એક તરફ અન્નની અછત સર્જાઈ રહી છે અને બીજી તરફ અન્નનો બગાડ પણ વધી રહ્યો છે. પંગત પાડીને જરૂર પુરતું પીરસવાની ભારતીય પ્રણાલીમાં લોકો શાંતિથી જમતા. બગાડ ન થતો અને જરૂર પુરતું બનવાથી જે તે વ્યક્તિના પૈસા પણ બચતા. બહારનું ખાવાનું ખાવાની લ્હાયમાં એક માણસ પણ ચાર માણસનું ખાવાનું મંગાવે કારણકે એનાથી ઓછુ મળે જ નહિ. પછી ત્રણ માણસનું ખાવાનું ફેંકી દેવું પડે. જે પેકીંગમાં ખાવાનું આવે એ સામાન્ય રીતે કોઈને આપીએ તો અડે પણ નહિ પણ ફૂડ ડીલીવરી એપ માંથી આવે એટલે ફેશન ગણાય. કચરો વધે. બગાડ થાય. સ્વાસ્થ્ય કોરાણે રહે અને અન્નની અછત વધતી જાય. પૈસા આપણા છે. અન્ન તો દેશનું છે. જો અર્ધી અને પા પ્લેટ મળે તો અછત ઓછી થાય.આવું જ જ્ઞાનની બાબતમાં છે. વેડફાટ વધારે છે. અને જ્યાં જરૂરી છે ત્યાં મળતું નથી. તો શું બંનેને બચાવી ન શકાય? આપણા શાસ્ત્રોના અભ્યાસ થકી ફરી ભારતીય બની જ શકાય ને?
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપ નીચે જણાવેલા ઈમેલ આપણી સમસ્યા અંગે અહીં જણાવી માર્ગદશન લઇ શકો છો.
સવાલ: સર, હું દરરોજ એક મેશમાં જમવા જાઉં છું. એમાં ફિક્ષડ થાળી મળે છે. બધું જ પિરસાઈને આવે. જેટલું ખવાય એટલું ખાવાનું અને બાકીનું કચરામાં જાય. વારંવાર કહેવા છતાં બધે આવુજ ચાલે છે કહીને માલિક છટકી જાય છે. મારો જીવ બળે છે. એક તરફ અનાજની અછત છે અને બીજે ચાલીસ ટકા ખાવાનું કચરામાં જાય છે. આપણા સંસ્કાર અને સંસ્કૃતિ આને સમર્થન આપતા નથી કોઈ ઈલાજ બતાવો ને.
જવાબ: તમારી ચિંતા વ્યાજબી છે. આજે જયારે વૃક્ષ કચરો કરે છે એવું માનવા વાળા વધી રહ્યા છે ત્યારે વૃક્ષો પણ કાપવાના. અને મારા પૈસા છે હું જે રીતે વાપરું એવું માનવા વાળા વધી રહ્યા છે ત્યારે અનાજનો બગાડ પણ થવાનો. દેખાદેખીમાં મોંઘવારી વધી રહી છે. ભવિષ્યમાં ભૂખમરો આવે તો મને નવાઈ નહિ લાગે. સમાજ ભૌતિક્તાવાદી થઇ રહ્યો છે. ફેશનના નામે સંસ્કૃતિનું ચીરહરણ થઇ રહ્યું છે અને કહેવાતા ભીષ્મ પિતામહ નિયમોથી બંધાયેલા છે. જેમ દ્રૌપદીએ અનેક યોદ્ધાઓ સામે આજીજી કર્યા બાદ જાતેજ રક્ષા કરેલી તેમ આપણે પણ વિરોધ કરતા રહેવું પડશે. શરૂઆતમાં લોકો હસશે. પછી એ આપણા જેવું કરવા પ્રેરાશે અને અંતે એ પણ આપણા અભિયાનનો ભાગ હશે. શરુ કરો. ડરો નહિ. તમારા મિત્રોને પણ આવું કરવા પ્રેરો. અન્ય દેશ જયારે અનાજની અછત ભોગવતા હશે ત્યારે આપણી ભારતીય વિચારધારા આપણને બચાવી શકશે. અન્નને દેવતા માનીને એનો બગાડ રોકીએ. વિચાર અદ્ભુત છે.
સવાલ: અમને કોઈએ ઈશાનમાં પાણીની ટાંકી બનાવવા કહ્યું હતું. અમે સુખી હતા. ટાંકી બનાવ્યા બાદ મારા સાસુ હૃદય રોગથી ગુજરી ગયા. મારા આખા મકાનમાં હું એકલી રહું છું. બાકી બધા અલગ અલગ જગ્યાએ ટ્રાન્સફર થઇ ગયા. ભુતાવળમાં રહેતી હોઉં એવું લાગે છે. ટાંકી જમીનથી ચાર ફૂટ ઉપર છે. બીજી ઓવરહેડ ટાંકી ઉત્તરમાં પણ છે. કારણ કે ત્યાં પણ પાણી સારું ગણાય એવું ક્યાંક વાંચ્યું છે.
જવાબ: બહેન શ્રી. આપની બંને માહિતી સાવ ખોટી છે. ઈશાનમાં જમીનની ઉપર ટાંકી ન બનાવાય અને ઉત્તરમાં તો કોઈ પણ ટાંકી ન બનાવાય. ઇશાન હૃદય સાથે જોડાયેલી દિશા છે. જે તમે અનુભવ્યું છે. જેમ બીમારીમાં જાતે ઈલાજ નથી કરી લેતા એમજ વાસ્તુ માટે પણ એક્સપર્ટ સલાહ લેવી જરૂરી છે. ચાર કરોડના મકાનમાં એકલા રહેવા કરતા થોડી ફી ખર્ચીને આખો પરિવાર સુખી રહે, સાથે રહે તે જરૂરી છે. અગિયાર વરસથી આપણા પતિ એકલા રહે છે. તમને વરસમાં માત્ર એક જ વાર મળે છે. ક્યાંક ઉત્તરની ટાંકીની અસર તો નથી ને? વળી તમારે ત્યાં તો અગ્નિ અને પૂર્વનો પણ દોષ છે. જીદ છોડીને પતિ સાથે રહેવા જતા રહો. બાકી માત્ર ઘર જ રહી જશે. પૈસા ગમે તેટલા હશે. પરિવાર સાથે હોય એ જરૂરી છે.
સુચન: ઇશાન ખૂણામાં પાણીની ટાંકી ન રખાય.
(આપના સવાલો મોકલી આપો..Email: vastunirmaan@gmail.com)