શું તમે ક્યારેય રાક્ષસોને મળ્યા છો? મહાભારતના કાળ સુધી આવી વાતો જોવા મળે છે. પછી એવી કોઈ વાતનો ઉલ્લેખ નથી. એ જ રીતે કળીયુગમાં કોઈ અવતારનો પણ ઉલ્લેખ નથી. એટલે કે દેવ અને દાનવ બંનેને મળવું દુર્લભ છે. જો કે કેટલાક માણસો માટે આપણે ચોક્કસ એવું માનીએ છીએ કે આ તો સાવ રાક્ષસ જેવો છે. કે આ દેવતા સમાન છે. તો શું આ બંને ગુણધર્મો આપણી અંદર જ સમાઈ ગયા છે? અને જો ખરેખર એવું હોય તો પછી એ આપણા હાથમાં છે કે આપણે કેવા થવું છે. આપણા શાસ્ત્રો એ રાક્ષસો અને દેવતાઓ બંનેની નોંધ તો લીધી જ છે. અને બંનેના એક બીજા પરના વિજયની વાત પણ વાંચવા મળે છે. જેમ જુનું સંદુક ખોલતા જૂની યાદો નીકળી આવે છે એ જ રીતે હૃદયનું સંદુક ખોલી જુઓ. ક્યાંક કોઈ દેવતા મળી આવશે.
મિત્રો આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર ચોક્કસ પૂછી શકો છો.
સવાલ: તમે પરલોકમાં માનો છો? શું પાતાળ લોકમાં હજુ પણ રાક્ષસો રહે છે? સ્વર્ગ ક્યાં છે એ મને ખબર નથી પણ દેવતાઓ તો ક્યાંય દેખાતા નથી. મારી ઉમર પંચ્યાસી વરસની છે. મેં ભારતમાં સારા માણસો અને સારા દિવસો જોયા છે. છેલ્લા થોડા વરસથી હું એક સોસાયટીમાં રહેવા આવી. સરસ વાતાવરણ. જગ્યાના ભાવ પણ સારા હતા. મને એવું હતું કે આટલા સરસ વાતાવરણમાં જીવવાની મજા આવશે. પણ પછી બે કમિટી બદલાઈ. પુરુષ કરતા સ્ત્રી વધારે સક્ષમ હોય એ માન્યતાના લીધે મેં જ પ્રસ્તાવ મુક્યો હતો કે કોઈ સ્ત્રીએ પદ સંભાળવું જોઈએ. હું જે સોસાયટીમાં રહું છુ એના ચેરપર્સનના પતિ કોઈ હોદ્દો ન હોવા છતાં જોહુકમી કરે છે. આ ઉમરે હવે મીટીંગમાં પહોંચવામાં એકાદ મિનીટ મોડું થાય તો બાઉન્સર બોલાવી ધક્કા મરાવે છે. એ લોકો અંદર અંદર નિર્ણયો લઇ અને પૈસા પડાવવાની વાત કરે છે.
મારું સ્વાસ્થ્ય અહી આવતા પહેલા ખુબ સારું હતું. હવે એ કથળી રહ્યું છે. કોઈ પણ સમયે એ લોકો ઘરમાં ઘુસી અને ઘર તપાસવું છે એવી માંગણી કરે છે. ના પાડીએ તો મિલકત ટાંચમાં લેવાની ધમકી આપે છે. દુર્વય્વહાર, અપશબ્દો એ બધું એમની ખાસિયતો છે. આવું હોવાના કારણે પ્રોપર્ટીના ભાવ વધ્યા નથી. રાક્ષસોની વચ્ચે સીતા મૈયાની શું સ્થિતિ હશે એની કલ્પના આવે છે. મેં તો અંગ્રેજોનો સમય પણ જોયો છે. આવી સ્થતિ તો ત્યારે પણ ન હતી. શું વાસ્તુમાં આનો કોઈ ઈલાજ હોઈ શકે? ભાઈ, મરવાનું બધાને હોય જ છે. પણ આવા લોકોની જોહુકમી સહન કરીને? વચ્ચે એક વાર મેં મેઈન્ટેનન્સ ભર્યું એની રસીદ લેવા ગઈ ત્યારે એમણે રસીદ ન આપી. એ પૈસા ભૂલથી એમના માણસે બીજા કામમાં વાપરી નાખ્યા છે. એવું કહીને છેલ્લા બે વરસથી દંડ વસુલે છે. જો ના પાડીએ તો સરકાર અને સુપ્રીમ કોર્ટના નિયમોની ધમકીઓ આપે છે. શ્રાદ્ધમાં અગાસીને તાળું વસી દીધું. મેં રજૂઆત કરી તો ચેર પર્સને કહ્યું કે તમે આપઘાત કરી લો તો? મેં કહ્યું કે ભગવાન થી તો ડરો. ત્યારે એણે જે જવાબ આપ્યો એ આઘાતજનક છે. એણે કહ્યું, ડોસી, ભગવાનને તો અમે ખરીદીને રાખ્યા છે. મંદિરમાં દર અઠવાડીએ પૈસા મૂકી આવું છુ.” ડોસીની ઉમર છે એટલે કોઈ ડોસી કહે તો દુખ ન થવું જોઈએ. પણ ભગવાન માટે આવી વાત? કયા ભગવાન પૈસા માંગે છે? “ આજ ખરું અવતરવાનું ટાણું. હવે પ્રભુ અવતાર લ્યો તો પ્રભુ માનું. મેં આખી જિંદગી પૂજા કરી છે. જો ઈશ્વર છે તો મારી વ્હારે કેમ નથી આવતા?
જવાબ: પ્રણામ. આપની વાત ખરેખર હૃદય દ્રાવક છે. તમારી વાત સાચી છે કે માણસ ભૌતિક્તાવાદી બની રહ્યો છે. પણ વડીલોના આશીર્વાદ લેવાના બદલે રંજાડતા લોકો સાચે જ રાક્ષસ સમાન ગણી શકાય. કેટલીક સોસાયટીની જમીન નકારાત્મક હોય છે. જેના કારણે આવા સંજોગો ઉભા થાય. વળી એક સ્ત્રી જ સ્ત્રીને રંજાડવામાં એના પતિને સાથ આપે? જે વ્યક્તિ સરકાર અને સુપ્રીમ કોર્ટની ધમકી આપે છે એને કહો કે લેખિતમાં આ બધું આપે. આવા લોકો અન્યના નામને વટાવતા હોય એવું પણ બને. આપના જેવા ઘણા વડીલો સંજોગો આધારિત એકલા રહેતા હોય છે. જેનો આવા ગુંડા તત્વો ફાયદો ઉઠાવવા પ્રયત્ન કરી શકે. પણ ગભરાવ નહિ. કાયદો અને સરકાર ક્યારેય આવા લોકોનો સાથ ન જ આપે. આપ એવી પેઢીનો ભાગ છો જેમણે નિર્ભયતાથી અંગ્રેજોને દેશમાંથી બહાર કાઢ્યા છે.
આ લોકો ઘરે આવે તો દરવાજો ન ખોલો. જોહુકમી કરે તો પોલીસને ફોન કરો. કોઈ નજીકના સગાનો નંબર હાથવગો રાખો. જેમને તાત્કાલિક ફોન કરી અને વિપરીત સંજોગોમાં બોલાવી શકાય. મહામૃત્યુંન્જયના મંત્ર જાપ કરો.
સુચન: જે સોસાયટીમાં ઘણા બધા લોકો બીમાર હોય ત્યાં પ્રોપર્ટી ન લેવી જોઈએ.
(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)