જ્યોતિષશાસ્ત્રમાં મૂળ વૈદિક જ્યોતિષમાં નૈસર્ગિક શુભ અને અશુભ ગ્રહોને મહત્વના ગણ્યાં છે. પરંતુ વૈદિક જ્યોતિષની પરાશરીય જ્યોતિષ શાખા ગ્રહોના ભાવાધિપત્યને વિશેષ મહત્વ આપે છે. શુભ ગ્રહ ગુરુ પણ અશુભ ભાવોનો માલિક બનીને અશુભ ફળ આપી શકે છે. નક્ષત્ર પદ્ધતિ ગ્રહોના નક્ષત્ર અધિપતિને જ મહત્વનો ગ્રહ ગણે છે. અહી પરાશરીય પદ્ધતિના કેટલાક નિયમો અને અનુભવો આપેલાં છે, જ્યોતિષના અભ્યાસુઓને આ નિયમો ખૂબ જ મદદરૂપ થશે.
આપણે બધાને અનુભવ હશે કે કર્ક અને સિંહ લગ્નમાં શનિ ગ્રહ અચૂક રીતે ખરાબ ફળ આપે જ છે. આમ કેમ? આપણે જાણીએ છીએ કે અશુભ સ્થાનનો સ્વામી (૬,૮,૧૨) અને મારક, બાધક ગ્રહ જીવનમાં દુઃખ અને તકલીફો સર્જે છે. આદ્ય આચાર્યોએ આ પોતાની રચનાઓમાં કહેલું છે. પરંતુ જો ગુરુ અશુભ સ્થાનનો સ્વામી બને તો અને મંગળ અશુભ સ્થાનનો સ્વામી બને તો શું સરખાં ફળ આપશે? નૈસર્ગિક પાપ ગ્રહ જયારે અશુભ સ્થાનનો સ્વામી બને છે ત્યારે તે પોતાનું અશુભ ફળ તીવ્રતાથી આપે છે. માટે જ સિંહ અને કર્ક લગ્નમાં શનિ અશુભ સ્થાનનો સ્વામી ગ્રહ બનતો હોવાથી પોતાનું અશુભ ફળ તીવ્રતાથી આપે છે. જો પાપ ગ્રહ અશુભ સ્થાનનો સ્વામી બને તો યાદ રાખશો કે તેનું અશુભ ફળ અનેકગણું તીવ્ર હશે.
કોઈ પણ જન્મકુંડળીનો અભ્યાસ કરો ત્યારે જન્મકુંડળીનો સૌથી મહત્વનો ગ્રહ લગ્નેશ છે, તેને ધ્યાનમાં લઈને ભવિષ્ય જાણવાનો પ્રયત્ન કરવો. લગ્નેશ એ જાતકને પોતાને રજૂ કરતો ગ્રહ છે, તે બળવાન હોવો જ જોઈએ. લગ્નેશની સ્થિતિ એ જન્મકુંડળીનું માપ છે. જન્મકુંડળીની શુભતા માટે લગ્નેશ ૬,૮,૧૨ અને બાધક સ્થાનના સ્વામી સાથે દ્રષ્ટ કે યુત ન હોવો જોઈએ. જો લગ્નેશ કોણના સ્થાનોમાં અને કેન્દ્રમાં હોય અને અશુભ ગ્રહોથી મુક્ત હોય તો જન્મકુંડળી ઉત્તમ ગણાશે. લગ્નેશ કોણ કે લગ્નમાં હોય તો પૂછવું જ શું? જાતકને જીવન દરમિયાન મુશ્કેલીઓ ઓછી નડે છે, જીવન સરળતાથી સુખી વીતે છે. એથી ઉલટું જો જન્મકુંડળીમાં બળવાન ગ્રહો પડ્યાં હોય પણ લગ્નેશ ગ્રહ, ૬,૮, કે ૧૨માં સ્થાને હોય અને પાપગ્રહથી દ્રષ્ટ હોય તો જાતક ભલે ધનિક ઘરમાં જન્મ્યો હોય તે પોતાના જીવનમાં નિરાશા અને પડતી ભોગવે જ છે. ટૂંકમાં લગ્નેશ એ કુંડળીની શુભતાનું માપ છે. લગ્નેશ બળવાન તો બીજા યોગો પણ ઉત્તમ બનશે.
