વાસ્તુ: શું બ્રહ્મ અને ઇશાન બંને એક છે?

ક્યારેક એવું લાગે છે નવા યુદ્ધ માત્ર સોશિયલ મીડિયા પર જ પતિ જશે. વિરોધમાં મીણબત્તી મુકવી અને ન ગમતી વાતને વખોડી કાઢવી એ તો સામાન્ય થઇ રહ્યું છે. પણ પોતાના ગ્રુપમાં નથી એની સારી વાતમાં રસ નથી એવી નીરસતા દેખાડવાની પણ ફેશન ચાલી છે. જે દેશમાં અજાણ્યાની સારી વાત શોધીને સન્માન કરવામાં આવતું ત્યાં એવોર્ડ લેવા માટે એપ્લીકેશન આપીને ફી ભરવી પડે એવું વાતાવરણ સર્જાય ત્યારે ભૌતિક્તાવાદની હદ દેખાય. જે ઓળંગાઈ ગઈ છે. મારા ઈશ્વર, તારા ઈશ્વર માંથી હવે એ ઈશ્વર મારા નથી સુધીની સફર પણ દેખાઈ રહી છે. ટૂંકમાં અન્યનું સન્માન ઓછુ કરવાની લાગણીઓ પ્રબળ હોય ત્યાં સકારાત્મક વિચારધારા અને વિકાસને પ્રબળ બનાવવામાં કેટલી બાધાઓ આવે તે સમજી શકાય છે. શું આપણે દરેક જીવમાં ઈશ્વરને જોઈએ તો પછી કોઈ વૈમનસ્ય રહે ખરું?

આ વિભાગ આપનો જ છે. આપને કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલા ઈમેલ પર જરૂરથી પૂછી શકો છો.

સવાલ:  બ્રહ્મ અને ઇશાન બંને એક છે એવું મેં ક્યાંક વાંચ્યુ. તમારા લેખમાં અને પુસ્તકમાં આ બંને અલગ હોવાની માહિતી સમજાવવામાં આવી છે. મને તમારામાં વિશ્વાસ છે એટલે જ જાણવા માંગું છું કે સત્ય શું છે?

જવાબ: સહુથી પહેલા તો ઈન્ટરનેટ પર માહિતી ન શોધો. તમને ડોક્ટરની જરૂર હોય તો તમે આવી જગ્યાએ જઈને જાતે ઓપરેશન કરશો? જવાબ ના માંજ હશે. તો પછી તન, મન, ધન અને જીવનની દરેક બાબતને અસર કરતા વિષયમાં આવા સસ્તા રસ્તા શા માટે અપનાવો છો. સારું છે કે તમે મારા લેખ વાંચ્યા છે. જો ન ખબર હોય તો કેટલી મોટી ગેર સમજ ઉદ્ભવે?

ઇશાન એટલે ઉત્તર અને પૂર્વની વચ્ચેની દિશા. અને બ્રહ્મ એટલે સમગ્ર જગ્યાનો બરાબર મધ્યનો નવમો ભાગ. આ બંને એક કેવી રીતે હોઈ શકે? તમે આ સવાલ કરીને અનેક લોકોની મદદ કરી છે.

સવાલ: મને સતત ડર લાગે છે કે હું પ્રેમમાં છું. મારા પિતાજીથી પણ મોટી ઉંમરની વ્યક્તિ મને આકર્ષે છે. હું જયારે જયારે એમને મળું ત્યારે એમને ભેટવાનું મન થાય છે. એ પોતે ખુબ પ્રેમાળ છે. એ મારા સિવાય કોઈની સાથે વાત કરે તો નથી ગમતું. એકાદ વાર તો મેં એમને પણ કહ્યું. ક્યારેક થાય છે કે એમના વિશે કોઈ અફવા ફેલાવું પછી એ એકલા પડી જશે. બસ પછી એ માત્ર મારા જ.

જવાબ: આપણે જેમને પ્રેમ કરીએ છીએ એમનું સારું વિચારીએ છીએ. તમે સાચો પ્રેમ નથી કરતા. તમને એ વ્યક્તિ માત્ર ગમે છે. આ આકર્ષણ માત્ર છે. કોઈજ એવી હરકત ન કરશો જેનાથી એ વ્યક્તિને તમારા માટે ધ્રુણા થઇ જાય. પ્રેમ કરવા માટે કોઈ ઉમર, સ્થળ કે વ્યક્તિ નિશ્ચિત નથી એ વાતમાં હું પણ માનું છું. પણ પ્રેમ એટલો પણ પાંગળો ન હોઈ શકે કે જો એ ના મળ્યો તો વ્યક્તિ સામે વાળાનું નુકશાન કરે. તમને પ્રેમ કરવો ગમે છે તો કર્યા કરો. કોઈની પાસે અપેક્ષા ન રાખો.

સુચન: નૈરુત્યમાં ખાળકુવો ન રખાય.

(આપના સવાલો મોકલવા માટે Email: vastunirmaan@gmail.com)