કર્કઃ લાગણીશીલ, મદદગાર અને મળવા જેવી રાશિ

ર્ક રાશિ કાલપુરુષની કુંડળીમાં ચતુર્થ ભાવે આવે છે, ચર સ્વભાવ અને જળતત્વની આ રાશિના જાતકો આંતરિક સંવેદનાથી ભરપુર, ભાવવાહી અને હ્રદયસ્પર્શી સ્વભાવના માલિક હોય છે. કર્ક રાશિના જાતકો ઉત્તમ માતાપિતા બની શકે છે, તેઓ અન્યને મદદરૂપ થવામાં ખરા દિલથી રસ લે છે. કર્ક રાશિનો માલિક ગ્રહ ચંદ્ર છે, ચંદ્ર પોતે પણ જળતત્વને દર્શાવે છે. કર્ક રાશિમાં ચંદ્ર આવતા આ રાશિના જાતકોમાં જળતત્વ મુખ્ય બની જાય છે. તેઓની યાદશક્તિ ઉત્તમ હોય છે, તેઓ ઘર અને પારિવારિક સંબંધોને ખુબ સારી રીતે સમજે છે.

અન્ય રાશિઓની સરખામણીએ કર્ક રાશિના જાતકોમાં પારિવારિક ભાવના ઉમદા હોય છે. તેઓ નાની બાબતોમાં પણ જલદી દિલ દઈ બેસતા હોય છે, નાની વાત હોય છતાં તેની ચિંતા રાત દરમિયાન મોટી થતાં વાર નથી લાગતી. તેઓ પોતાની લાગણીઓને યોગ્ય સ્થળે અને સમયે વ્યક્ત કરે તો તેઓ શ્રેષ્ઠ વ્યક્તિ ચોક્કસ બની શકે છે. કર્ક રાશિના જાતકો સારા શિક્ષક, કવિ, રસોઈના જાણકાર અને આર્થિક સલાહકાર બની શકે છે, તેઓમાં આ બાબતે ભરપુર ગુણ જોવા મળે છે. વ્યવસાયમાં હોય ત્યારે તેઓ ગ્રાહકોને ખૂબ સારી રીતે સમજી શકે છે, એ તેમની ખૂબી છે. તેઓ ગમે તે કારકિર્દીમાં હોય તેમાં તેઓ દિલ દઈને કાર્ય કરે છે તે નિશ્ચિત છે.

જીવનની શરૂઆતમાં આવતી શનિની મહાદશા તેમને જીવનના આકરા અનુભવો નાનપણમાં આપી શકે છે. જો આ મહાદશા ગુરુની હોય તો તેઓને તરુણ અવસ્થામાં શનિની દશા આવશે, જે તકલીફ આપી શકે. અલબત શનિની મહાદશામાં તેઓ ઘડાય છે. શનિ પછી બુધની મહાદશામાં તેઓ બૌદ્ધિક વિકાસની સાથે આર્થિક મથામણ પણ અનુભવે છે. કેતુની દશામાં તેઓ એકલતાની સાથે ઊંડી આત્મખોજ અનુભવે છે, તેઓ પોતાના અનુભવોને જીવનમાં અને કાર્યોમાં ઉતારે છે અને તેઓ પોતાના વિષયના નિષ્ણાત પણ બની શકે છે. શુક્ર, સૂર્ય અને ચંદ્રની દશામાં તેઓ સન્માનિત અને સુખી જીવનના માલિક બને છે. તેઓને વિશેષ આર્થિક સુખ મોટી ઉમરે અચૂક આવે છે.

કર્ક રાશિના જાતકોને આર્થિક સુખની પ્રાપ્તિ જીવનમાં જલદી થાય છે, અંદાજીત ૨૨માં વર્ષથી તેઓ કારકિર્દીમાં આગળ વધીને આવકપ્રાપ્તિ કરતા હોય છે. જીવન વ્યવહારમાં ખાસ કરીને ઘરમાં અને બધાં કુટુંબીજનોમાં પિતા અને વડીલોનું સ્થાન વિશેષ હોય છે, તેઓ જીવન દરમિયાન પોતાના પિતાથી ખૂબ પ્રભાવિત થતાં હોય છે. ભાત્રુભાવનો સ્વામી બુધ છે, તેઓને પોતાના ભાઈબહેન સાથે સંબંધ મધ્યમ ફળદાયી રહે છે. તેઓનું વ્યક્તિત્વ તેમના ભાઈબહેનની સરખામણીએ મોટેભાગે અલગ પડતું હોય છે. ભાઈબહેન સાથે તેમના સંબંધોમાં ઉતારચઢાવનો અનુભવ થાય છે. ૩૨માં વર્ષની આસપાસ આ પ્રકારે અનુભવ થઇ શકે. સંબંધોમાં તેઓ હંમેશા લાગણીનો અતિરેક અનુભવે છે, અન્ય માટે તેઓ મદદ અને પ્રેમ ભરપુર આપે છે, કદાચ આ કારણે તેમનું હૃદય ભંગ પણ જલ્દી થતું હોય છે.

