ ગ્રુપ સાથે કામ કરું છુ. અમારા હિરોઈન બેનની એક ફિલ્મ આવી રહી છે. એમને ખાસ કોઈ ઓળખતું નથી. એમણે મને કહ્યું કે એ પત્રકારોને બોલાવશે અને મારે અચાનક એમને લાકડી મારવાની છે. એ ખસી જશે એટલે એમને વાગે નહિ. કારણમાં કોઈ જૂની લડાઈ કહી દેવાનું પણ કહ્યું. કોઈ નારી પર મારે હાથ શુકામ ઉપાડવો જોઈએ? વળી એમની ફિલ્મ ચાલે એમાં મારી આબરૂ ઓછી ન થાય? મેં નાં પાડી તો મને નોકરીમાંથી છુટો કરાવવાની ધમકી આપે છે. એ એવું કહે છે કે આતંકવાદીઓ તો આખાને આખા ગામને ઉડાડી મુકે છે. તારે તો ખાલી લાકડી જ મારવાની છે. શું એ મને આતંકવાદી માને છે? વળી એમના માટે મારે ખરાબ શું કામ દેખાવું જોઈએ? મારેય ઘર પરિવાર છે. એમનું શું? એ બહારથી આવે છે. ફિલ્મ નહિ ચાલે તો પાછા જતા રહેશે. મારે અહી જ રહેવાનું છે. એક મિત્ર તો કહે છે કે લાકડીથી માથું જ ફોડી નાખ. મારે એમાં પડવું નથી. શું કરું?

જવાબ: પ્રસિદ્ધિ માટે માણસ ક્યાં સુધી નીચે જશે એ સમજાતું નથી. તમે મદદ ન કરવાનો વિચાર કર્યો છે તે યોગ્ય જ છે. તમારા કહેવા મુજબ એ કોઈ જાણીતી વ્યક્તિ નથી. તમને બધા ઓળખે છે. ગભરાવાની જરૂર નથી. શિવ પૂજા કરો અને મહામૃત્યુંન્જય મંત્ર જાપ કરો. ચોક્કસ સાચો રાહ મળશે.

સવાલ: સાહેબ, મારી પત્ની એકદમ ફિલ્મી છે. દરેક સિચ્યુએશન માટે એની પાસે ગીત હોય. રસોડામાં કામ વધારે હોય તો દુનિયામે હમ આયે હૈ તો જીના હી પડેગા જેવા ગીતો ગાય, હું ઓફિસેથી ઘરે જાઉં તો મેરા પિયા ઘર આયા ગાય. મારે બહારગામ જવાનું હોય તો અભી ના જાઓ છોડ કે ગાય. અમે નાના ગામમાં રહીએ છીએ. સંયુક્ત પરિવાર છે. એટલે ખાનગી વાત કરવી હોય તો થોડું નજીક જઈને ધીમેથી કહેવું પડે. હું નજીક જાઉં એટલે એ રોમેન્ટિક થઈને બધાની સામે જ પપ્પી લઇ લે. વડીલોની હાજરીમાં કેવું લાગે. મારા મમ્મીને કોઈએ કહ્યું હતું કે છોકરી હિરોઈન જેવી છે. એટલે એ નક્કી કરીને આવી ગયા. મને તો સીધી સગાઈમાં જ મળી. હવે એ લોકો મજાકમાં હિરોઈન કહેતા હશે એવું કોઈને થોડું સમજાય.

 

એક લગનમાં ગયા હતા, ત્યાં બ્લોઅર મુક્યા હતા તો વાળ ખોલીને સાડીને લહેરાવતી સ્લો મોશનમાં દોડીને મારી પાસે આવી. મારો હાથ પકડીને મને પણ સ્લો મોશનમાં દોડાવ્યો. બધા મારી મજાક કરે છે. મહેરબાની કરીને પડ્યું પાનું નિભાવી લો એવી સલાહ ન આપશો. કોઈ સોલ્યુશન આપો.

જવાબ: તાલી બે હાથથી પડે. શરૂઆતમાં તમે એ જે કરતા હતા એમાં સાથ આપ્યો. હવે એ જ વ્યવહાર નથી ગમતો. તમે સ્લો મોશનમાં દોડ્યા શું કામ? તમને જે વ્યવહાર નથી ગમતો એ શાંતિથી સમજાવો. મોટા ભાગે એવું થતું હોય છે કે વ્યક્તિ કેટલીક વસ્તુ ચલાવી લે. અને એ જયારે ટેવ બની જાય ત્યારે દુખી થાય. જે નથી ગમતું એ ન કરો. ખૂણામાં વાત કરવી હોય તો કહો કે એક અગત્યની વાત છે. તને કહેવી છે. એ પપ્પી લે તો કહો કે વડીલોની સામે આવું ન કરાય. વળી ચોવીસ કલાક રોમાન્સ પણ ન જ થાય. ઉગ્રતા કર્યા વિના સમજાવો.

તમારા ઘરના પૂર્વના બેડરૂમમાં સુવાના બદલે વાયવ્યમાં સુવો. ફેર પડશે.

સુચન: યુગલ માટે પૂર્વનો બેડરૂમ યોગ્ય ન ગણાય.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)