સમગ્ર બ્રહ્માંડના પાંચ તત્વો કયા છે?

પત્થરમાં ઈશ્વરને શોધતા શોધતા ક્યાંક માણસ પત્થર તો નથી બની રહ્યો? એવા સવાલો ઉઠે ત્યારે માણસની ભૌતિકતા તરફની દોટ તરફ નજર નાખવાનું મન થાય. ભારતમાં સહુથી પહેલાં તો નિરાકારની પૂજા થતી. કુદરતના તત્વોની પૂજા થતી. સૂર્ય, પવન, નદી વગેરે જે જીવની શક્તિ સાથે જોડાયેલા છે તેમને દેવ માનવામાં આવતા. શિવ અને શક્તિની પૂજા થતી. આદ્ય દેવની આરાધના થતી. ધીમે ધીમે માણસની જીજીવીશાઓ વધતી ગઈ અને તે કુદરતથી વિમુખ થવા લાગ્યો. તેના મનમાં સમગ્ર વિશ્વના ઉપભોક્તા બનવાના સપના ફૂટ્યા. જેમ જેમ તે ભાગતો ગયો તેનો ડર પણ મોટો થતો ગયો. મશીનો સાથે કામ કરતા કરતા તે પોતે મશીન નથી તેની સાબિતી એક મશીનને આપવા સુધીનો પાંગળો બની ગયો અને ધર્મથી વિમુખ થતો ગયો. જયારે અંતર શુદ્ધ ન હોય ત્યારે ઈશ્વરની પ્રતીતિ ક્યાંથી થાય? આજે કેટલાક વાચકોના વાસ્તુ અંગેના પ્રશ્નો જોઈએ. આપના મનમાં પણ કોઈ સવાલ ઉદ્ભવે તો આપ પૂછી શકો છો.

સવાલઃ શ્રીમાન ગુરુજી. આપના અભ્યાસ અને જ્ઞાનથી પ્રભાવિત થઈને એક પ્રશ્ન પૂછુ છુ. સાચા પાંચ તત્વો કયા કયા અને એને વાસ્તુશાસ્ત્ર સાથે શું સંબંધ છે?

જવાબઃ ભાઈ શ્રી. આપના વાસ્તુશાસ્ત્ર તરફના ઝુકાવની સરાહના કરું છુ. સમગ્ર બ્રહ્માંડના પાંચ તત્વો છે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને અવકાશ. અવકાશ એટલે સ્પેસ. આ બધા જ તત્વો જગતમાં બધે જ છે. આપણા ઘર, જમીન, મકાન અને આપણા શરીરમાં પણ. બ્રહ્માંડના એ પાંચ તત્વોની સકારાત્મક ઉર્જા આપણા મકાન થકી આપણા શરીરમાં પ્રસ્થાપિત કરવાના નિયમો એટલે વાસ્તુ નિયમો. કેટલાક લોકો અવકાશ તત્વને આકાશ તત્વ કહે છે જે સાચું નથી.

સવાલઃ મયંકભાઈ. મારી ચાર દીકરીઓ છે. મોટી દીકરીના લગ્ન નથી થતા તેના લીધે નાનીના માંગા આવે છે તો પણ અમારે પાછા ઠેલવા પડે છે. તો મોટી દીકરીના લગ્ન જલ્દી થઇ જાય એવો કોઈ ઉપાય બતાવોને.

જવાબઃ ભાઈ શ્રી. આપની દીકરીઓ સારું ભણેલી છે. મોટી દીકરી તો હવે કમાય પણ છે. હા, એ બીજા નંબરની દીકરી જેટલી સુંદર નથી એવું તમે માનો છો. સર્વ પ્રથમ તો બંને વચ્ચે સરખામણી કરવાનું બંધ કરી દો. દીકરી સુખી થાય એ જરૂરી છે. એને ઉતાવળમાં ગમે ત્યાં વળાવીને એની જિંદગી બગાડી ન શકાય. જો નાની દીકરીના માંગા આવે છે તો એના લગ્ન કરાવી દો. લગ્ન જરૂરી છે પણ ગમે તેની સાથે નહિ. એક દીકરીની જિંદગી સુધારવા જતા અન્ય પર દબાણ ન લાવી શકાય. આપના કહેવા પ્રમાણે મોટી દીકરી હવે લગ્ન માટે ના પડે છે. તો એના લગ્ન ન કરવા જોઈએ. આપના વાસ્તુમાં એવી કોઈ સમસ્યા લાગતી નથી. માત્ર મોટી દીકરી નૈરુત્યમાં રહે છે. તેથી તેને આ ઘર છોડવાની ઈચ્છા નથી થતી. આ જગ્યાએ રહેવાથી એનું સામાજિક સન્માન વધ્યું છે. જો એને ખરેખર લગ્ન કરવા હોય તો હું ચોક્કસ મદદ કરી શકીશ. પણ એની ઈચ્છા ન હોય તો લગ્ન કરવાની ઉતાવળ ન કરવી જોઈએ. પરાણે લગ્ન કરવાથી એના પતિને પણ તકલીફ પડશે.

આજનું સૂચન: ઘરમાં વધારે પડતા દરવાજાઓ ઘરની ઉર્જા ઓછી કરે છે.

(આપના સવાલો પૂછવા માટે ઈ મેઈલ કરોઃ vastunirmaan@gmail.com)