અનુભવે જણાયું છે કે સરળ લાગતી જન્મકુંડળીમાં અનેક ગ્રહો શુભ હોય તો પણ પરિણામ શૂન્ય હોય છે. નૈસર્ગિક શુભ ગ્રહ બળવાન હોય પરંતુ ૬,૮,૧૨ નો માલિક કે કેન્દ્રનો માલિક હોય તો તે અશુભ ગ્રહની જેમ જ વર્તે છે. ગ્રહના કારકત્વ કરતાં તેનું ભાવ આધિપત્ય મહત્વનું જણાયું છે. મિથુન અને કન્યા લગ્નની કુંડળીમાં ગુરુ બળવાન હોય તો પણ અશુભ ફળ આપે છે. જો શુક્ર, ગુરુ, બુધ, ચંદ્ર કેન્દ્રના માલિક બનતા હોય અને કેન્દ્રમાં હોય તો તેઓ અશુભ ફળ આપ્યા વિના રહેતાં નથી. નૈસર્ગિક શુભ ગ્રહ શુક્ર, ગુરુ, બુધ, ચંદ્ર કેન્દ્રના માલિક બનતા હોય તો તેઓ કોણ ભાવમાં ઉત્તમ ફળ આપે છે, કેન્દ્રમાં નહીં. એથી ઉલટું કોણનો સ્વામી જો કેન્દ્રમાં હોય તો ઉત્તમ.કોઈ એક જ ગ્રહ કેટલીક બાબતો માટે શુભ અને કેટલીક બાબતો માટે અશુભ હોઈ શકે છે. એક જ ગ્રહ કાયમ બધી બાબતોમાં અશુભ બનતો નથી. જેમ કે, અષ્ટમ સ્થાન આયુષ્યનું સ્થાન છે, અષ્ટમ ભાવનો સ્વામીગ્રહ આયુષ્ય માટે તથા વારસાગત બાબતે મહત્વનો છે. જો તે બળવાન હોય તો જાતકને ઉત્તમ આયુષ્ય મળે છે. પરંતુ અષ્ટમ ભાવ એ તકલીફ, ઝગડા અને નુકસાન પણ દર્શાવે છે માટે તે ભાવનો માલિક જો બળવાન બનીને કેન્દ્રમાં હોય તો જાતકને આર્થિક જીવનમાં મુસીબત પણ મળે છે.
કોઈ પણ જન્મકુંડળીમાં બાધકભાવનો સ્વામી જાતકને ખૂબ જ તકલીફો આપે છે. ચર લગ્નમાં લાભ ભાવ, સ્થિર લગ્નમાં નવં ભાવ અને દ્વિસ્વભાવ લગ્નમાં સપ્તમ સ્થાનનો સ્વામીગ્રહ બાધક ગ્રહ બને છે. બાધક ગ્રહ જન્મકુંડળીમાં જે ભાવમાં હોય તે ભાવને લગતી બાબતોમાં પોતાના કારકત્વ પ્રમાણે તકલીફ આપે જ છે. બાધક ગ્રહ સૂર્ય બનતો હોય તો પિતા, સરકાર કે પોતાના ઉપરી અધિકારીથી તકલીફ આપે છે. શુક્ર બનતો હોય તો વાહન, વિજાતીય પાત્ર અને મોજશોખના લીધે તકલીફો સર્જે છે. બાધક ગ્રહ બુધ બનતો હોય અને બીજા ભાવે હોય તો કુટુંબમાં વાણી વ્યવહારને લીધે તકલીફો આપે છે. આમ કારકત્વ અને ભાવ બંનેને ધ્યાનમાં લઈને બાધકગ્રહ દ્વારા જાતકના જીવનની તકલીફનું ભવિષ્ય દર્શન થઇ શકે. બાધક ગ્રહ માત્ર કોણના સ્થાનોમાં તકલીફ આપી શકતો નથી.
જન્મકુંડળી ઉત્તમ હોય પરંતુ જો જીવનના મધ્યે અશુભ ગ્રહોની દશાઓ આવે તો સુંદર કુંડળી પણ અશુભ જ બનીને રહે છે. મહત્વના સમયે શુભ ગ્રહોની દશાઓ આવે તો જીવનમાં સરળતાથી ચડતી થાય છે. એકથી વધુ દશાનું સંકલન કરીને ઘણા જ્યોતિષીઓ ભવિષ્યવાણી કરતાં હોય છે. વિશોત્તરી, અષ્ટોત્તરી અને યોગિની દશાઓને સાંકળીને પણ ભવિષ્યવાણી કરી શકાય છે, તેવું અનુભવી જ્યોતિષીઓનું કહેવું છે. યોગિની દશાઓ સાથે વિશોત્તરી દશાઓ સાંકળીને જો એક જ સમયે બંનેમાં ખરાબ દશાઓ ચાલતી હોય તો સમય ઘણો જ અશુભ વીતે છે.
વિચારપુષ્પ: “અવલોકન એ સૌથી ઉત્તમ કળા છે.”