બહુ વિકૃત વિચારો આવે છે…

એ તો આપણે જાણીએ જ છીએ કે, ભારતીય વાસ્તુના નિયમો કુદરતને આધીન છે. કુદરતના પાંચ તત્વોની સકારાત્મક ઉર્જા અને વ્યક્તિના પાંચ તત્વોની ઉર્જા જાગૃત કરવા માટેના આ નિયમો જીવનમાં ચેતના જગાડી શકે છે.

આજે જયારે કોરોનાના ભય અને અસલામતી વચ્ચે જીવન આગળ વધી રહ્યું છે ત્યારે અનેક લોકોના મનમાં પોતપોતાની સમસ્યાઓને લઈને ઘણા બધા સવાલો ઉદ્ભવે છે. એમાંથી કેટલાક ઉર્જાના વિજ્ઞાન સાથે જોડાયેલા પણ છે.

કેટલાક વાચકોના સવાલો સાથે આ નવા વિભાગની શરૂઆત કરી છે. અમદાવાદસ્થિત જાણીતા વાસ્તુશાસ્ત્ર કન્સલ્ટન્ટ મયંક રાવલ આ સવાલોના જવાબ આપશે, દર અઠવાડિયે. 

વાચકમિત્રોને માલુમ થાય કે, આપને પણ જો કોઈ સમસ્યા હોય તો નીચે જણાવેલા ઈ-મેઈલ પર આપ સવાલ પૂછી શકો છો…

સવાલઃ ભાઈશ્રી, હું તમને વર્ષોથી વાંચું છુ. સાચું કહું તો મને અને કદાચ મોટા ભાગના વાચકોને મુખ્ય ચાર દિશા સિવાયની દિશાઓનું સાચું જ્ઞાન નથી હોતું. તો આપના લેખમાં જયારે જરૂરી હોય ત્યારે એના વિશેની સમજણ આપતા રહેશો તો વાંચવાની વધારે મજા આવશે.

જવાબઃ બહેનશ્રી, આપનો વાસ્તુશાસ્ત્રમાં રસ ગમ્યો. સૂચન એ જ આપી શકે જે રસથી વાંચે છે. સવાલ એના મનમાં જ ઉદ્ભવે જે સમજવા પ્રયત્ન કરે છે. આગામી લેખોમાં હું આપના જણાવ્યા મુજબ લખીશ. મારો મુખ્ય ઉદ્દેશ્ય આપના સુધી સાચી માહિતી પહોંચાડવાનો છે.

હવે થોડી વાત દિશાઓની પણ કરી લઈએ. જે દિશામાંથી સૂર્ય ઉગે છે તે છે પૂર્વ દિશા. પૂર્વ તરફ મુખ રાખીને ઉભા રહીએ તો પીઠ પાછળ પશ્ચિમ આવે. ડાબા હાથ તરફ ઉત્તર અને જમણા હાથ તરફ દક્ષિણ દિશા આવે. ઉત્તર અને પૂર્વની વચ્ચે ઇશાન આવે. ઉત્તર અને પશ્ચિમની વચ્ચે વાયવ્ય આવે. દક્ષિણ અને પૂર્વની વચ્ચે અગ્નિ દિશા આવે અને દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે નૈરુત્ય દિશા આવે. આ વાત થઇ આઠ દિશાઓની. એ ઉપરાંતની અન્ય બે દિશાઓ છે ઉર્ધ્વ એટલે કે ઉપર અને અધ: એટલે કે નીચે. આ બધી જ દિશાઓ વાસ્તુના ગણિતમાં ખુબજ ઉપયોગી થાય છે. આ ઉપરાંત ઘણાબધા લોકોને બ્રહ્મ માટે સવાલો હોય છે. બ્રહ્મ એ કોઈ બિંદુ નથી. બ્રહ્મ માટેની વિસ્તૃત ચર્ચા આપણે આ જ વિભાગમાં કરીશું. સમગ્ર વાસ્તુના ઉભા અને આડા ત્રણ ત્રણ ભાગ કરતા કુલ નવ ભાગ બને છે. એ નવ ભાગમાં બરાબર વચ્ચેનો નવમો ભાગ છે તેને બ્રહ્મ કહેવામાં આવે છે. બ્રહ્મ એક વિસ્તાર છે એ કોઈ બિંદુ નથી એ સમજવું જરૂરી છે.

સવાલઃ મારી ઉંમર વીસ વરસની છે. હું કોલેજમાં ભણું છુ. મારો પરિવાર સંસ્કારી છે, પણ ખબર નહિ કેમ મને બહુ ગંદા ગંદા વિચારો આવે છે. વિકૃત સપનાંઓ પણ આવે છે. મને કોઈને કહેતા પણ શરમ આવે છે. આવું કેમ થતું હશે? હું પશ્ચિમના બેડરૂમમાં નૈરુત્ય તરફ માથું રાખીને સૂવું છું. મારું ઘર ખૂબ મોટું છે. એના બે દરવાજા છે. એક વાયવ્યમાં છે અને એક ઉત્તરમાં. મારો ઈલાજ કરવા વિનંતી.

જવાબઃ ભાઈશ્રી, માણસના શરીરના બદલાવને સ્વીકારવા પડે છે. આપ એવી ઉંમરમાં છો, જયારે શરીરમાં હોર્મોન્સ બદલાતા હોય અથવા તો બદલાયાને બહુ સમય ન થયો હોય. આવા સમયમાં ક્યારેક વિજાતીય વિચારો આવે, પણ એનું વિકૃત સ્વરૂપ ન જ હોવું

જોઈએ. આપ જે રીતે સૂવો છો તે આના માટે કારણભુત હોઈ શકે. આપ પૂર્વ તરફ માથું રાખીને સૂવો. સવારમાં વહેલા ઉઠો અને પ્રાણાયામ કરો. પાણી વધારે પીવો. મન શાંત રહેશે.

 

આજનું સૂચન: જો રાત્રે સારી ઊંઘ ન આવતી હોય તો તપાસ કરો. જો તમે ઉત્તર તરફ માથું રાખીને સૂતા હો તો લોહીના પરિભ્રમણ પર અસર થઇ શકે છે. ઉત્તર તરફ માથું રાખીને ન સૂવાની સલાહ છે.

(આપના સવાલો પૂછવા માટે ઈ-મેઈલ છેઃ vastunirmaan@gmail.com)