જાન્યુઆરી ૨૦૧૮માં ૪ ગ્રહો બદલશે રાશિઃ બાર રાશિ પર શું અસર?

૨૦૧૭નું વર્ષ પૂર્ણ થઇ રહ્યું છે, કાળચક્ર નિયત ગતિએ આગામી વર્ષ ૨૦૧૮ તરફ ફરી રહ્યું છે. ૨૦૧૮ની શરુઆતનો માસ જાન્યુઆરી તમારી રાશિ થકી તમારા માટે શું ફળપ્રાપ્તિ લાવ્યો છે? આવનારો સમય તમારી માટે કઈ સરપ્રાઈઝ લાવ્યો છે? તે જાણીશું બારેય રાશિઓના ફળકથન દ્વારા. જાન્યુઆરી ૨૦૧૮ ખાસ છે, કારણ કે આ માસમાં ૦૬.૦૧.૨૦૧૮ તારીખે બુધ ધનમાં પ્રવેશ કરે છે. જે ૨૭.૦૧.૨૦૧૮ સુધી ધનમાં રહેશે. ૧૩.૦૧.૨૦૧૮ તારીખે શુક્ર પોતાના મિત્ર શનિની રાશિ મકર રાશિમાં પ્રવેશ કરે છે. શુક્ર ૦૫.૦૨.૨૦૧૮ સુધી મકરમાં રહેશે. ૧૪.૦૧.૨૦૧૮ તારીખે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. જે તારીખ ૧૩.૦૨.૨૦૧૮ સુધી મકરમાં રહેશે. ૧૭.૦૧.૨૦૧૮ તારીખે મંગળ સ્વરાશિ વૃશ્ચિકમાં પ્રવેશ કરે છે. મંગળ વૃશ્ચિક રાશિમાં ૦૬.૦૩.૨૦૧૮ સુધી રહેશે. ચારેય ગ્રહોની રાશિ પરિવર્તનની અસર આ માસને ચોક્કસ ખાસ બનાવે છે.

સૂર્ય મકરમાં પ્રવેશતા ક્મુહુર્ત સમાપ્ત થશે અને અનેક શુભ કાર્યોના શ્રીગણેશ થશે. રાજ્ય અને દેશમાં નવી ઊર્જા સાથે સામાજિક બદલાવનો અનુભવ થશે. સ્વતંત્ર ભારતની કુંડળી પ્રમાણે મંગળ સપ્તમ ભાવે દેશમાં સામાજિક બદલાવ આવે તે રીતે રાજનૈતિક નિર્ણયો થઇ શકે અને આર્થિક દિશામાં પ્રગતિનો માહોલ સર્જાશે તેવું જણાય છે. વ્યવસાય અને રોજગારમાં સાનુકુળ વાતાવરણ થતાં દેશમાં આનંદનો માહોલ રહેશે. ખેતી અને મોટા ઉદ્યોગોમાં મહત્વના નીતિવિષયક નિર્ણયને લીધે ફાયદો થાય તેની શક્યતાઓ નકારી શકાતી નથી. અગાઉ જણાવ્યું તેમ આ ચાર ગ્રહો વધુ ગતિશીલ અને પ્રમાણમાં નાના ગ્રહો હોઈ તેમના રાશિ પરિવર્તન થકી થનારી અસરો આ મહિનાઓ પુરતી મર્યાદિત કહી શકાય. બારેય રાશિના જાતકોને આ માસમાં શું લાભાલાભ થશે તેનું ફળકથન નીચે મુજબ છે.

મેષ: મેષ રાશિના જાતકો આ સમય દરમ્યાન મહત્વના નિર્ણયો લઇ શકશે. તમે પોતાની કારકિર્દીમાં સૂર્યના બળ થકી આગેકૂચ કરશો. મંગળ અષ્ટમ ભાવમાં નબળું સ્વાસ્થ્ય બતાવે છે, તમારે પોતાની તબિયત અને સ્વાસ્થ્ય વિષયક પ્રશ્નને પ્રાધાન્ય આપવું પડશે. આર્થિક બાબતોમાં તમે સરળતા અનુભવશો, આવક વધી શકે.

વૃષભ: વૃષભ રાશિના જાતકોને શુક્ર તકલીફોને દૂર કરનાર બનશે, તમે પોતાના શોખ અનુસાર મોટી અને કીમતી ચીજોની ખરીદી કરી શકશો. વિદેશ પ્રવાસ કે ધાર્મિક સ્થળે પ્રવાસ તમને ફળે. લગ્ન વિષયક બાબતોમાં તકલીફ હોય તો દૂર થઇ શકે. નોકરી કે વ્યવસાયમાં આવક જળવાઈ રહે. વ્યવસાયમાં નવા માલસામાનની ખરીદી થઇ શકે.

મિથુન: મિથુન રાશિના જાતકો મળતાવડાં અને ઉત્તમ વક્તા છે, આ સમય દરમિયાન તેઓને પોતાના કાર્યોમાં પડકારનો અનુભવ થઇ શકે. તમે મહત્વના કાર્યોને લીધે સમયના આયોજનમાં તકલીફ અનુભવી શકો. વ્યવસાયમાં આવક વધે પરંતુ સાથે સાથે તમારે બિનજરૂરી ચિંતા અને ઉતાવળથી પણ બચવું પડશે. સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત રહેવું.

