મિથુન રાશિનું ચિહ્ન ધ્યાનથી જોઈએ તો તેમાં એક યુગલ જોવા મળે છે, આ યુગલ એકબીજા સાથે મેળાપ અને ચર્ચા કરી રહ્યું છે. માનવજીવનનું મહત્વનું આયામએ તેની બુદ્ધિ છે, તેની વિવાદ કરવાની અને દલીલ કરવાની શક્તિ છે. બીજા પ્રાણીઓમાંએ શક્તિ નથી. મિથુન રાશિએ વાયુ તત્વની અને દ્વિસ્વભાવ રાશિ છે. વાયુ તત્વ હોઈ તેમાં બુદ્ધિ, તર્ક, દલીલ, વિવાદ અને ચર્ચનું તત્વ ઉમેરાય છે. તેઓ કોઈ પણ ઘટનાના તર્ક અને જે નથી દેખાતું તેવું દરેક તેમાંથી શોધી લે છે. કોઈકે સાચુજ કહ્યું છે કે, કેશવિહીનને પણ કાંસકો વેચી શકે તેવી રાશિ એટલે મિથુન રાશિ. તેઓનો અન્યને સમજાવવા અને સમજવાનો ગુણ અદભુત છે. બુધ તેમની રાશિનો સ્વામી છે, તેઓ જલ્દી નિર્ણય લેતા નથી. વારંવાર નિર્ણય બદલે અને છેલ્લી ઘડીએ નવો નિર્ણય જાહેર કરે તેવું તેમના જીવનમાં અવારનવાર બનતું રહે છે. મિથુન રાશિના જાતકોને તર્ક અને લેખનના વિષયોમાં સફળતા મળતી હોય છે.મિથુન રાશિના જાતકોને કુટુંબ અને નજીકના સંબંધીઓ લાગણીશીલ મળે છે, તેઓમાં કુટુંબ માટે એક સાચી સમજ હોય છે તેઓ લાગણીના અતિરેકમાં માનતા નથી. તેઓ પરિસ્થિતિને વશ થઈને અથવા અનુરૂપ થઈને જીવવામાં માને છે. ધન સ્થાનનો માલિક ચંદ્ર છે. તેઓ ધનને સર્વેસર્વા નથી માનતા પણ ધનિક બનવું તેમની માટે અનિવાર્ય છે. તેઓ એકસરખી આર્થિક સ્થિતિ ધરાવતા મિત્રો પસંદ કરે છે. તેઓ ૨૪માં વર્ષની આસપાસ આર્થિક રીતે પગભર થવા લાગે છે. શરૂઆતમાં મળેલ આર્થિક આવકનું સાધન લાંબો સમય રહેતું નથી. તેનું કારણ તેમનું સતત ગતિશીલ મન છે, તેઓ એકમાંથી બીજું અને બીજામાંથી ત્રીજું શોધી લાવે છે. એક વ્યક્તિ સાથે મુલાકાત કરે અને તેની પાસે ઘણું જાણી લાવે તે તેમની ખુબી છે, માટે જ તો તેમના રાશિ ચિહ્નમાં યુગલ અને માનવ સાથે માનવનો સંવાદ દર્શાવાયો છે. આર્થિક સ્થિતિ સ્થિર રહેતી નથી, તેને સ્થિર કરવા માટે મન વાળવું પડે છે. તેઓને ટેલીકમ્યુનીકેશન, મીડિયા, માર્કેટિંગ અને વીમાએજન્ટ જેવા કાર્યોમાં આસાનીથી સફળતા મળી શકે છે. શિક્ષક અને પ્રોફેસર તરીકે પણ તેઓ કામયાબ રહે છે. જ્યાં સંવાદ છે, મનુષ્ય સાથે મનુષ્યનો સંવાદ-મિલાપ છે તેવા કાર્યોમાં તેઓ સફળ રહે છે. તેઓએ જીવનમાં સફળ થવું હોય તો પોતાના નિર્ણયોને વળગી રહેવું ખુબ જરૂરી છે. તેઓ જીવન દરમ્યાન એક વ્યક્તિને ગુરુ કે આદર્શ માનીને ચાલે તેમાં પણ તેમને લાભ થશે.
મિથુન રાશિના જાતકોને મકાન અને વાહન લગભગ ૩૨માં વર્ષની આસપાસ સ્થાયી રીતે મળે છે. તેઓ દ્વિસ્વભાવ રાશિના લીધે એકથી વધુ મકાન અને વાહનના માલિક બને છે. તેમને ભાઈ-બહેન ઓછા હોય છે અથવા ભાઈ બહેન સાથે તેમની લેણદેણ ઓછી રહે છે. તેઓ પોતાના ભાઈ બહેનને ચોક્કસ મદદરૂપ થતા હોય છે, વાર-તહેવાર સાચવી લેવામાં તેઓ જરાય પાછા પડતા નથી. ભાઈ બહેનોમાં મિથુન રાશિનો ભાઈ થોડો ગણતરીબાજ પણ ખરો. સંતાન બાબતે જોઈએ તો આ રાશિના જાતકોને સંતાન પ્રાપ્તિ વહેલી થતી હોય છે, તેઓને કન્યા સંતાન હોય તો તે ભાગ્યકારક બને છે, કન્યા સંતાનના જન્મ પછી તેઓનું ભાગ્ય બદલાય છે તેઓને પોતાના કર્મનું ઉત્તમ ફળ મળે છે. શેરબજાર કે સટ્ટાકીય બાબતો તેમના શોખનો વિષય હોય છે, ઘણીવાર તેઓ અણધાર્યું રોકાણ કરીને બધાને આશ્ચર્યમાં પણ મૂકી દે છે. તેઓને નસીબના જોરે કમાણી થાય તેની સંભાવના વધુ હોય છે.
