શિવલિંગ પર અભિષેક ન કરીએ તો નુકશાન થાય ખરું?

શિવની પૂજા શા માટે કરવી જોઈએ? આ એક સવાલના અનેક જવાબ હોઈ શકે. શિવની પૂજા એટલે સ્વની સમજણ એવું કહી શકાય. શિવ પુરાણના અનુસાર શિવ એક અગ્નીસ્તંભ છે. એક દિવસ એનું વિસ્તરણ થતા થતા એક પ્રચંડ ધડાકા સાથે એના થકી સમગ્ર બ્રહ્માંડની રચના થઇ. આ વાત અન્ય કોઈ જગ્યાએ પણ સાંભળી હોય એવું લાગે છે ને? હજારો વરસ બાદ એ અન્ય કોઈ દેશમાંથી આવી અને આપણે એને સ્વીકારી લીધી. પણ જગતના કણ કણમાં શિવ છે એ વાતનો આધાર આપણે સમજ્યા જ નથી. શિવ એ જ પરમાત્મા અને આપણે સહુ એના અંશ છીએ. જયારે આપણે શિવને પૂજીએ છીએ ત્યારે આપણી પોતાની જ ચેતનાને જાગૃત કરવાનું કાર્ય કરીએ છીએ. અન્ય સહુની ઉત્પતિ વિષે ક્યાંક ને ક્યાંક માહિતી છે પણ શિવ માટે નથી. એ આદ્ય દેવ છે, મહાદેવ છે.

આજે પણ કેટલાક વાચકોના વિવિધ સવાલોની આપણે ચર્ચા કરીએ. જો આપના મનમાં પણ કોઈ સંશય, દ્વિધા કે સવાલ હોય જે વાસ્તુનીયમો સાથે જોડાયેલા હોય તો આપ પણ અંતમાં જણાવેલા ઈ મેઈલ પર પૂછી શકો છો. આ વિભાગ આપનો જ છે.

સવાલ: શિવલિંગ પર અભિષેક કરવાથી જો ફાયદો થાય એવું આપણા શાસ્ત્રો કહે છે તો એનું કારણ શું હોઈ શકે? અભિષેક ન કરીએ તો નુકશાન થાય ખરું?

જવાબ:  ભારતીય શાસ્ત્રોને મૂળ સ્વરૂપે સમજવામાં આવે તો એમાં ક્યાંક ને ક્યાંક વિજ્ઞાન દેખાય જ છે. જયારે અનેક વાતોને માત્ર શ્રદ્ધા સાથે જોડીને રજુ કરવામાં આવે ત્યારે સાચી વાત પર પણ શંકા જાગે. લિંગ એટલે સ્તંભ, ધરી, આધાર. વ્યક્તિ જયારે અભિષેક કરે છે ત્યારે જે તે દ્રવ્ય શિવલિંગ પર પસાર થઇ અને એના થાળામાં આવે છે અને એક ધાર સ્વરૂપે એ બહાર આવે છે. આ પ્રક્રિયાનો કુદરતના નિયમોનો આધાર છે. જે તે દ્રવ્યની ઉર્જાના આધારે તેને સંલગ્ન ઉર્જાની પ્રતીતિ થાય છે. કોઈ પણ કાર્ય ન કરવાથી એની અસર ન થાય પણ એના કારણે ખરાબ થઇ જાય એવું ન બને. ભારતના નિયમો માનવ જાતિને મદદ કરવા માટે છે. રંજાડવા માટે નહિ.

 

સવાલ:  હું ખુબ સંપન્ન પરિવારમાંથી છું. સામાન્ય રીતે હું કોઈને મળતી નથી. મારા ઘરે કોઈને આવવાની છુટ નથી. સ્કુલમાં પણ મારી સાથે કોઈ આવે એવી વ્યવસ્થા હોવાના કારણે મારે કોઈ મિત્ર નથી થતા. એક સામાન્ય પરિવારની વ્યક્તિથી હું પ્રભાવિત થઇ છુ. પણ એ મારાથી ગભરાય છે. એ વ્યક્તિ મારી સાથે વાત પણ નથી કરતી. શું કરવું જોઈએ?

જવાબ: બહેનશ્રી. તમને કોઈ મિત્રની જરૂર છે. જે બધાને હોય. બધા જ મિત્રો જીવન સાથી ન બની શકે. તમને કોઈ ગમે છે એને પહેલા તો મિત્રની નજરે જુઓ. કોઈની સાથે જીવનભર રહેવા માટે એ વ્યક્તિને પૂરેપૂરી સમજવી પડે. બની શકે કે સામે વાળી વ્યક્તિને તમારી લાઈફસ્ટાઈલથી ડર લાગતો હોય. બની શકે કે એ વ્યક્તિને એવું લાગતું હોય કે એ તમારે લાયક નથી અથવાતો તમારા ખર્ચા એને નહિ પોષાય. જોકે એની ચિંતા હોય તો સાચી જ ગણાય. માત્ર લાગણીઓથી પણ ઘર ચાલતું નથી. પણ હા, તમે એને મિત્ર બનાવી અને એને સમજી શકો. અગત્યની વાત. તમે પહેલી વખત કોઈને મિત્ર બનાવો છો તેથી અચાનક ખુલી જવું પણ યોગ્ય નહિ ગણાય. તમે શિવલિંગ પર પાણી, દૂધ, પંચામૃતથી અભિષેક કરો અને ઘરમાં ગુગળનો ધૂપ કરો. તમને સાચી દિશાનું સુચન મળશે.

આજનું સુચન:  દરવાજા પાસે વહેતું પાણી ન રખાય.

(આપના સવાલો પૂછવા માટે ઈ મેઈલ કરો…vastunirmaan@gmail.com)

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]