આશરે ૫૦૦ વર્ષ પહેલા ફ્રાંસમાં જન્મેલ નોસ્ત્રાડેમસ વિતેલા જમાનાના એક અદભુત જ્યોતિષી હતા, જ્યોતિષની દુનિયામાં કીરો અને નોસ્ત્રાડેમસ બંને ખૂબ ચાહના પામ્યા છે, નોસ્ત્રાડેમસએ જ્યોતિષી જ હતા તે બાબતે આજે પણ વિદ્વાનો એક થઇ શક્યા નથી. ઘણા કહે છે તેઓ તે સમયની સાંપ્રત સમસ્યાઓ ઉપર બોલવા માટે લખતા હતા. ઘણાએ તેમને લેખક, કવિ અને ધાર્મિકશાસ્ત્રના જાણકાર પણ માન્યા છે.
નોસ્ત્રાડેમસ તબીબી અભ્યાસમાં જોડાયા હતા પરંતુ તેમને કોઈ કારણસર પોતાનો અભ્યાસ છોડવો પડ્યો હતો. તેમ છતાં અજ્ઞાતના ઉપાસક એવા નોસ્ત્રાડેમસે ઘણી દવાઓ જાતે બનાવી હતી. એવું જણાય છે કે તેઓ સ્વતંત્ર અને આત્મખોજી સ્વભાવના માલિક હશે તેઓએ તે સમયે પોતાના જ્ઞાનની મદદથી અનેક રોગીઓને સાજા કર્યા હતા. એક અભ્યાસ મુજબ તેઓના વડવા પણ તબીબી વિજ્ઞાન જાણતા હતા. તબીબ, જ્યોતિષનો જાણકાર હોય જ તેવું તે સમયે સત્ય હશે તેવું લાગે છે. પોતાના પુત્ર અને પત્નીનું મૃત્યુ પણ રોગને લીધે થયું છે તેમ તેમણે લખ્યું છે. કદાચ એ રોગ પ્લેગ જ હશે તેમ માની શકાય, પ્લેગ જેવી મહામારીની દવા તેમણે શોધી હતી, તેની પણ જાણકારી મળે છે.
નોસ્ત્રાડેમસ પોતે પોતાના ખગોળ અને જ્યોતિષના જ્ઞાન વડે ગ્રહો બાબતે સમાચારપત્ર બહાર પાડતા હતા, તેમાં ગ્રહોની જાણકારી સાથે ખેડૂતોને મદદરૂપ થતી માહિતી પણ છાપવામાં આવતી હતી. તેમના અભ્યાસથી પ્રભાવિત થઈને ફ્રાંસના રાજપરિવારે તેમને પેરીસ બોલાવ્યા હતા, પરંતુ તે સમયે નોસ્ત્રાડેમસ કોઈ ખાસ પ્રભાવી સિદ્ધ થયા નહોતા. નોસ્ત્રાડેમસ કઈ રીતે ભવિષ્ય જોતા હતા તે બાબતે કોઈ સ્પષ્ટ પદ્ધતિ કે અભ્યાસ મળતા નથી, ઉલટાનું નોસ્ત્રાડેમસને જ્યોતિષની પાયાની સમજ પણ નથી તેમ કહેનારા પણ લોકો તેના સમયમાં ઓછા ન હતા. તેમની પેરીસ મુલાકાતને બીજા જ્યોતિષીઓએ વખોડી હતી અને તેમની ભૂલો તેમને બતાવી હતી. નોસ્ત્રાડેમસના એક નજીકના સાથીદારના મતે નોસ્ત્રાડેમસની આગાહીઓ નોસ્ત્રાડેમસની પોતાની માન્યતાઓના આધારે હતી. નોસ્ત્રાડેમસ માનતા હતા કે ઈતિહાસ પોતાને ફરી વાર રજૂ કરે છે. નોસ્ત્રાડેમસ દરેક ઘટનાને ભવિષ્યમાં ફરી થશે તેમ માનીને આગાહી કરતા હતા. માત્ર એક જ જગ્યાએ તેમણે કવિતાના સ્વરૂપમાં કહ્યું છે કે, ‘એકલા અનુભવેલી રાત્રિમાં, એને મેં દ્રષ્ટિ સામે મુક્યું અને તે અજ્ઞાતમાં ઉદભવેલા પ્રકાશમાં મેં સફળતા જોઈ, જેને હવે હું વિશ્વાસ કરું છું.’ આ કોઈ ગેબી આત્મા કે કોઈ રહસ્યમય આકૃતિ વિષે પણ હોઈ શકે. બધા જ્યોતિષીઓની જેમ નોસ્ત્રાડેમસે ભવિષ્ય બતાવનાર રસ્તાના બધા પત્તા ખોલ્યા નથી, તે આપણે સ્વીકારવું જ રહ્યું.