રોગસ્થાનનો સ્વામી મંગળ બુધનો પ્રબળ શત્રુ છે, ભૂમિપુત્ર મંગળ ગ્રહ શરીરના બંધારણ સાથે અને મુખ્ય તો લોહી સાથે સંબંધિત છે. પિત્તજન્ય રોગ, રક્તનો બગાડ થવો. અસામાન્ય બ્લડ પ્રેશર તથા કિડનીના દર્દો મંગળ ગ્રહ સૂચિત છે. મંગળ જો રાહુ કે શનિ છઠે સાથે હોય તો જાતકના દેહમાં અચૂક મોટી તકલીફ આવે છે. મંગળ મિથુન રાશિના જાતકોને અણધારી મુસિબત રૂપે રોગો લાવે છે. તેઓને રોગ એકાએક થાય છે, તેઓ પડે ત્યારે વાગે ખુબ છે. અસ્થિભંગ કે સ્નાયુના દર્દ તેમને અવારનવાર પરેશાન કરે છે. મિથુન રાશિના જાતકોએ ઉતાવળથી બચવું ખાસ કરીને વાહન ચલાવતી સમયે. એક સાથે બે કામ હાથમાં લેવાથી તેઓ બેધ્યાન રહે અને તકલીફ સર્જાય તે શક્ય છે.
મિથુન રાશિના જાતકોને વિવાહ સ્થાનનો માલિક ગુરુગ્રહ બને છે, તેઓના વિવાહ જલ્દી થાય છે. તેઓનું લગ્નજીવન ઉત્તમ રહે છે. મિથુન રાશિના જાતકોને સુંદર અને ઘણીવાર પોતાનાથી પણ વધુ ભણેલ-ગણેલ પાત્ર મળતું હોવાનું અમે નોંધ્યું છે. ગુરુ વિવાહ સ્થાનનો માલિક બનતો હોઈ તેઓને વિવાહ બાબતે મતમતાંતર કે મૂંઝવણ હોતી નથી. સમયસર અને યોગ્ય પાત્ર મળતા તેઓ પરિણયમાં આગળ વધે છે. તેઓ જીવન દરમ્યાન પ્રેમ કરે છે અને પ્રેમમાં પડે છે પણ ખરા, પરંતુ તેમનો પ્રેમ બૌદ્ધિક હોય છે તેમાં લાગણીનું તત્વ ઓછું અને વ્યવહારુ અભિગમ વધુ હોય છે માટે તેઓ પ્રેમાળ ખરા પણ ખોટા લાગણીશીલ નથી. તેઓ ગળાડૂબ પ્રેમમાં પડે તેની બહુ ઓછી સંભાવનાઓ હોય છે.
- મિથુન રાશિના જાતકો માટે ગુરુ, મંગળ ફળદાયી નથી
- મિથુન રાશિને શુક્ર અને બુધ વધુ ફળદાયી છે.
- મિથુન રાશિના જાતકોને લક્ષ્મીજી, વિષ્ણુ અને સરસ્વતીની ઉપાસના ફળે છે.
- શ્રીસુક્તમ, ભગવદ ગીતા અને વિષ્ણુસહસ્ત્રનામ તેમની માટે માનસિક શાંતિ અને આર્થિક ઉન્નતિ બક્ષનાર છે.
- મિથુનવાળાઓએ પન્નાનું રત્ન ધારણ કરવું.
- મિથુન રાશિના જાતકોને મિથુન, તુલા અને કુંભ રાશિના જાતકો સાથે જલદી મનમેળ થાય છે.
- મેષ, સિંહ અને ધન રાશિના જાતકો સાથે તેમના સંબંધો એકબીજાને પોષક હોય છે.
- વૃષભ, વૃશ્ચિક અને મકર રાશિના જાતકો તેમને જલ્દી ફળતા નથી, તેમની વચ્ચે મનમેળ ના થાય અથવા વિચારોમાં કાયમ એક અંતર રહે તેવું બની શકે.
- કર્ક, કન્યા અને મીન રાશિના જાતકો સાથે તેમના સંબંધો માપસરના અને મધ્યમ ફળદાયી રહે છે.
દર વર્ષે ૨૩ ઓક્ટોબરથી ૨૧ નવેમ્બર દરમ્યાન તેમને જીવનમાં તકલીફનો અનુભવ થાય છે, તો ૨૦ માર્ચથી ૧૯ એપ્રિલનો સમય તેમની માટે ખુશખબરીનો ગણી શકાય. અલબત, દરેક જાતકના જન્મ સમયના ગ્રહો વધુ અગત્યના છે, તે હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ, તેનો સમયાંતરે અભ્યાસ પણ ખુબ જ આવશ્યક છે.