વાસ્તુ: કોઈ વ્યક્તિ વારંવાર છેતરી જાય તો શું કરવું?

એક યુવાને મને પૂછ્યું હતું કે રાવણ જો ખરાબ હતો તો એ આખી જિંદગી મજાથી રહ્યો. સોનાની લંકા પર રાજ કર્યું. અને રામ સારા હતા પણ એમના સિદ્ધાંતોને સાચવવા એ આખી જિંદગી વનમાં રહ્યા. સીતાજીનો વિરહ સહ્યો. માની લઈએ કે રાવણનો વધ થયો. તો કોઈનું પણ મૃત્યુ તો નિશ્ચિત જ હોય છે. આ સવાલ માર્મિક હતો. વળી યુવાનો આવું વિચારે છે એ ચિંતાનો પણ વિષય ગણાય. પણ આવા વિચારો કરતી વખતે આપણે ભારતીય વિચારધારામાંથી બહાર આવી જઈએ છીએ. સચિત કર્મની વાત ભૂલી જવાય છે. એક પશ્ચિમી વિચારધારા જે કહે છે કે બધું આ જન્મમાં જ થઇ જાય છે એનાથી પ્રભાવિત થઇ અને લોકો જીવતા દેખાય છે ત્યારે અમુક લોકો માટે વિચાર પનાવે કે આમનો હવે પછીનો જન્મ કેવો હશે?

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: મારી એક મિત્ર આપને ખુબ માને છે. મને આપના વિશે જે કાઈ માહિતી છે એ એણે જ મને આપી છે. આપને મારો સવાલ અલગ લાગી શકે. પણ મારી પેઢીના ઘણા બધાને આવું થતું હશે. મારી એક મિત્ર એક એફ બી પેજને ફોલો કરતી હતી. એમાં ઘણા બધાના નામ એસ્ટ્રો થી શરુ થતા હતા. મને નવાઈ લાગી. મારી મિત્રે સમજાવ્યું કે એ એસ્ટ્રો છે. આ અંગ્રેજી ભાષા પણ ખરી છે નહી? એ પેજમાં એક જગ્યાએ ગુરુ લખ્યું હતું અને નીચે નંબર આપ્યો હતો.  અને એમની પોસ્ટ પણ સહુથી વધારે હતી. મેં એ નબર પર ફોન કર્યો એટલે એમણે વાત કરવા માટે ચાર હજાર રૂપિયા માંગ્યા. ઉત્સુકતા પોષવા માટે મેં પૈસા ટ્રાન્સફર કર્યા. નવાઈની વાત એ બની કે એ કોઈ અલગ નામ વાળી છોકરીના અકાઉન્ટમાં ગયા. પછી મેં વારંવાર ફોન કર્યા. કોઈ જવાબ ન મળ્યો. મેં મેસેજ કર્યા. એ વંચાય ખરા પણ જવાબ ન આવે. મેં થોડા ધમકીના સૂરમાં મેસેજ કર્યો એટલે જવાબ આવ્યો કે કાલે વાત કરીએ. અંતે અમારી વાત થઇ. એને કહ્યુંકે એ એની ગર્લફ્રેન્ડ સાથે પાર્ટીમાં હતો. મને ખાસ કોઈ મજા ન આવી. એ માણસ પોતેજ બોલ્યા કરતો હતો. મારી વાત તો સાંભળી જ નહિ. પછી મને કહ્યું કે હું બધું લખીને મોકલી આપું છું. મેં એની પાસેથી ચાલીસેક હજારની વસ્તુઓ પણ લીધી. મને અચાનક ગુસ્સો આવવા લાગ્યો. ખરાબ સપના આવવા લાગ્યા. મેં એને મેસેજ કર્યો એટલે એણે ફરી વાત કરવાની ફી માંગી. મેં જમા કરાવ્યા પછી ફરી લાંબા સમયે વાત થઇ. એણે માત્ર કહ્યું કે મેં કાઈ કોઈનું ખૂન કરવાનું કે બલી ચડાવવાનું તો નથી જ કહ્યું ને? બંધ કરી દો બધું. મને ખુબ ગુસ્સો આવ્યો. મેં જે પૈસા ભર્યા હતા એ એકાઉન્ટ દિલ્હીનું હતું. મેં એને કહ્યું કે મારે દિલ્હી આવવાનું છે એટલે મારે તને મળવું છે.

હું દિલ્હી ગઈ. એ મને મળવા આવ્યો. માત્ર પચીસ વરસનો દેખાવડો છોકરો. એણે આવીને મને આલિંગન આપ્યું અને હું ભૂલી ગઈ કે હું મારા પૈસા પાછા લેવા આવી હતી. એ ક્યાં સુધી મારો હાથ પકડીને બેસી રહ્યો. અને પછી મારો ઉપયોગ કરીને મને બ્લોક કરી દીધી. હું પેલા ગ્રુપમાં પછી ગઈ અને એની ફરિયાદ કરી. અંતે ખબર પડી કે એના જેવા બધાજ આ ગ્રુપના એડમીન હતા. મારું ખુબ અપમાન થયું. શું ગુરુ આવા હોય? મારા પૈસા પણ ગયા અને આબરૂ પણ. શું કરું કશુક સમજાવો. કોઈ ચમત્કાર બતાવો જે એનો નાશ કરી શકે.

જવાબ: મને આપની સાથે સહાનુભુતિ છે. જે થયું તે આઘાતજનક જ છે. આપ મને નથી ઓળખતા તો પણ પ્રણામ ગુરુજી લખ્યું છે. મેં એમના પેજની પોસ્ટ જોઈ. એ તો પુસ્તકિયું જ્ઞાન છે. કોઈ પોતાની જાતને ગુરુ કહે અને તમે પ્રભાવિત થઇ જાવ એમાં એનો પણ વાંક નથી. ઝેરના પારખા ન હોય. તમે એ કર્યા. આમ કોઈ અજાણ્યો માણસ હાથ પકડીને બેસી જાય અને તમે કશું ન કરો એ વાત પણ સમજમાં ન આવી. વળી તમે તો એની પ્રકૃતિ જાણતા હતા. એ માણસ તો ખરાબ છે જ. એ તમને મળવા શોર્ટ્સ અને કટ આઉટ પહેરીને આવ્યો ત્યારે પણ તમને નવાઈ ન લાગી? એ ખરાબ જ છે. પણ તમે પણ એને સાથ તો આપ્યો જ ને? જે માણસ પહેલા દિવસથી જ તમને છેતરતો હોય એના પર તમે કેટલી બધી વખત ભરોસો કર્યો?

એ તમને વારંવાર છેતરી ગયો એ જ ચમત્કાર છે. ઈશ્વર સાચી સમજણ આપે છે. સારા સંજોગો આપે છે. વ્યક્તિ પોતે જાણવા છતાં ખોટા નિર્ણય લે એમાં એનો પણ શું વાંક? એ માણસનો નંબર ડીલીટ કરી નાખો. અથવા હિંમત હોય તો પોલીસ ફરિયાદ કરો. ગાયત્રી મંત્ર કરો. એ તમને માનસિક રીતે મજબુત થવામાં મદદ કરશે.

સુચન: ગુરુ લખવાથી કોઈ ગુરુ નથી બની જતું. જે વ્યક્તિ પોતાનું નામ છુપાવે છે. તેના પર ભરોસો કરતા પહેલા વિચારવું જરૂરી છે.

(આપના સવાલ મોકલી આપો Email: vastunirmaan@gmail.com)