જયારે આકાશમાં કોઈ સુંદર દ્રશ્ય રચાય કે કોઈ એક જ તારો ઝગમગવા લાગે ત્યારે કોઈ ઈશ્વરીય અંશ પૃથ્વી પર અવતરે છે. આપણે ઘણીય એવી વાતો સાંભળી છે કે ઈશ્વરનો અંશ જયારે પૃથ્વી પર અવતરે છે ત્યારે ગ્રહો અને નક્ષત્રો તેમની શુભ સ્થિતિમાં ગોઠવાઈ જાય છે. જ્યોતિષમાં જે બ્રહ્માંડમાં છે તે જ પૃથ્વી પર છે તે સત્ય સ્વીકારીને શાસ્ત્રની રચના કરવામાં આવી છે.
પરાશર હોરા શાસ્ત્ર મૈત્રેય અને પરાશર મુનિ વચ્ચેનો સંવાદ છે. જયારે મૈત્રેય મુનિ મહર્ષિ પરાશરને પ્રશ્ન કરે છે કે ‘પરમાત્મા વિષ્ણુના અવતાર શું જીવાંશ યુક્ત છે?’ ત્યારે મહર્ષિ પરાશર તેમને જણાવે છે કે રામ, કૃષ્ણ વગેરે અવતારો પરમાત્માના અંશ યુક્ત પૂર્ણ અવતારો છે, ભગવાન શ્રી કૃષ્ણએ પૂર્ણઅવતાર છે. ભગવાન વિષ્ણુ તો અજન્મા છે અને જગતનું પાલન કરે છે. પરંતુ તેમના નવ અવતારો જે મુખ્ય છે તેમાં ગ્રહોના અંશ પણ મુખ્ય છે. આ વાતને બીજી રીતે વિચારીએ તો ભગવાન વિષ્ણુએ પોતાના અંશોનો વિસ્તાર ગ્રહો સ્વરૂપે કર્યો હોય તે પણ સત્ય સ્વીકારી શકાય. ભગવાન વિષ્ણુની લીલાને કોણ જાણી શક્યું છે? મહર્ષિ પરાશર મૈત્રેયમુનિને નવ ગ્રહો થકી નવ અવતારની વાત કહે છે. મહર્ષિ પરાશર જણાવે છે કે સૂર્યથી રામ અવતાર થયો છે, તો ચંદ્રથી કૃષ્ણાવતાર થયો છે. સહજ છે કે રામ રઘુકુલમાં જન્મ્યા હતા અને સૂર્યવંશી રાજા હતા. તેઓનો જન્મ અવતાર સૂર્ય ગ્રહને અનુરૂપ છે. ભગવાન શ્રીકૃષ્ણ યદુવંશી હતા, જે ચંદ્રગ્રહનો વંશ હતો. ભગવાન શ્રીકૃષ્ણ પોતે શ્યામસુંદર અને રાસબિહારી હતા. રોહિણી નક્ષત્ર જે ચંદ્રનું પ્રિય નક્ષત્ર છે તેમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ છે, આમ ભગવાન શ્રીકૃષ્ણનો અવતાર ચંદ્રથી સંબંધિત જણાવ્યો છે.
મંગળ ગ્રહ તમોગુણ પ્રધાન અને લડાયક મિજાજી ગ્રહ છે. મંગળમાં ક્રોધની પ્રધાનતા છે. નરસિંહ અવતારમાં ભગવાનનું ક્રોધિત સ્વરૂપ જોઈ શકાય છે. નરસિંહ અવતારએ મંગળ ગ્રહને અનુરૂપ અવતાર માનવામાં આવ્યો છે. બુધએ તર્ક અને બુદ્ધિને રજુ કરતો ગ્રહ છે. ભાવનાઓ અને લાગણીઓ, બુધ ગ્રહનો વિષય નથી. મહાત્મા બુદ્ધે આધ્યાત્મને તર્ક સાથે અને બુદ્ધિ સાથે રજુ કર્યું હતું. તેમણે મનુષ્યને મનની નબળાઈ અને ખોટા વિચારોથી બચવા માટે માર્ગ ચીંધ્યો હતો. ભગવાન બુદ્ધે ઘણી બધી ધાર્મિક ગેરમાન્યતાઓ જે તર્ક સંગત નહોતી તેને ત્યાગવાનો નિર્દેશ કર્યો હતો. આ બધા ગુણ બુધ ગ્રહને મળતા આવે છે. માટે બુદ્ધ ભગવાનનો અવતાર એ બુધ ગ્રહને અનુરૂપ માનવામાં આવ્યો છે.
ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન વામન ખુબ જ્ઞાની બટુક બ્રાહ્મણના સ્વરૂપે બલિરાજા સમક્ષ આવે છે. ભગવાન વામનએ ખુબ જ્ઞાની હોઈ, બલિરાજાએ તેમનો આદર સત્કાર કર્યો અને તેમને પોતાનું સર્વસ્વ આપવાની સંમતિ દર્શાવી. ભગવાન વામનને ગુરુ ગ્રહને અનુરૂપ માનવામાં આવ્યા છે. ગુરુ ગ્રહથી વામન અવતાર થયો છે, બીજા અર્થમાં ગુરુગ્રહમાં વામન અવતારનો અંશ છે. શુક્ર ગ્રહ સૂર્યનો દુશ્મન ગ્રહ છે, શુક્રને સૂર્ય સાથે ઓછું બને છે. ભગવાન પરશુરામને શુક્ર ગ્રહના અવતાર ગણાવાયા છે. સમુદ્રમંથન સમયે ભગવાન વિષ્ણુએ કાચબાનું સ્વરૂપ લઈને મંદરાચલ પર્વતને પોતાની પીઠ પર લીધો હતો. કુર્મ અવતાર તરીકે પ્રસિદ્ધ આ અવતાર શનિ ગ્રહને અનુરૂપ માનવમાં આવ્યો છે.
જયારે હિરણ્યાક્ષ પૃથ્વીને બ્રહ્માંડમાં નીચે ખેંચી ગયો ત્યારે ભગવાને વરહ અવતાર લઈને પૃથ્વીને ફરી તેની કક્ષામાં સ્થિર કરી હતી. ભગવાનનો વરાહ અવતાર રાહુને અનુરૂપ ગણાવાયો છે, રાહુમાં વરાહના અંશ છે. મહર્ષિ પરાશર વરાહ પ્રાણી જેવા અવતારને રાહુગ્રહ સાથે સરખાવે છે. કલ્પને અંતે સપ્તઋષિઓને અને સૃષ્ટિના અનેક જીવોને બચાવવા ભગવાન વિષ્ણુએ મત્સ્ય અવતાર લીધો હતો, આ અવતારને મહર્ષિ પરાશર કેતુગ્રહને અનુરૂપ અવતાર કહે છે. આમ નવે ગ્રહોના અંશનો વિસ્તાર થયો છે, તેમ પરાશર હોરા શાસ્ત્રમાં કહ્યું છે. ભગવાન વિષ્ણુના અન્ય અવતારોમાં જીવાંશ અને પરમાત્માંશ બંનેનો સમન્વય પણ જોવા મળ્યો છે. પ્રાણીમાત્રના કર્મો અનુસાર ફલ આપતા આ ગ્રહો પરમાત્માના અંશોનો જ વિસ્તાર છે. નવગ્રહોમાં ભગવાનના નવ અવતારોના અંશ છે.