અંધકાર એટલે માત્ર પ્રકાશનો અભાવ કે પછી અવકાશ? પ્રકાશ માત્ર આકાર આપવાનું કાર્ય કરે છે. કોઈ પણ પદાર્થની 
ઉપસ્થિતિ દર્શાવવા માટે પ્રકાશ જરૂરી છે. આપણે જેને પ્રકાશનો સહુથી મોટો સ્ત્રોત સમજીએ છીએ એ સૂર્ય એક અગન ગોળો છે. જે સતત બળીને પૂરો થઇ રહ્યો છે. અને બીજો સ્ત્રોત ચંદ્ર જેના પોતાનામાં કોઈ તેજ જ નથી. તે માત્ર પરાવર્તિત પ્રકાશ આપે છે. ચંદ્ર કવિઓની કલ્પનામાં હોય છે. કોઈ પોતાની પ્રિયતમાને સુરજ સાથે નહિ સરખાવે. પણ હકીકતમાં સૂર્યના ઉછીના પ્રકાશથી ચંદ્ર ચમકીને લોકપ્રિય બને છે. આવીજ રીતે કેટલાક લોકો અન્યના કામનો જશ પોતે લેવા માટે તત્પર હોય છે. અને જે સાચે જ સરહનાના હકદાર છે એ માત્ર અન્યને પ્રકાશ આપવામાં કાર્યરત હોય છે. એવોર્ડ માટે જાતે અરજી કરવી પડે એવા સંજોગોમાં જે સાચે જ હકદાર છે એ ક્યારેય સ્વમાનના ભોગે અરજી કરશે ખરા?
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ પણ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.
સવાલ: દિવાળીના ડેકોરેશન માટે કોઈ વાસ્તુનિયમો હોય છે?
જવાબ: ચોક્કસ હોય છે. દિવાળીની તૈયારી કરતી વખતે આપણે ઘણા બધા નિયમોને ભૂલી જઈએ છીએ. દિવાળી એ ઘોંઘાટનો તહેવાર નથી. એ પ્રકાશનું પર્વ છે. દિવાસો અને દિવાળી બંને અમાસ છે પણ એ બંને દિવસોને પવિત્ર માનવામાં આવે છે. ભારતીય વરસનો છેલ્લો દિવસ એટલે દિવાળી. એ દિવસની ઉર્જા આપણે આખા નવા વર્ષ માટે સાથે લઇ જઈએ છીએ. તેથી જ નિયમો સમજવા જરૂરી છે. દિવાળી એટલે શારદા પૂજનનો દિવસ. ત્રીદેવી લક્ષ્મી, મહાકાલી અને સરસ્વતી ધન, તન અને મનના દેવી છે. ભારતીય વાસ્તુ નિયમો પણ આ ત્રણેયને ઉર્જા આપે છે. શારદા પૂજન વખતે પીળા ફૂલોથી સજાવટ થાય છે. દરવાજા પર આસોપાલવનું તોરણ બાંધી અને ઉંબરો પૂજવામાં આવે છે. દ્વાર પાસે સબરસ મુકવામાં આવે છે. આંગણામાં રંગોળી પુરવામાં આવે છે.

ઇશાન દિશામાં બાજઠ પર ચોપડાનું સ્થાપન કરવામાં આવે છે. આના માટેના નિયમો નિષ્ણાત પાસેથી જાણી લેવા જોઈએ. ઈશાનમાં સ્થાપના કર્યા બાદ સપરિવાર પૂજા કરવી જરૂરી છે. આ સમયે ઘીના દીવા મૂકી શકાય. ઈલેક્ટ્રોનિક અવાજ અને પ્રકાશ ન જ વાપરવા જોઈએ. જો મોટી જગ્યા હોય તો પીળા ફૂલ અને આસોપાલવના તોરણથી સજાવી શકાય. પ્લાસ્ટિક, એલ્યુમીનીયમ, જેવા પદાર્થથી બનેલી વસ્તુઓ ન વાપરવી જોઈએ. આ ઉપરાંત દરેક જગ્યા મુજબના નિયમો સમજવા માટે નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.
સવાલ: એક ફિલ્મ આવી હતી. જેમાં એક ભિખારી ટેકનોલોજીનો ઉપયોગ કરીને કરોડપતિ બની જાય છે. અમારી સોસાયટીની બહાર એક ભિખારી બેસતો હતો. એ ભીખ માંગતા માંગતા એણે એક પૈસાદારની દીકરી સાથે લગ્ન કરી લીધા. એના સસરાએ અમારી સોસાયટીમાં ફ્લેટ અપાવીને છુટો કરી દીધો. એ પણ ભીખ માંગીને એટલો પૈસાદાર બની ગયો કે એણે નવી ગાડી લીધી. પણ હજુ એ ગ્રુપમાં ભીખ માટે અપીલ કર્યા કરે છે. હવે એ કયું આર કોડ પણ મુકે છે. પૈસા ન આપે તો સિક્યોરીટી ગાર્ડની સેના બનાવીને હેરાન કરે છે. પોલીસ બોલાવવાની ધમકી આપે છે. આવા લોકોનું શું કરવું જોઈએ?

જવાબ: એક જૂની વાત છે. કે એક ભિખારીને ભગવાને વરદાન માંગવા કહ્યું. એણે કહ્યું કે મને વરદાન આપો કે હું હાથી પર સોનાની અંબાડી પર બેસીને સોનાના વાડકામાં ભીખ માંગું. પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય છે. માણસને ગમે તે જગ્યાએ બેસાડો એનો મૂળભૂત સ્વભાવ બદલાતો નથી. આ માણસ આવો જ રહેવાનો. એને નજરઅંદાઝ કરીને જીવો.
જે માણસ જે વાતાવરણમાં ઉછરે એને એ લોકો સાથે એક લાગણી જાગે. એ ભીખ માંગતો હશે ત્યારે આ જ ગાર્ડ એને ઘુસવા નહિ દેતા હોય. એટલે એના માટે ગાર્ડ એટલે સર્વ શક્તિમાન વ્યક્તિ હોઈ શકે. ગાર્ડને પોતાના કામ માટે ઉપયોગમાં લઈને એને દુનિયાના શ્રેષ્ઠ માણસ જેવી લાગણી થતી હોય એવું બને. વળી એને ઉભો કરવા માટે તમારી જ સોસાયટીના લોકો પોલીસ બોલાવવાની ધમકી આપતા હશે. આવા લોકોને બહુ ભાવ ન અપાય.
સુચન: દિવાળીની પૂજા રાત્રીના પ્રથમ પ્રહરમાં કરવી યોગ્ય છે.
(આપના સવાલ મોકલી આપો Email: vastunirmaan@gmail.com )
        
            