નોસ્ત્રાડેમસ કયા ધર્મને માનતા હતા તેની પર પણ કોઈ સ્પષ્ટતા જોવા મળતી નથી, તેઓ યહુદી ધર્મગ્રંથો પણ વાંચતા હતા અને રોમન કેથલિક પ્રણિત ખ્રિસ્તી ધર્મ પણ પાળતા હતા. નોસ્ત્રાડેમસ રાતોની રાતો ગુઢવિદ્યાને સમજવામાં ગાળતા હતા, તેમના નજીકના સમયના વિદ્વાનોએ તો તેમને કોઈ ગેબી શક્તિએ નોસ્ત્રાડેમસ પર કબજો જમાવ્યો છે તેવું લખી ચૂક્યા છે.
નોસ્ત્રાડેમસનું જીવન અનેક તકલીફોથી ભરેલું હતું, અભ્યાસ છોડ્યા બાદ તેમણે યુરોપની સફર એકલેહાથે ખેડેલી. પોતાના તકલીફના સમયમાં તેઓએ રસોઈની જાણકારી આપતું પુસ્તક પણ લખ્યું હતું અને તેના દ્વારા આવક રળી હતી. તેઓ પોતે જીવનના અંતિમ દિવસોમાં આર્થરાઈટીસ અને હ્રદયની બિમારીઓથી પીડાતા હતા, આખી દુનિયાના ભવિષ્યને જોઈ લેનાર ભવિષ્યવેત્તા પોતાના મૃત્યુને પણ જાણતો હતો. તે મૃત્યુને ભેટ્યા તેના થોડા દિવસ પહેલા તેમણે તેમના અંતિમ દિવસની આગાહી કરી દીધી હતી. નોસ્ત્રાડેમસ ગુઢ વિદ્યાનો ઉપાસક હતો તેઓ જાણતા હતા કે તેમણે કુદરતના આયોજન વિરુદ્ધ જઈને ઘણું જાણવાની કોશિશ કરી છે. અનેક આશ્ચર્યો વચ્ચે એ પણ ઉલ્લેખ મળે છે કે નોસ્ત્રાડેમસને જાણ હતી અને દ્રઢ માન્યતા હતી કે તે મર્યા બાદ નરકમાં જ જશે. નોસ્ત્રાડેમસ પોતે પણ આ વાતનો ઉલ્લેખ બીજા સાથે કરી ચુક્યા હતા. પોતે ભવિષ્ય જાણી લેવાનું દુઃખ અને સુખ બંને ભોગવી ચુક્યા હતા પણ તેમના જીવનના અંતિમ દિવસો ખુબ યાતનામય હતા.
નોસ્ત્રાડેમસની વિશ્વખ્યાતિ પાછળ તેમની કેટલીક આશ્ચર્ય ઉપજાવે તેવી સચોટ ભવિષ્યવાણીઓ છે. નોસ્ત્રાડેમસના મૃત્યુ બાદ બરાબર ૧૦૦ વર્ષ પછી લંડન શહેરમાં આગ લાગી હતી જે બેકાબૂ હતી જે બાબતે તેમની આગાહી અક્ષરસહ સાચી પડી હતી. બસો વર્ષ બાદ થયેલી ફ્રેંચક્રાંતિ પણ નોસ્ત્રાડેમસે ભાખી લીધી હતી. કેટલીક આશ્ચર્યકારક ભવિષ્યવાણીઓ જોઈએ તો નેપોલિયનનો ઉદય અને અસ્ત, શીતળાની રસીની શોધ, હિટલરનું સામ્રાજ્ય અને તેના નામનો સ્પષ્ટ ઉલ્લેખ, વિશ્વયુદ્ધની તારીખો, બે શહેરોની વચ્ચે અણુબોમ્બનો ઉપયોગ, ચંદ્ર પર માણસનું પહોંચવું અને ૯/૧૧નો હુમલો. આ બધું કોઈ એક જ ભવિષ્યવેત્તા કહી શકે તે ખરેખર માન્યામાં ન આવે તેવી વાત છે. નોસ્ત્રાડેમસના મતે દુનિયાનો અંત ૩૭૯૭ની સાલમાં આવશે, આ સાલ મનુષ્યજાતિની અંતિમ સાલ હશે.