વાસ્તુમાં કોઈ દોષ હોય તો અપમાન થાય?

જગતનો કોઈ પણ ધર્મ માનવીય અભિગમને નકારી ન શકે. માનવતાવાદ એ જ સહુથી મોટો ધર્મ છે. જે વ્યવહાર કોઈ આપણી સાથે કરે અને આપણને ન ગમે તેવો વ્યવહાર આપણે અન્યની સાથે ન કરીએ એ જ ધર્મની સાચી વ્યાખ્યા ગણી શકાય. બાકી બધીજ ધર્મને સમજાવવાની વાતો માત્ર છે. દરેક ધર્મના નિયમો સાચા સમાજની રચના કરવા માટે બનેલા છે. જો એ સમજાવવામાં કોઈ ગુરુ નિષ્ફળ જાય તો એના કારણે જે હાની થઇ છે એનો શ્રેય જે તે ધર્મને ન આપી શકાય. અંતે તો વ્યક્તિ પોતાના મંતવ્યોના આધારે ધર્મની પરિભાષા નક્કી કરે છે. કોઈ જગ્યાએ આગ લાગી હોય અને એ વખતે ન્હાયા વિના બહાર ન જવાય એવો સિદ્ધાંત વચ્ચે આવે તો એ ધર્મની વ્યાખ્યા સમજાવનારની નિષ્ફળતા છે. કોઈને છેતરીને એનું સ્થાન, સંપતિ હડપી લેવી એવું કોઈ ધર્મ કહેતો નથી કે કોઈ ધર્મ અન્યનું નુકશાન કરવાના સિધ્ધાંતો આપતો નથી. જયારે કોઈ વ્યક્તિ ધર્મને અલગ રીતે જુએ છે ત્યારે એણે આ સિધ્ધાંતો કયા ગુરુ પાસેથી શીખ્યા એ સમજવું જરૂરી છે. કુદરત અને કર્મ બંને સહુથી ઉપર છે. અને કોઈને દુખી કરીને ક્યારેય સુખી ન થવાય.

આજે પણ કેટલાક વાચકોના વિવિધ સવાલોની આપણે ચર્ચા કરીએ. જો આપના મનમાં પણ કોઈ સંશય, દ્વિધા કે સવાલ હોય જે વાસ્તુ નીયમો સાથે જોડાયેલા હોય તો આપ પણ અંતમાં જણાવેલા ઈ મેઈલ પર પૂછી શકો છો. આ વિભાગ આપનો જ છે.

સવાલ: મારો વ્યવસાય ખુબ જ મોટો છે. મારા ગુરુ પણ ખુબ જાણીતા વ્યક્તિ છે.ગઈકાલે એક વ્યક્તિના ઘરે મારા આપેલા એક સાધનમાં આગ લાગી. અમારા ધર્મ પ્રમાણે નહાયા વિના બહાર ન જવાય. અને ઓફિસમાં સફાઈ ન થઇ હોય ત્યાં સુધી ધંધો શરુ ન કરાય. આ બંને કરવામાં મોડું તો થાય જ ને? સામે વાળી પાર્ટી મને સમજાવે છે કે હું ખરાબ માણસ છુ. મેં એને ધર્મની વાત કરી તો એ કહે છે કે મને તો ધર્મ શું એ જ ખબર નથી. વેપારીનો પહેલો ધર્મ છે, પૈસા કમાવાનો. ચોખાઈ રાખવાનો અને જે કાઈ કમાઈએ એમાંથી ધર્મસ્થાન માટે ભાગ કાઢવાનો. એનાથી જ બરકત આવે. તો પછી પેલા આવું શા માટે કહે છે? મને ખુબ ખરાબ લાગ્યું છે. વાસ્તુમાં કોઈ દોષ હોય તો આવું અપમાન થાય?

