આજકાલ માણસને સતત પ્રસિદ્ધિ અને પૈસા પાછળ દોડતો જોઈએ છીએ. આર્થિક બાબતો બધી બાબતોનું જાણે કેન્દ્ર બની ગયું છે. જયારે માણસને રોગ થાય છે, જીવનદીપ ડગમગે છે ત્યારે તેને બાધા અને ધાર્મિક સ્થાનો યાદ આવે છે. પૂનમ અને અમાસોની દોડ ચાલુ થાય છે. ભાગદોડવાળા સમયમાં ધર્મધ્યાન ઓછા થઇ ગયા છે. બધું જાણે અર્થકારણમાં સમાઈ ગયું હોય તેમ લાગ્યા કરે છે. આપણા શાસ્ત્રોમાં મનુષ્યજીવનના લગભગ બધા પ્રશ્નોનું સમાધાન છે. શું હોમ-હવન દ્વારા પણ શાંતિની પ્રાપ્તિ થઇ શકે? તેનો જવાબ ‘હા’ છે.
આજે આપણે હોમ, હવન દ્વારા કઈ રીતે સુખાકારી પ્રાપ્ત થઇ શકે તેના વિષે જોઈશું. સામાન્ય રીતે તહેવારો અને શુભ દિવસોમાં હોમ-હવન ધાર્મિક સ્થળોએ થતા હોય છે. હોમ-હવનમાં સમિધામાં પલાશ, શમી, બીલી, ચંદન, પીપળો, આંબો, વડ વગેરેનો ઉપયોગ પુણ્ય આપનાર છે. પલાશ, આંબો અને ચંદન તો શ્રેષ્ઠ મનાય છે. પણ યાદ રહે કે, સમિધા માટે વૃક્ષની સુકી ડાળીઓનો (સુકું લાકડું) જ ઉપયોગ કરવાનો છે. છાણાનો પણ સમિધામાં ઉપયોગ થાય છે. છાણા બિલકુલ સુકાયેલા હોવા જોઈએ, તેમાં કોઈ પણ જીવાત ના હોય તેનું ધ્યાન રાખશો.
મનોવાંછિત ફળપ્રાપ્તિ માટે હવન સામગ્રી:
હવનમાં સામાન્ય રીતે સુગંધ આપનાર દ્રવ્યો કે જે મનને શાંતિ આપે અને વાતાવરણ શુદ્ધ કરે તેમનો ઉપયોગ થાય છે. સુગંધિત પદાર્થોમાં નાગરમોથ, તગર, અગર, ચંદન, કપૂર, ઈલાયચી અને કસ્તુરીનો પ્રયોગ કરી શકાય. મનુષ્યને પોષણ આપનાર દ્રવ્યોનો હવનમાં જાતકની સમૃદ્ધિ માટે પ્રયોગ થાય છે. રોગો દુર કરનાર ઔષધિઓનો પણ હવનમાં ઋષિમુનિઓએ પ્રયોગ સૂચવ્યો છે. જીવનમાં સુખ અને સ્વાસ્થ્ય વધે, લક્ષ્મી પ્રાપ્તિ થાય તે માટે મધુર દ્રવ્યોનો પ્રયોગ એટલે કે ગળ્યા પદાર્થોનો પ્રયોગ પણ હવનમાં થાય છે. પોષણ આપનાર દ્રવ્ય તરીકે ઘી, ચોખા, દૂધ અને તલ હવનમાં ઉપયોગમાં લઇ શકાય. રોગો દુર કરનાર ઔષધિઓમાં ગળો, આમળા, જટામાંસી, બ્રાહ્મી અને અરડૂસી જેવી ઔષધીના લાકડા કે સુકવેલા ફૂલનો પ્રયોગ થઇ શકે. મધુર દ્રવ્યોમાં મધ, ગોળ અને લાડુ જેવા પદાર્થોને હવિ તરીકે વાપરી શકાય. ઉપરોક્ત ચીજોને જવ, ભાત, ઘી અને દૂધ સાથે મિશ્રિત કરીને હવિ તરીકે ઉપયોગમાં લેવી. વિષ્ણુસૂક્તમના પાઠ સાથે ઉપરોક્ત ચીજોને હવનમાં ઉપયોગમાં લેવી.
લક્ષ્મીપ્રાપ્તિ માટે ખીર અને ત્યાર બાદ કાળા તલને ભાત, ઘી અને દૂધ સાથે મિશ્રિત કરીને આહુતિ આપવી. શ્રીસૂક્તમના મંત્રો સાથે આહુતિ આપવાથી આર્થિક બાધાઓનો નાશ થાય છે.
વિદ્યાપ્રાપ્તિ માટે બ્રાહ્મી, જટામાંસી, માલ્કાગણી, શંખપુષ્પીના સુકા પત્ર, ઘી અને કેસર સાથે સરસ્વતીના મંત્ર ગાઈને આહુતિ આપવાથી જાતક મેઘાવાન બને છે, અને બૌદ્ધિક કાર્યોમાં સફળતા પામે છે. બૌદ્ધિક કાર્યો અને વિદ્યા માટે ગાયત્રી મંત્રની આહુતિ સર્વશ્રેષ્ઠ છે.
સંતાન પ્રાપ્તિ માટે ઘી, ગોખરું, અશ્વગંધા, કૌચા, જાયફળ અને શીલાજતુંની આહુતિ આપવી. સંતાન ગોપાલ મંત્રની દરેક રુચાએ આ આહુતિ આપવી. રોગમુક્તિ માટે ગળો, નાગરમોથ, આમળા અને અરડૂસી જેવી વનસ્પતિના સુકાપત્રનો ઉપયોગ કરવો, સાથે મહામૃત્યુંજય મંત્રના જાપ કરવા.
સામાન્ય રીતે પ્રચલિત મત મુજબ, ઋતુ બદલાતા, સામાજિક જીવનમાં દરજ્જો બદલાતા, કોઈ મોટા અર્થની પ્રાપ્તિ પછી, કોઈ મોટા કાર્યના સંકલ્પ અર્થે હોમ-હવન કરાય છે. જે જાતકો જીવનમાં અવારનવાર તકલીફોથી ઘેરાઈ જાય છે, તેઓ ઉપરોક્ત બાબતોને હોમ-હવનમાં ધ્યાનમાં લેશે તો તેમને જીવનમાં ચોક્કસ ઉન્નતિ થશે તેમાં શંકા કરવા જેવું નથી. રોગોના નાશ માટે મહામૃત્યુંજયની આહુતિ અનુભુત પ્રયોગ છે. શત્રુઓના નાશ માટે દુર્ગા સપ્તશતીની ઋચાઓની આહુતિ ધાર્યા પરિણામો આપી શકે છે. હોમ-હવન તમારી કુળદેવીના સ્થાનકની જગ્યામાં કરવામાં આવે તો તે તત્કાળ ફળપ્રાપ્તિ કરાવે છે. ઘરમાં સુખ શાંતિ માટે ઘરમાં પણ તમે સમયાંતરે હોમ-હવન કરીને સુખ શાંતિ પ્રાપ્ત કરી શકો છો.
અહેવાલઃ નીરવ રંજન