એ તો આપણે જાણીએ જ છીએ કે, ભારતીય વાસ્તુના નિયમો કુદરતને આધીન છે. કુદરતના પાંચ તત્વોની સકારાત્મક ઉર્જા અને વ્યક્તિના પાંચ તત્વોની ઉર્જા જાગૃત કરવા માટેના આ નિયમો જીવનમાં ચેતના જગાડી શકે છે.
આજે જયારે કોરોનાના ભય અને અસલામતી વચ્ચે જીવન આગળ વધી રહ્યું છે ત્યારે અનેક લોકોના મનમાં પોતપોતાની સમસ્યાઓને લઈને ઘણા બધા સવાલો ઉદ્ભવે છે. એમાંથી કેટલાક ઉર્જાના વિજ્ઞાન સાથે જોડાયેલા પણ છે.
કેટલાક વાચકોના સવાલો સાથે આ નવા વિભાગની શરૂઆત કરી છે. અમદાવાદસ્થિત જાણીતા વાસ્તુશાસ્ત્ર કન્સલ્ટન્ટ મયંક રાવલ આ સવાલોના જવાબ આપશે, દર અઠવાડિયે.
વાચકમિત્રોને માલુમ થાય કે, આપને પણ જો કોઈ સમસ્યા હોય તો નીચે જણાવેલા ઈ-મેઈલ પર આપ સવાલ પૂછી શકો છો…
સવાલઃ મયંકભાઈ, તમારા લેખ વાંચવાની ખૂબ મજા આવે છે. એમાંથી વાંચીને અમને ઘણો ફાયદો પણ થયો છે. તો પણ કેટલાક સવાલો રહ્યા કરે છે. મારા દીકરાના લગ્ન થયાને સાત વરસ થયા. વહુ નોકરી કરે છે એટલે એ એવું માને છે કે માતૃત્વ એ જવાબદારી છે એટલે એને બાળક નથી જોઈતા. અમારા ઘરમાં પશ્ચિમ અને ઉત્તરમાં દાદરો છે અને એ લોકો બ્રહ્મમાં સુવે છે. દીકરો થોડો આળસુ છે તેથી વહુ પર ભારણ પણ વધારે રહે છે. હું બધું સમજુ છું, પણ ઘરમાં બાળકો હોય તો ઘર ભર્યું ભર્યું લાગે. મારા પતિ વરસો પહેલા ગુજરી ગયા. આ ઘર મારા નામે છે. એનું દ્વાર અગ્નિમાં છે. બીજું બધું સારું છે પણ આ એક સમસ્યા છે. કોઈ નિવારણ હોય તો જણાવશો.
જવાબઃ બહેનશ્રી, આપનો વાસ્તુશાસ્ત્રમાં વિશ્વાસ સરાહનીય છે. મને આનંદ છે કે આપ સુખી છો. આપના ઘરનું દ્વાર નારી પ્રધાન છે તેથી જ આપ અને આપના પુત્રવધુ ઘરની જવાબદારી નિભાવો છો. ઉત્તરનો દોષ હોય ત્યારે પુરુષનો આત્મવિશ્વાસ ઘટે અને નારીને અસંતોષ રહે. વળી, આપના દીકરો-વહુ બ્રહ્મમાં રહે છે. એના લીધે નીરસતા આવે. એમના શારીરિક સંબંધો પણ બરાબર ન હોય. બંનેને તમારા ઘરના નૈરુત્યના રૂમમાં સુવરાવો. ઘરમાં શિવલિંગ પર પાણી, દૂધ, પંચામૃત, ચોખા, પાણીથી અભિષેક કરી બીલીપત્ર ચડાવો. એ બંનેને વડનું દાતણ કરવા કહો. બંનેની કેમેસ્ટ્રી સુધારશે અને ઈચ્છાઓ પણ વધશે. માતૃત્વ ધારણ કરવાનો નિર્ણય માત્ર અને માત્ર જે તે માતાનો હોવો જોઈએ. એનો આત્મવિશ્વાસ વધશે પછી એ માતૃત્વ માટે તૈયાર થશે. દર ગુરુવારે દરવાજા પર આસોપાલવનું તોરણ બાંધી અને ઉંબરો પૂજો. આપને ચોક્કસ સકારાત્મક અનુભવ થશે. આપને થયેલ ફાયદો જણાવતા રહેવા વિનંતી.
સવાલઃ મારી ઉંમર ૪૦ વરસની છે. કોઈને કોઈ કારણથી મારા લગ્ન નથી થતા. તમે મારા વડીલ છો એવું માનીને બે સવાલ પૂછવા છેઃ ૧) લગ્ન કેવી વ્યક્તિ સાથે કરવા જોઈએ? ૨) વાયવ્યમાં સૂવાથી લગ્ન થઇ જાય એ વાત સાચી છે?
જવાબઃ ભાઈશ્રી, આપના બંને સવાલોના જવાબ સરળ છે. લગ્ન એવી વ્યક્તિ સાથે કરવા જોઈએ જે આપની સાથે સંતુલિત જીવન વિતાવી શકે. આ માટેના પરિબળો ઘણા બધા હોય છે પણ મનમેળ ખૂબ જરૂરી છે. લગ્ન એ શરૂઆત છે. તેથી ઉતાવળે નિર્ણય ન જ લેવાય. એક ખોટો નિર્ણય જીવનની દિશા બદલી શકે છે. અને એક સાચો નિર્ણય પણ. હવે બીજા સવાલનો જવાબ. વાયવ્યમાં જો કોઈ વસ્તુ રાખવામાં આવે તો તે ઝડપથી બહાર નીકળી જાય છે. આવી જ કોઈ માન્યતા સાથે આ માન્યતા જોડાઈ હોય એવું બની શકે. જલ્દી લગ્ન કરવા કે પછી સાચી પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવા એ નક્કી કરવું પડે. આપને તો પોતાના ઘરમાં રહેવાનું છે.
આજનું સૂચન: જો પૂર્વમાં દાદરો આવતો હોય તો માનસન્માન ને હાની પહોંચી શકે છે. સવારમાં વહેલા ઉઠીને સૂર્યને અર્ઘ આપવાથી સકારાત્મક ઉર્જાની પ્રાપ્તિ થાય છે.
(આપના સવાલો પૂછવા માટે ઈ મેઈલ છેઃ vastunirmaan@gmail.comઃ)