શું સત્યનું બ્રાન્ડીંગ થઇ શકે? શું સાત્વિકતાનું બ્રાન્ડીંગ થઇ શકે? શું કુદરતનું બ્રાન્ડીંગ થઇ શકે? શું સંસ્કૃતિનું બ્રાન્ડીંગ થઇ શકે? અત્યારના પરિપેક્ષમાં વિચારીએ તો કેટલાક લોકો જવાબમાં હા કહે. પણ જે સનાતન છે એ બ્રાન્ડીંગ વિના પણ ચાલે જ છે. જ્યાં માર્કેટિંગ માટે મહેનત કરવી પડે અને સતત બ્રાન્ડીંગ કરતા રહેવું પડે ત્યાં વિચારવા જેવું કૈક તો હોય જ. અન્યને મોક્ષની લાલચ આપનારા પોતે ખાતરી પૂર્વક કહી શકશે કે એમને મોક્ષ મળશે જ? માણસનો મૂળભૂત સ્વભાવ કશુક વધારે મેળવી લેવાવાળો છે. અને તેથી જ કેટલાક લોકો ભગવાનનો દરજ્જો પામી અન્યનો લાભ લઇ શકે છે. ઈશ્વર તત્વ છે. એને વળી માનવ પાસેથી અપેક્ષા શું હોય? જે સમગ્ર બ્રહ્માંડનો આધાર છે એને વળી લાલચ શાની હોય?
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલ ઈમેઈલ પર પૂછી શકો છો.
સવાલ: માણસો પાસે જે છે એમાં એ સુખી નથી. વળી સાધુને ભૌતિકતામાં રસ ન હોય એ વાત પણ વિસરાતી જાય છે. એક માણસ વાર્તા ચલાવે એટલે ભીડ જામે. પછી એ ભીડ જે બાજુ ભાગે એ બાજુ વધારે ભીડ થતી જાય. અને અંતે એ ભાગતી ભીડમાં કેટલાકનો ભોગ લેવાય જાય. આવો એક અનુભવ અમને પણ થયો. અમે મિત્રો બેગ થઇ અને એક ખુબ જાણીતા આશ્રમની એડવર્ટાઈઝ જોઈ અને યોગ શિબિરમાં ગયા. ન રહેવાની કોઈ વ્યવસ્થા, ન સરખું ખાવાનું. માણસોનો સ્વભાવ એટલો વિચિત્ર કે મન શાંત થવાના બદલે ગુસ્સો આવે. એ લોકો શિખવાડવાના બદલે મજાક કરે. ફી લઇ લીધા પછી એમને અમારી કોઈ પડી જ નહતી. ગુરુજી તો હાજર પણ નહતા. અમે ત્યાં પહોંચ્યા એટલે તરત જ એમના ગુરુ વિષે સારી સારી વાતો કરીને અમારી વિડીઓ બનાવી લીધી. હવે અમે કશું સાચું કહીએ પણ કોને? અમારા પૈસા પડી ગયા. શું આશ્રમમાં આવું ચાલે ખરું? અમારા મહેનતના પૈસા પડી ગયા એનું કાઈ નહિ?
જવાબ: ગાડરિયો પ્રવાહ દિશાહીન હોય છે. આજકાલ કેટલા સ્ટાર મળ્યા છે. કેવા રીવ્યુ છે એ બધું જ ઓનલાઈન જોવાય છે. માણસો માણસોને પૂછતા જ નથી. તમે જે વિડીયો બનાવી એ અન્ય માટે રીવ્યુ હશે. બધા સારું બોલશે તો સાચું કોણ કહેશે? તમારો સાચો અનુભવ અન્યને કહો. જેથી અન્ય આવી જગ્યાએ ન જાય. હા, દરેકના અનુભવ એક સમાન ન હોય. પણ તમારો અનુભવ અલગ છે. એ વાત અન્યને ખબર પડવી જોઈએ. ભૂલને માફ કરવી જ જોઈએ. પણ આશ્રમમાં આવું થાય એ યોગ્ય ન કહેવાય. મારી દ્રષ્ટીએ તો જો પૈસાનો આટલો મોટો વહીવટ ચાલતો હોય તો એને આશ્રમ થોડો કહેવાય? ઈશ્વરને પામવા સત્કર્મ કરો. આવા લેભાગુ લોકોમાં ન પડો. જે પોતે ભૌતિકતાથી ભરેલા છે એ તમારું શું ભલું કરશે? જાગ્યા ત્યારથી સવાર. એવું માનીને મન શાંત કરી દો. મનની શાંતિ માટે શિવ પૂજા મદદરૂપ થશે. જાતે પણ પ્રાણાયામ કરી શકાય. એ કરો.
સુચન: ઓમ નમ: શિવાયનો યોગ્ય ઉચ્ચારણ સાથેનો જાપ મનને શાંત કરી શકે છે.
(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)