વાસ્તુ: ઘરમાં દીવો શા માટે કરવો જોઈએ?

જે માણસ પ્રેમને નથી સમજી શકતો એ કદાચ જીવનને જ નથી સમજી શકતો. ક્યારેક પ્રેમને મજાક તો ક્યારેક મોજશોખ કે ટીખળના પર્યાય સાથે જોડવાથી પ્રેમની પરિભાષા બદલી નહિ શકાય. જે માણસ પ્રેમ નથી કરી શકતો એનાથી વધારે નાસમજ માણસ કોણ હોઈ શકે? શું પ્રેમ વિના જીવન શક્ય છે ખરું? જેને સાચો પ્રેમ મળ્યા પછી પણ એ સાંચવી ન શકે એ માણસ કમનસીબ ગણી શકાય. પણ આજના ભૌતિક્તાવાદી સમયમાં આવા લોકો પણ મળી આવે તો નવાઈની વાત નથી.

આજે પણ કેટલાક વાચકોના વિવિધ સવાલોની આપણે ચર્ચા કરીએ. જો આપના મનમાં પણ કોઈ સંશય, દ્વિધા કે સવાલ હોય જે વાસ્તુનીયમો સાથે જોડાયેલા હોય તો આપ પણ અંતમાં જણાવેલા ઈ મેઈલ પર પૂછી શકો છો. આ વિભાગ આપનો જ છે.

સવાલ: હું એક વ્યક્તિને પ્રેમ કરું છુ, એવું મને લાગે છે. એ વ્યક્તિ પણ મને અનહદ ચાહે છે. એની નાની નાની બાબતો મને જણાવે છે અને મારી નાની નાની બાબતમાં રસ લઇ કાયમ મને એ અહેસાસ કરાવે છે કે એ મારી પોતાની વ્યક્તિ છે. એની એક જ સમસ્યા છે કે એ ઈચ્છે છે કે હું એનું સ્થાન કોઈ અન્યને ન આપું. થોડા સમય પહેલા એક કાર્યક્રમ હતો. એમાં મારી એક બીજી દોસ્ત આવવાની હતી. મારે એ બંનેને ભેગા નહતા કરવા. મેં એમજ કહી દીધું કે ઓફીસ સિવાય બહારનાને આવવાની મનાઈ છે. ઓફીસના બીજા કોઈએ ફોટા અપલોડ કર્યા અને એમાંથી પેલી વ્યક્તિનો ફોટો મને મોકલ્યા બાદ એ વ્યક્તિ મારા જીવનમાંથી જતી રહી. હવે શું કરવું? એમાં મારી શું ભૂલ હતી. મેં થોડા ફોટા મુક્યા હતા?

જવાબ: ભાઈશ્રી. એ વ્યક્તિના ગયા પછી તમારા હૃદયમાં એની જગ્યા ખાલી પડી ગઈ છે? જો જવાબ ના માં છે તો તમે એ વ્યક્તિને સાચા હૃદયથી ચાહતા નહોતા. તમારી વાત પરથી લાગે છે કે એ વ્યક્તિ તમને ખુબ ચાહતી હતી. એની એક માત્ર અપેક્ષા હતી વફાદારી. તમે એ ન આપી શક્યા. બની શકે કે તમારા મનમાં કોઈ પાપ નહિ હોય. જયારે કોઈનો પ્રેમ આસાનીથી મળી જાય ને ત્યારે એની કીમત નથી હોતી. ઉભરો શમી જતા પાછા આવી જશે એવો ખોટો વિશ્વાસ હોય છે. એક દિવસ એ વ્યક્તિ સાચે જ જતી રહે ત્યારે એનો ખલીપો ખાવા દોડે છે. જો ખાલીપો છે તો એની માફી માંગી મનાવી લો. જો નથી તો તમે એના પ્રેમને લાયક નથી. તમારા ઘરમાં પૂર્વથી પશ્ચિમનો અક્ષ નકારાત્મક છે તેથી તમને સાચા પ્રેમની પરિભાષા ખબર જ નથી. સવારે વહેલા ઉઠી સૂર્યને જળ ચડાવો. પ્રાણાયામ કરો અને દોરડા કૂદો. પ્રેમની સમજણ જરૂરથી આવશે.

સવાલ: ઘરમાં દીવો શા માટે કરવો જોઈએ?

જવાબ: ભાઈ શ્રી. સૂર્યએ શા માટે ઊગવું જોઈએ એના જેવો સવાલ છે. જયારે દિવસમાંથી રાત કે રાતમાંથી દિવસ થતો હતો એવા સમયે દીવો પ્રગટાવવામાં આવતો. જેથી અચાનક ફેરફાર થવાની પ્રતીતિ ન થાય અને ઘરની ઉર્જા સચવાયેલી રહે. દીવો એ આશાનું પ્રતિક છે. એ ઉપરાંત ઘીનો દીવો એ સકારાત્મક ઉર્જાનો સ્ત્રોત છે. તેથી જ જયારે ઉર્જાનો બદલાવ આવે છે એવા સમયે એ ઉર્જાને સકારાત્મક બનાવી રાખે છે. ઘણી જગ્યાએ સતત દીવો ચાલુ રખાય છે. પણ એના નિયમો સમજવા જરૂરી છે. કુદરતમાં કોઈ પણ ઘટના એકની એક સ્થતિમાં નથી રહેતી. દીવો પ્રકાશ ઉપરાંત મનને શાંતિ અને વાતાવરણને શુદ્ધ કરે છે.

આજનું સુચન:  કાળી માટી ઘર બનાવવા માટે શુભ ગણાતી નથી.

(આપના સવાલો પૂછવા માટે ઈ મેઈલ કરો…vastunirmaan@gmail.com)