મકાન, વાહન અને માતા આ ત્રણેય બાબતો તેમના જીવનમાં ખૂબ મહત્વની છે. તેઓ પોતાના ઘર સાથે લાગણીનું બંધન અનુભવે છે, તેઓને ઘરથી દૂર જવું જલદી પસંદ નથી પડતું. અથવા તેઓ જ્યાં રહે છે, તે જગ્યા સાથે તેમનો અનન્ય સંબંધ હોય છે. વાહન બાબતે તેઓ નસીબદાર રહે છે. તેઓ પોતાનું વાહન જલદી બદલતા નથી અથવા પહેલું વાહન વેચતા નથી તેવું અનુભવે જોયું છે. સંતાન બાબતે તેઓ ખૂબ કાળજી રાખે છે, બીજી રાશિઓમાં પોતાના જ વિકાસ અને માલિકીની ભાવના વધુ હોય છે, પરંતુ કર્ક રાશિમાં સંતાન બાબતે સમર્પણ, પ્રેમ અને લાગણીઓ વિશેષ હોય છે. અગાઉ જણાવ્યું તેમ આ રાશિના જાતકો ઉત્તમ માતાપિતા બને છે. તેઓ પોતાના સંતાનના સુંદર ઉછેરમાં કોઈ કસર છોડતાં નથી. તેમના સંતાનનો સ્વભાવ મોટેભાગે તેમનાથી જુદો પડતો હોય છે. સંતાન તેમની સાથે મિત્રતાનો ભાવ રાખી શકે છે, તેમના સંતાનો તેમની ખૂબ કાળજી લે તે પણ સહજ છે.

કર્ક રાશિના જાતકોને રોગ અને શત્રુ સમર્થ મળે છે. રોગ અચાનક નથી આવી પડતા, તેઓને રોગ બાબતે પૂરતી જાણકારી હોય છે જ. તેઓ રોગ ના થાય તે માટે પૂરતી કાળજી લે છે, તેમાં કોઈ કસર નથી છોડતાં. ગુરુ ગ્રહ કફ અને મેદનો નિર્દેશક છે, આથી યકૃતના રોગ, લોહીનું ઘટ્ટ થવું, વજન અસમાન્ય રીતે વધી જવું, શારીરિક સ્થૂળતા આવવી અને મેદને લીધે બેડોળ શરીર પણ અશુભ થયેલ ગુરુને લીધે થઇ શકે. અશુભ ગુરુ ચતુર્થ ભાવે હૃદયનું અસામાન્ય પહોળું થવું નિર્દેશિત કરે છે. ભારે આહારથી દૂર રહેવું તેમની માટે સલાહભર્યું રહેશે. કર્ક રાશિના જાતકો ખાવાપીવાનો શોખ રાખે છે માટે તેમને પેટની તકલીફ પણ અવારનવાર થાય છે.

શનિ સપ્તમભાવનો માલિક છે, ચંદ્ર તેનો શત્રુગ્રહ છે. કર્ક રાશિના જાતકો લગ્ન બાબતે જલદી પસંદગી કરવામાં માનતા નથી, તેઓ આર્થિક, શારીરિક કે સામાજિક સમૃદ્ધિના માપદંડ પર નહી પરંતુ તેમની ભાવનાઓને વાચા આપી શકે તેવા પાત્ર પર પસંદગીનો કળશ ઢોળે છે. સહજ છે કે કર્ક રાશિના જાતકોનું લગ્નજીવન શનિગ્રહની અસર હેઠળ શરૂઆતી ઉતારચઢાવથી ભરપુર રહે છે. લગ્નજીવનમાં તેમને અનુકુળ થતાં સમય લાગે છે. કર્ક રાશિના જાતકોનો દિલફેંક, નરમદિલ અને ભાવનાશીલ સ્વભાવ તેમના લગ્નજીવનમાં તકલીફ સર્જી શકે છે પરંતુ તેઓ ઉત્તમ પ્રેમીજનો છે તે વાત પણ એટલી જ સાચી છે. તેમનો પ્રેમ- સમય, સ્થળ, પૈસા કે ઉંમર જોતો નથી, તેઓ માત્ર પ્રેમ જ કરે છે.

કર્ક રાશિના જાતકો કારકિર્દી બાબતે પોતાની પસંદગીને ખૂબ મહત્વ આપે છે. તેઓ પોતાની પસંદગીમાં પણ અવાર-નવાર પરિવર્તન અનુભવે છે, માટે તેઓ કોઈ એક જ કાર્ય નિશ્ચિત કરે છે તેવું બનતું નથી. જ્યાં કાળજીપૂર્વક કાર્ય કરવાનું છે અથવા સંબંધો આધારિત કાર્યપદ્ધતિ છે તેમાં તેઓ ખૂબ સારી રીતે કાર્ય કરે છે. તેઓ મકાન બાંધકામ, ગૃહ સજાવટ, નર્સિંગ, ખેતી, ઝીણું તકનીકી વર્ક અને શિક્ષક તરીકે ઉત્તમ કાર્ય કરી શકે છે. આ બાબતોમાં તેઓ સફળ બને તેની સંભાવના વધુ હોય છે. તેઓ રસોઈ બાબતે પણ સામાન્યથી વધુ જ્ઞાન ધરાવે છે. રસોઈની કળામાં તેઓ ચોક્કસ સફળ બની શકે.

તેઓને ગુરુ અને મંગળ ગ્રહ ફળે છે. જયારે શનિ અને બુધ તેમને ઓછા ફળે છે. ચંદ્રનો નંગ એટલે કે મોતી ધારણ કરવો તેઓને લાભદાયી છે.

તેઓ પોતાની રાશિના જાતકો સાથે તથા વૃશ્ચિક અને મીન રાશિના જાતકો સાથે જલદી મનમેળ કરી શકે છે. કન્યા, મકર અને વૃષભ સાથે તેમના સંબંધો એકબીજા માટે પોષક હોય છે, આ રાશિના જાતકો સાથે તેઓ ખૂબ આદાનપ્રદાન કરી શકે છે. મેષ, તુલા અને સિંહ સાથે તેમના સંબંધ મધ્યમ ફળદાયી રહે છે. ધન, કુંભ અને મિથુન રાશિના જાતકો સાથે તેઓને સંબંધ સાચવવા વધુ પ્રયત્ન કરવો પડે છે, આ રાશિના જાતકો તેમને જલદી ફળતા નથી.