અકસ્માત સંભાવના વધારે નૈઋત્યની આવી રચના

ઢળતી સાંજે સૂરજનું મહત્વ સમજાય અને દિવસ વીતી ગયાંનો અફસોસ રહી જાય તેવું જ ક્યારેક જીવનમાં પણ થાય છે. સાચા સમયે સમયનું મહત્વ સમજવાની હકારાત્મક ઊર્જા મળે છે વાસ્તુશાસ્ત્ર થકી. આજે આપણે જે મકાનનો અભ્યાસ કરીએ છીએ તે મકાન લંબચોરસમાં નૈરુત્યનો ભાગ બાકી હોય તેવા આકારનું છે. જેના કારણે અકસ્માતની સંભાવના વધી જાય છે અને કારણ વિનાના ઝગડા પણ થાય.

ઘરનું મુખ્ય દ્વાર વાયવ્ય પશ્ચિમનું છે. જેના કારણે માત્રુ સુખમાં ઓછપ આવે. કાયદાકીય મૂંઝવણ આવી શકે.ઇશાન માં લિવિંગ રૂમ હકારાત્મક ગણાય. અહીની બેઠક વ્યવસ્થા યોગ્ય નથી તેથી ઘરમાં ઉગ્રતા રહે. ઇશાનમાં બાલ્કની સારી ગણાય. અહી તુલસીના પાંચ છોડ વાવી દેવા. હીંચકો યોગ્ય જગ્યાએ નથી. તેથી વિચારો વધારે આવે. બાળકોનો રૂમ પૂર્વી ઇશાનમાં હોય તો સારું ગણાય. દેવસ્થાન યોગ્ય છે. આ ઘરમાં નાની નાની સમસ્યાઓ બહુ તકલીફ ન આપે. અગ્નિમાં માસ્ટર બેડ રૂમ ન ગણાય. અહી જે યુગલ રહેતું હોય તે નાની નાની બાબતોમાં મતભેદ રાખી અને શોખથી લડતા હોય તેવું બને. વળી છૂટાં પણ ન પડે. તેથી અન્ય લોકો થાકી જાય.આ રૂમમાં ઇશાનમાં કબાટ છે જે તણાવ વધારે. અગ્નિમાં બાલ્કની નારીને વિચારો વધારે આપે. દક્ષિણ અગ્નિમાં ટોઇલેટ પણ યોગ્ય ન ગણાય. નૈરુત્યમાં માસ્ટર બેડરૂમ હોય તો અહીં રહેતી વ્યક્તિનો પ્રભાવ વધે.તેથી અહી માસ્ટર બેડરૂમ બનાવાય. ટોઇલેટ યોગ્ય ગણાય. બ્રહ્મમાં વધારે પડતા દરવાજા આત્મવિશ્વાસ ઓછો કરી શકે. બ્રહ્મમાં ડાઇનિંગ માટેની જગ્યા યોગ્ય ન ગણાય. અહી સમગ્ર પરિવાર સાથે બેસીને જમે તેવા સંજોગો ઓછા બને. પશ્ચિમમાં પશ્ચિમ તરફ મુખ રાખીને રસોઈની વ્યવસ્થા યોગ્ય ન ગણાય. અહી રસોઈનો સ્વાદ દરરોજ બદલાયા કરે. અને તેના કારણે નારીને અકળામણ થતાં ઘરનું વાતાવરણ વખતોવખત નકારાત્મક બને. નૈરુત્ય પશ્ચિમમાં બાલ્કની યોગ્ય ન ગણાય. વળી અહી ચોકડીની વ્યવસ્થા પણ યોગ્ય ન ગણાય. વાયવ્યમાં સ્ટોર હોઈ શકે. પરંતુ તેની આંતરિક વ્યવસ્થા યોગ્ય ન હોય તો ઘરમાં અનાજનો વપરાશ વધે. આ ઘરમાં શારીરિક, માનસિક અને આર્થિક સમસ્યાઓ હોય. ઘરમાં રહેવાનું ન ગમે તેવું પણ થાય. પણ ભારતીય વાસ્તુમાં તેનું નિરાકરણ છે. તેથી ગભરાવાની જરૂર નથી.

આજ ઘરમાં હકારાત્મક ઊર્જા પ્રાપ્ત કરવા માટે સર્વપ્રથમ તો સૂચન પછીના નકશા પ્રમાણેની રચના કર્યા બાદ અગ્નિની બાલ્કનીમાં બે ફૂલ દાડમ વાવવા, નૈરુત્યની બાલ્કનીને પરદાથી કવર કરી દેવી. લિવિંગ રૂમના સેન્ટર ટેબલ પર તાંબાના વાસણમાં ગુલાબની પાંદડી અને હજારીના ફૂલ રાખવા. મંદિરની ઉપર કોઈપણ પ્રકારનું વજન ન રાખવું. અગ્નિના બેડરૂમની પૂર્વની દીવાલ પર પેસ્ટલ યલો કલર લગાવી દેવો અને પલંગની બાજુમાં કાચના વાસણ માં ગુલાબની પાંદડી રાખી દેવી. માસ્ટર બેડરૂમની પશ્ચિમની દીવાલ પર આછો વાદળી કલર કરી દેવો. રસોડાના પ્લેટફોર્મના ઇશાનમાં તાંબાના કળશમાં ગાળેલું પાણી રાખી દેવું. ઘરમાં સવાર સાંજ ગૂગળનો ધૂપ કરવો. દર અજવાળી ચૌદશે ખીર બનાવવી અને સહપરિવાર ખાવી. બ્રહ્મમાં સફેદ બલ્બ લગાવી અને સંધ્યા સમયે ચાલુ કરી દેવો. શિવલિંગ પર પાણી, દૂધ, પંચામૃત, ચોખા, કેવડાનું અત્તર, ગુલાબ જળ, પાણીથી અભિષેક કરી બીલીપત્ર ચડાવી દેવા. ગુરુવારે મુખ્ય દ્વાર પર આંબાના પાનનું તોરણ લગાવી ઉંબરો પૂજી લેવો.

જીવનના મૂલ્યો સમજવાની ઊર્જા આપે છે વાસ્તુ નિયમો.