વાસ્તુ: લગ્ન જીવનમાં આત્મીયતા વધારવા આટલું કરો

લગ્ન શું કામ કરવા જોઈએ? આવો સવાલ મેં જયારે એક સેમિનારમાં પૂછ્યો ત્યારે એના વિવિધ જવાબ મળ્યા હતા. જેમકે, હું, એકલો રહું છું, એટલે ઘરનું ખાવાનું મળે એના માટે, મારા મમ્મીની હવે ઉંમર થઇ છે, ઘરનું કામ કરવા માટે કોઈ જોઈએ ને? મારા મમ્મી નથી. કોઈ સ્ત્રી ઘરમાં હોય તો અમને સારું લાગે. મારી બહેનને લગ્ન થાય એ પહેલા ઘરમાં કોઈ સ્ત્રીની જરૂર છે. ઉંમર થાય એટલે લગ્ન તો કરવા પડે ને? આવા જવાબો પુરુષ વર્ગના હતા. તો સ્ત્રી વર્ગના જવાબો અલગ હતા. કોઈ સારું કમાતો છોકરો મળે તો લાઈફ બની જાય. ઘરમાં બધા પૂછ્યા કરે છે કે આને કોઈ કેમ પસંદ નથી કરતુ. એટલે હવે તો કરી ને બતાવી જ દેવું છે. સામાજિક સુરક્ષા માટે. બે વ્યક્તિ કમાય તો સપના પુરા થાય. લગ્ન થાય એટલે વટ પડે. આ બધાજ જવાબોમાં સાચો જવાબ એક પણ ન લાગ્યો. અન્ય એક ગ્રુપમાં શારીરિક જરૂરિયાતો વિશે સકારાત્મક અને નકારાત્મક બંને ચર્ચા થઇ. શું લગ્ન આ કારણો થી થાય?

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: મારા લગ્નને ઘણા વરસ થયા. અમે બંને એક બીજા કરતા વિપરીત છીએ. મને લડવા જોઈએ. પહેલા મારા પતિ શાંત હતા હવે એ પણ લડે છે. પણ હવે એમનું મારા માટેનું આકર્ષણ જતું રહ્યું છે. એમના માટે હું સાવ રેઢીયાળ છું. એમની દ્રષ્ટીએ હું ગંદકી કરું છું. ખોટું બોલું છું. અફવાઓ ઉડાડું છું. પણ એવું તો બધી સ્ત્રીઓ કરતી હોય. એમને કોણ સમજાવે કે આને ટાઈમ પાસ કહેવાય. એક વડીલે સમજાવ્યું કે ખાટલામાં બધું બરાબર થઇ જાય. પણ એ માનતા નથી. એ કહે છે કે હું કાઈ જાનવર નથી કે જે વ્યક્તિ જગડો કરીને પછી નજીક આવે એને પણ હું નજીક આવવા દઉં. એમને તળેલું ન ભાવે. હવે ખવડાવવું પણ શું? મમ્મીના કહેવાથી લાડવા બનાવ્યા તો માંડ એક ખાધો. બધા કહે છે કે સારો ખોરાક ખવડાવીએ તો પુરુષ આફૂડો આપણો થઇ જાય. પણ આને તો બધું સાદું ફાવે. આ બધું મેં નાનપણથી જોયું છે. પણ ખબર નહિ કેમ એમને આવું નથી ફાવતું. મને એમ કે એમના વિશે ગમે તેવું કહેવાથી એ ગુસ્સામાં નજીક આવશે. પણ એવું કશું નથી થતું. વળી એને ખબર પડે છે કે હું બહાર એના વિશે ગમે તેમ બોલું છુ તો પણ ગુસ્સે થાય છે. મારું ધ્યાન બહુ રાખે છે, સારું કમાય છે અને કામવાળા ન આવે તો એ બધું કામ કરી નાખે. મને કશું કરવા ન દે. એટલે થાય છે કે આવું બીજે નહિ મળે. શું કરું?

જવાબ: તમે જેને સાહજિક માનો છો એ સહજ નથી. વ્યક્તિના મનને સમજવું પડે. તમે માત્ર તમારો વિચાર કરો છો. સામે વાળાને સમજો. એને પ્રેમ કરો એ સામે પ્રેમ કરશે. તમે લડો છો એટલે એ સામે લડે છે. એમના સાચા મિત્ર બની જાવ. સાથે કોઈ કાર્ય કરો. એમના દોષ જોવાના બદલે એમને સમજો. બે અલગ પરિવારમાં જન્મેલી વ્યક્તિઓના જ લગ્ન થાય. પણ પછી બંને એ એક બીજાને સમજી અને આત્મીયતા કેળવવી પડે. તમારા પતિ ખાસ છે એ સમજો. એમના વિશે ગમે તેમ અફવા ફેલાવશો તો એ દુખી થશે. એ બધું બંધ કરો. તમે પોતે જ તમારા સંબંધોમાં અન્યને લાવો છો. એ ગેપ પૂરવામાં જિંદગી નીકળી જશે. ગુરુવારે બંને સાથે બેસીને લક્ષ્મીજીની પૂજા કરો. પ્રદોશનું વ્રત કરો.

સુચન: ગુરુવારે પીપળાના પાન પર ખીર ધરાવીને પ્રસાદ લેવાથી આત્મીયતા વધે છે.

(આપના સવાલો મોકલી આપો email: vastunirmaan@gmail.com)