જવાબ:  ભાઈશ્રી. ધર્મ વિશે લખવા બેસીએ તો આખી જિંદગી લખાય. એક સવાલ પૂછુ છુ. આપના પોતાના ઘરમાં આગ લાગી હોત તો તમે નહાવા બેસી જાત? કે ભલે બધું સળગી જાય પણ પહેલા નહાવું તો પડે જ. અને પછી દુકાનમાં સફાઈ કરવા જતા રહેત? કે ઘર ભલે બળે પણ સફાઈ જરૂરી છે. વેપારીનો ધર્મ છે ગ્રાહકને સંતોષ આપવાનો. નહી કે માત્ર પૈસા કમાવાનો. તમે ધર્મની ખોટી વ્યાખ્યા સમજ્યા હો એવું લાગે છે. જેના ઘરમાં આગ લાગી હોય એની નજરથી પરિસ્થિતિને જુઓ. સમજાઈ જશે. ધર્મસ્થાનમાં પૈસા નહિ આપો તો ચાલશે પણ કોઈને દુખી જોઇને તમને પોતાની ભૂલ ન સમજાતી હોય તો એ ખરાબ બાબત ગણાય. માત્ર શરીરની સફાઈ જરૂરી નથી. મન પણ સાફ હોવું જરૂરી છે. તમારા ઘરમાં ઉત્તર અને પશ્ચિમના અક્ષથી બનતો ત્રિકોણ નકારાત્મક છે તેથી તમને માત્ર ભૌતિક્તાવાદી વિચારો આવે છે. ધર્મને પોતાની રીતે સમજવા પ્રયત્ન કરો કારણકે જેમણે તમને એના નિયમો સમજાવ્યા છે એ પોતે જ કદાચ સાચા નિયમો નથી જાણતા. પૈસા ભલે ગમે તેટલા હશે કોઈની હાય લીધી હશે તો પૈસા ખર્ચીને પણ સુખ નહિ મળે. ઘરમાં ગુગળનો ધૂપ કરો. પદ્મપ્રભુની પૂજા કરો. સવારે વહેલા ઉઠીને સૂર્યને જળ ચડાવો.

સવાલ:  મારા ખેતરમાં પાક બળી જાય છે. ચાર વરસ પહેલા મેં ગુસ્સામાં મારી જાતે જ પાક બાળી મુક્યો હતો ત્યાર પછી સતત આવું થાય છે. કોઈ ઉપાય બતાવશો.

જવાબ:  ભાઈશ્રી.કુરત જે કાઈ આપે છે એ કોઈ શરત વિના આપે છે અને તેથી જ આપણે એની કિંમત સમજી શકતા નથી. બની શકે આપને કોઈ વ્યક્તિ ન ગમી કે એનો કોઈ નિર્ણય ન ગમ્યો. એમાં તમારા ખેતરમાં ઉગેલા પાકનો કોઈ વાંક ખરો? કુદરત બોલે નહિ એટલે એના પર ગુસ્સો કાઢવાનો? લોકો કારણ વિના વૃક્ષો કાપી નાંખે છે. કચરો પડે છે એટલે વૃક્ષો ન વવાય એવી માન્યતાઓમાં જીવે છે. એટલું ઓછુ હતું તો હવે પાક બાળી નાખવાની પ્રક્રિયા પણ જાણવા મળી. તમે સાચી મહેનતથી ઉગાડેલો પાક બાળતા જીવ કેમ ચાલે? કદાચ કુદરતે માની લીધું છે કે તમને હવે આવું જ ગમે છે એટલે એ પોતે જ તમને મદદ કરે છે. ધરતી મા અને કુદરતની માફી માંગી લો. ખેતરના ઈશાનમાં તુલસીનું વન બનાવી દો. હવે નવો પાક ગુરુવારે વાવો. ઘરમાં મહામૃત્યુંન્જય મંત્રના જાપ કરો, ગુગળનો ધૂપ કરો, પ્રાણાયામ કરો અને વધારે પાણી પીવો.

આજનું સુચન:  કોઈ પણ ધર્મના સિધ્ધાંતો સ્વાર્થના આધાર પર નથી બન્યા.

(આપના સવાલો પૂછવા માટે ઈ મેઈલ કરો…vastunirmaan@gmail.com)

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]