લોકો હંમેશા એ દ્વિધામાં હોય છે કે, ભક્તિ કરવી કે કર્મ. એક તરફ લોકો ભક્તિ માર્ગ
તરફ વળવા કહે છે તો એની સામે કર્મનો સિદ્ધાંત છે. વળી મૂર્તિ પૂજા એ ત્રીજો માર્ગ છે, અને વ્યક્તિ પૂજા ચોથો. પાંચમો માર્ગ ત્યાગનો છે તો છઠ્ઠો અનુરાગનો.
માણસને મોક્ષ મળશે કે નહીં એની તો સમજણ લાવવાનો સમય જ ક્યાં છે. વળી પોતાની જ વિચારધારા સાચી છે એ સાબિત કરવામાં એકેય માર્ગ તરફ ધ્યાન અપાતું નથી. માત્ર અન્ય લોકો ખરાબ છે એ સમજણ ઉભી થયા પછી ઈશ્વરનો ડર રાખ્યા વિના માણસો અસત્યને સત્ય માની બીજાને છેતરીને સુખની અનુભૂતિ કરે છે. બાકી ઈશ્વરને પૈસા કે પ્રસાદની ક્યા જરૂર છે?
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ પણ નીચે જણાવેલ ઈમેઈલ પર પૂછી શકો છો.
સવાલ: હું એક નાટયકાર છું. મને બહુ સફળતા ન મળી એટલે ઘરનો ધંધો જોઈન કરી લીધો. નાટકની છાપનાં લીધે લગ્ન પણ નહોતા થતાં. અંતે નાટક છોડ્યા બાદ એક છોકરીએ નાટક ન કરવાની શરતે હા પાડી. હું એક જગ્યાએ નાટક શીખવાડવા જતો હતો. એ લોકો પગાર ઓછો આપતા એટલે એ પણ છોડી દીધું. મારી જગ્યાએ અન્યને નોકરી આપી દીધી. એક દિવસ સંસ્થાના આચાર્યનો ફોન આવ્યો કે તમે કશું ભણાવ્યું જ નથી અને બારોબાર વિદ્યાર્થીઓને ફાઇનલ યરમાં મોકલી દીધા છે. નવા મેડમ આવ્યા છે એમને ખબર પડશે તો મારે ઝેર ખાવું પડશે. મેં હા તો પાડી છે પણ હવે મારા લગ્નનું શું થશે? વળી મને એટલું બધું આવડતું નથી. પેલા બહેને શું કરાવ્યું છે એ પણ ખબર નથી. ખૂબ ડર લાગે છે. શું કરું?

જવાબ: તમે અદ્ભુત માણસ છો. જે સંસ્થા તમને પગાર નહોતી આપતી એણે પેલા બહેનને પણ નહીં આપ્યો હોય. કોઈ ને ઝેર ખાવું જ હોય તો એ જાહેર ન કરે. જો તમે આ ઓફર લીધી છે તો એ દર્શાવે છે કે તમે તમારી જાતને જ વફાદાર નથી. જે છોકરીએ તમારા પર ભરોસો કર્યો તમે તો એને પણ લાયક નથી. કોઈને છેતરીને લગ્ન ન થાય. વળી કોઈને છેતરીને ભણાવવાં પણ ન જવાય. તમે લોકોના ભવિષ્ય સાથે છેતરપિંડી કરી રહ્યા છો. જે માણસને સમજણ ન હોય એને સમજાય. જે પૂરી સભાનતા સાથે ખોટા નિર્ણય લે એને શું સમજાવાય? કોઈના પાપમાં ભાગીદાર ન થવાય. વળી વિદ્યાર્થીઓને ભણાવ્યા વિના પાસ કરવા એ ગુનો છે એ વાત તમને ખબર હશે. જે માબાપ પોતાની મહેનતથી કમાયેલ પૈસા એવી આશા સાથે કોલેજને આપે છે કે જેથી એનું બાળક અભ્યાસ કરી ને સફળ થાય. તમે એમના પણ ગુનેગાર છો. મહેરબાની કરીને આ બધું બંધ કરો. તમે લોકોના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છો. એ યોગ્ય નથી.
સૂચન : વાસ્તુ નિયમો એ વસવાટ માટેના નિયમો છે. એમાં કર્મની ઉર્જાનું પણ મહત્વ છે.
(આપના સવાલો મોકલી આપો ઈમેલ-vastunirmaan@gmail.com)


