વાસ્તુ: સાચો મિત્ર પામવા સકારાત્મક ઊર્જા જરૂરી

એક ખોટો મિત્ર એક સાચા દુશ્મન કરતા વધારે નુકસાન પહોંચાડે છે. જે વ્યક્તિ ને મિત્ર માનતા હોઈએ તેના પર ભરોસો હોય છે. તેથી ક્યારેય અવિશ્વાસની લાગણી નથી થતી. અને જેના પર વિશ્વાસ હોય એને બધું જ કહેવાતું હોય એટલે એ વાતનો ફાયદો લઈ શકાય. જ્યારે દુશ્મન વિશે જાણકારી હોવાથી તેના પર ક્યારેય વિશ્વાસ આવતો જ નથી. એક ખોટો મિત્ર, દુશ્મન હોવા છતાં મિત્રનું ખોળિયું પહેરીને આવે છે. જેમ શિયાળ સિંહની ખાલ પહેરીને છેતરી શકે તેમ જ. તેથી જ ગમે તેને મિત્ર ન જ બનાવાય. સાચો મિત્ર પામવા સકારાત્મક ઊર્જા જરૂરી છે. જે મળે છે વાસ્તુ નિયમો થકી.

મિત્રો આ વિભાગ આપના માટે જ છે. આપને પણ કોઈ સમસ્યા હોય તો આપ નીચે જણાવેલ ઈમેલ પર પૂછી શકો છો.

સવાલ: મારે મારા ઘરનાં બગીચામાં પીપળો વાવવો છે. અલગ અલગ સાહિત્ય અલગ અલગ મત દર્શાવે છે. તો સાચું શું છે તે જણાવશો. પીપળામાં ભૂતનો વાસ હોય કે વિષ્ણુ નો? કે પછી પિતૃ નો?

જવાબ: ઘરનો બગીચો, પબ્લિક પાર્ક, ઉદ્યાન જેવી અલગ અલગ રચનાઓ માટે વાસ્તુ નિયમો અલગ અલગ હોય છે. કેટલાક લોકો સમજ્યા વગર એ લખી નાંખે છે તેથી આવી વિમાસણ ઉભી થાય છે. પીપળાના મૂળ વધારે ફેલાય છે. જો તે બાંધકામ થી નજીક હોય તો તે પાયાને નુકશાન પહોંચાડી શકે છે. તેથી કદાચ તેને ભૂત કે પિતૃનું સ્થાન ગણતા હશે. જો તેને યોગ્ય જગ્યાએ વાવવામાં આવે તો તે ઘરમાં ચોવીસ કલાક ઓક્સિજન આપે છે. એટલે કે જીવન માટેની ઉર્જા આપે છે. જે વિષ્ણુની સાથે જોડાયેલી બાબત છે. જો યોગ્ય જગ્યાએ યોગ્ય સ્થાને પૂરતી જગ્યા હોય તો જ પીપળો વવાય.

સવાલ: હું કોઈને મિત્ર માનું છું. થોડા સમય પહેલાં એક માણસ મદદ માંગવા માટે આવ્યો. તેણે એક દિવસમાં પાછા આપવાની વાત કરીને ઉછીના પૈસા લીધા. એ પાછા આપવાના બદલે જાણે એનો અધિકાર હોય એ રીતે વધારે માંગવા લાગ્યો. એને ના પાડી દીધી તો હવે અન્ય લોકોને મારા વિશે ગમે તેવી વાતો કરે છે. આજે મારા મિત્રએ પણ એનું નામ લઈને કહ્યું કે એણે મને બધી વાતો કરી છે. મને તારા પર વિશ્વાસ નથી. હવે હું પણ તારી સાથે એવું જ કરીશ. તો હવે શું કરવું જોઈએ?

જવાબ: સહુથી પહેલાં તો ગભરાયા વિના નિર્ણય લો. જે તમારું હિત નથી ઈચ્છતા એ મિત્ર ન હોય. કોઈ ખરાબ કરે તો મિત્ર બચાવે. જો કોઈના કહેવાથી દુઃખ પહોંચાડે કે એ પણ પેલાની આડશમાં ફાયદો લેવા પ્રયાસ કરે એ મિત્ર ન ગણાય. ફરી વિચારો. સવારે સૂર્યને અર્ઘ્ય આપો. સાચી દિશા સૂજશે.

આજનું સૂચન: ઉત્તરમાં કમળ વાવી શકાય.

(આપના સવાલો મોકલવા માટે Email :vastunirmaan@gmail.com)