નવું ઘર બનાવતા પહેલા વાસ્તુને સંપૂર્ણપણે સમજવું ખૂબજ જરૂરી

શું તમે ક્યારેય તમારા વિચારોને પ્રેમ કર્યો છે? એક વિચાર જીવન બદલી શકે છે. ભાષા અને અભિવ્યક્તિ બદલાય તો શબ્દો પણ બદલાય. ખયાલ, તસવ્વુર, ઈમેજીનેશન, કલ્પના જેવા અનેક શબ્દો એની સાથે જોડાય. કલ્પનાશીલ માણસ પોતાનું એક અલગ વિશ્વ બનાવે છે અને એમાં રાચ્યા કરે છે. એને જ પ્રેમ કરે છે અને એની સાથે જ લડે પણ છે. એનાથી રિસાય છે અને એને રીજવવા પણ જાય છે. પણ એ માત્ર કલ્પના છે જેવી આંખ ખુલે કે તરત જ હકીકત સામે આવે છે. અને પછી જીવન અલગ લાગે.

ક્યારેક નકારાત્મક વિચારો મનમાં ઘર કરે તો ડર પણ સતાવે. વળી કોઈનું નુકશાન કરવાના વિચારો પણ આવે. દરેક માણસે એવું વિચારવું જોઈએ કે જાણે અજાણે પણ કોઈને દુખ ન આપીએ અને કોઈનું નુકશાન ન થાય. કોઈને પ્રેમ ન આપીએ તો ચાલશે પણ કોઈને એટલી નફરત પણ ન કરીએ કે એનું જીવવાનું દુષ્કર થઇ જાય. આમ પણ જે નફરત કરે છે એ પણ એની આગમાં બળે છે. તો મનમાં માત્ર સકારાત્મક વિચારોને જ સ્થાન આપીએ ને? બાકી કોઈને બ્લોક કરવાના વિચારો આવે અને તો પણ છાનામાંના એના વિશે જાણવાનું મન પણ થાય.

મિત્રો આ વિભાગ આપનો જ છે. આપના જીવનની કોઈ પણ સમસ્યાઓ આપ નીચે દર્શાવેલ ઈમેઈલ પર મોકલી શકો છો. એનું સમાધાન ચોક્કસ આપવા પ્રયત્ન કરીશું.

સવાલ: હું એક ડોક્ટર છું. છેલ્લા બે વરસમાં લોકોએ અમને ખુબ સન્માન આપ્યું. અમે પણ ખુબ મહેનત કરી. હવે નવું ઘર બનાવવું છે. તો એમાં શું ધ્યાન રાખવું જોઈએ? ત્રણ માળનું મકાન બનાવી શકાય? અમે એક આર્કિટેકટ પણ રાખવા માંગીએ છીએ. તો એની સાથે શું વાત કરવી પડે? એ ફી માંગે ખરા?

જવાબ: આપે સારું કામ કર્યું એટલે આપને સન્માન મળ્યું. સાચે જ અમુક લોકોએ કોરોના સમયમાં અદ્ભુત કામ કર્યું છે. આપને ઘર બનાવવું છે તો સર્વ પ્રથમતો પ્લોટ ખરીદવો પડશે. વળી આપણે કેવું ઘર જોઈએ છે, ઘરના દરેક મેમ્બરની ઉંમર, ટેસ્ટ, કામ કરવાની શૈલી એ બધું જ પેપર પર લખી લેવું જોઈએ. આપનું ઘર આપને પોતાનું, કમ્ફર્ટેબલ લાગવું જોઈએ. ઘરમાં હાશ થાઉં એ જરૂરી છે.  મકાન ગમે તેટલા માળનું બનાવો એના માટેના નિયમો મળી જ રહેશે. વાસ્તુના પરિપેક્ષમાં વિચારીએ તો ઘરની જમીનની ઉર્જાથી શરુ કરી અને ઘરના દરેક કાર્યમાં આપને એની જરૂર પડી શકે. આર્કિટેકટને તમારી જરૂરિયાતો સમજાવવી પડશે. સીનીયર માણસ હશે તો સમજી શકશે. અને હા, ફી તો આપવી જ પડે. એ પણ પોતાનું શ્રેષ્ઠ આપશે ને? ખુબ ખુબ શુભકામનાઓ.

સવાલ: તમે બહુ સૌમ્ય લાગો છો. તમે આર્કિટેકટ પણ છો અને વાસ્તુના નિષ્ણાંત પણ છો. આવું ભાગ્યે જ જોવા મળે છે. તમે વાસ્તુ અને આર્કિટેક્ચરનો અદ્ભુત સમન્વય કરી શકો છો. તમે એ કરો તો સમાજ માટે બહુ સારું થશે.

જવાબ: આપનું સુચન ગમ્યું. આપની વાત સાચી છે. જો એકજ વ્યક્તિ આ બંને કામ કરે તો વાસ્તુ વિષયની વાત આવે તો પણ આર્કિટેક્ટ ગભરાઈ જાય એવી સ્થિતિ ન થાય. કારણ કે ઘરમાં ઉર્જાની સાથે સાથે કમ્ફર્ટ, દેખાવ અને જરૂરિયાત આધારિત ડીઝાઇન આ બધું જ જરૂરી હોય છે. હું વરસોથી આ કરું જ છું. અને મારા ક્લાયન્ટને સુખી અને રાજી થતાં જોયા છે. બે અલગ વિચારધારાના બદલે એકજ વ્યક્તિ હોય એ કોઈને પણ ગમે જ. જમીનની ઉર્જાથી લઈને ઘરના ઇન્ટીરીયર અને લેન્ડસ્કેપમાં વાસ્તુ પ્રમાણે કામ થાય એવું બુદ્ધિજીવી લોકો પસંદ કરે છે. વળી મારા આર્ટના જ્ઞાન અને અનુભવના લીધે પ્રોજેક્ટ ખુબ સુંદર બને છે જેમાં સુખની અનુભૂતિ પણ થાય એ સ્વાભાવિક છે.

સુચન: વાસ્તુમાં ગણિત, વિજ્ઞાન, હવામાન શાસ્ત્ર, મનોવિજ્ઞાન, સમજવિજ્ઞાન જેવા ઘણા વિષયોનો સમન્વય છે. તેથી જ વાસ્તુને સંપૂર્ણપણે સમજવું જરૂરી છે.

(આપના સવાલો પૂછવા માટે ઈ મેઈલ કરો…vastunirmaan@gmail.com)