કર્ક: કર્ક રાશિના જાતકોને આ સમય અનેક શુભ કાર્યો આપી શકે છે, તમે જેની રાહ જોઈ રહ્યાં હોવ તે નોકરી કે કુટુંબ વિષયક મહત્વનું કાર્ય આ મહિનામાં પાર પડી શકે. મંગળ પંચમ ભાવે સ્વગૃહી થશે મહિનાના અંત ભાગ સુધીમાં તમે મોટી સમસ્યાનું નિરાકરણ આવતા ખૂબ ખુશ હશો. આર્થિક આયોજન માટે તમારે વિશેષ તકેદારી લેવી પડશે.

સિંહ: સિંહ રાશિના જાતકોને વ્યવસાયમાં આવક વધી શકે, નોકરીમાં બદલાવ આવી શકે. બદલાવની સ્થિતિ શરુઆતમાં અનુકુળ ન હોય તેવું બની શકે. આર્થિક લાભની શક્યતાઓ પણ ભરપુર છે. ઘર કે કુટુંબમાં અણધાર્યો પ્રસંગ આવી શકે. ઘરના સભ્યોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ રહે. સંતાન બાબતે વધુ ધ્યાન આપવું જરૂરી જણાશે.

કન્યા: ચોકસાઈથી કાર્ય કરતાં કન્યા રાશિના જાતકોને આ સમય દરમિયાન મહત્વના કાર્યોમાં રાહ જોવી પડી શકે. આર્થિક બાબતોમાં તમારે વધુ ધ્યાન આપવું પડશે. ચતુર્થભાવે બુધની ઉપસ્થિતિ તમને ઘરના સભ્યોનો ઉત્તમ સાથસહકાર આપશે, પરંતુ આ સમય દરમિયાન તમારે ખોટા સાહસથી બચીને ચાલવાનું છે. નવા વાહન અને મકાનના યોગ છે.

તુલા: તુલા રાશિના જાતકોને ચતુર્થભાવે શુક્રનું ભ્રમણ ઘરમાં શુભ પ્રસંગ થઇ શકે તેનો નિર્દેશ કરે છે. વાહન અને મકાનની ખરીદીની રાહ જોઈ રહ્યાં હોવ તો આ સમય દરમિયાન ધાર્યું કાર્ય પાર પડશે, પોતાની ઈચ્છા અને પસંદ મુજબ તમે મોટી ખરીદી કરી શકશો. નોકરીમાં પ્રગતિ થઇ શકે, નવા મિત્રો કે સહકર્મીઓ તમને મદદરૂપ થઇ શકે.

વૃશ્ચિક: વૃશ્ચિક રાશિના જાતકોને જાન્યુઆરી મહિનો અનેક ખુશીઓ લાવશે, મંગળનો વૃશ્ચિક રાશિમાં મંગળ પ્રવેશ છે માટે તમારા આત્મવિશ્વાસ અને તમારી ઓળખાણ તમને સફળતા અપાવશે. તમે પોતાને યોગ્ય વાતાવરણમાં અનુભવશો, કાર્યસ્થળે નવી ઊર્જાનો સંચાર થશે. નજીકના મિત્રો દ્વારા તમને સફળતા મળી શકે. કાર્ય બાબતે પ્રવાસ થઇ શકે.

ધન: ધન રાશિના જાતકોને શનિ સાથે બુધનો પ્રવેશ આ મહિના દરમિયાન કાર્યોમાં પોતાની ધારણા મુજબ આગળ વધવું મુશ્કેલ કરી શકે, તમારે કાર્યોનું વ્યવસ્થિત આયોજન કરવું પડશે. ઘર અને જીવનસાથીને પણ પ્રાથમિકતા આપવી પડશે. આર્થિક બાબતોમાં તમે પહેલા કરતા વધુ સારો દેખાવ કરશો, પરંતુ ખર્ચ પર પણ કાબૂ રાખવો જરૂરી રહેશે. સ્વાસ્થ્ય બાબતે વધુ ધ્યાન આપવું.

મકર: મકર રાશિના જાતકોને શુક્ર થકી આ મહિનો લાભદાયી રહેશે, સૂર્ય પણ આ રાશિમાં પ્રવેશતાં તમે પોતાની આસપાસના વાતાવરણ અને સંપર્કોમાં એક નવી ઊર્જાનો અનુભવ કરશો. તમારે નબળાં મનને જીતવું પડશે, તમે એક નિશ્ચિત યોજના સાથે ચાલી રહ્યાં હોવ પરંતુ તેની પર મક્કમ રહેવું પણ જરૂરી છે. લગ્ન બાબતે સાનુકૂળ યોગો છે.

કુંભ: કુંભ રાશિના જાતકોને મંગળ કર્મભાવે આવતાં કારકિર્દીમાં ગતિ આવી શકે, તમે પોતાના કાર્યોમાં વધુ ગતિનો અનુભવ કરશો. ક્યારેક વધુ કાર્યબોજનો પણ સામનો કરવો પડી શકે, ચિંતાથી બચવું, અંતિમ પરિણામ ખૂબ જ શુભ હશે. મિત્રો અને પ્રેમીજનોને મુલાકાતથી આનંદ થાય. નજીકના સંબંધોમાં તકલીફ હોય તો તેને તરત ધ્યાનમાં લેવી.

મીન: મીન રાશિના જાતકોને આ મહિના દરમિયાન નવા કાર્યોમાં પ્રાથમિક અડચણનો અનુભવ થઇ શકે, તમે આ સમય દરમિયાન નવા અનુભવોને લીધે ઘણું શીખો તેવું બની શકે. આ મહિના દરમિયાન ખોટા ખર્ચથી દૂર રહેવું. નોકરીમાં બદલાવ માટે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવી સલાહભર્યું રહેશે. માતાપિતા અને વડીલો થકી કાર્ય ઉકેલાઈ શકે.