નારી પ્રધાન વાસ્તુની સમજ

માણસ બે રીતે દુનિયા છોડી શકે છે. એક આત્મહત્યા કરી ને અને બીજું ન ગમતી દુનિયા છોડી ને. આ બંને પ્રક્રિયામાં જે વ્યક્તિ છોડે છે એને જ દોષી માની લેવામાં આવે છે. એનો અર્થ એવો થાય કે આત્મહત્યા કરવા માટે પણ માણસ ને શોખ જાગે. મનમાં અરમાન જાગે કે ચાલો મજા આવી જશે, આત્મહત્યા કરીએ. કે પછી પોતે સજાવેલો ઓરડો અને ચાહકોને વીસરી જવા મન ઉતાવળું થાય. જ્યાં પ્રથમ પ્રેમ પાંગર્યો હોય એ જગ્યાએ પગ ન મૂકવાની પ્રતિજ્ઞા કરવાનો શોખ જાગે. શું આવું શકય છે ખરું. પણ જે લોકો આત્મહત્યા માટે કારણ બને એ જ છાપરે ચડીને ગાજતા જોવા મળે. એ જ કહે કે નબળા મનના લોકો ભાગી જાય. વિકૃત આનંદ લુટાયા પછી બધું ભુલાઈ જાય. લોકો પોતાના સ્ટેટસમાં મીણબત્તી મૂકી કાંઈક કર્યાનો સંતોષ માને. વળી પેલા લોકો અન્ય હત્યાના કારણ બને. હા, એને હત્યા માની શકાય. સંસાર ચાલ્યા કરે. વારા પછી વારો આવે એવું પણ બને. નકારાત્મક ઉર્જા માંથી બહાર આવવા મદદ કરતી સકારાત્મક ઉર્જાનું શાસ્ત્ર એટલે વાસ્તુ શાસ્ત્ર.

મિત્રો આ વિભાગમાં આપ આપની સમસ્યાઓ જણાવી શકો છો. આ વિભાગ આપનો જ છે. નીચે જણાવેલ ઈમેલ પર આપ જરૂરથી સવાલ પૂછી શકો છો.

સવાલ: હું એક સંગીત શિક્ષક છું. મારાથી એક પાપ થઈ ગયું છે. એક વિદ્યાર્થી વિશે મને કોઈએ ઉંધી ચત્તી વાતો કરી હતી. એ વિદ્યાર્થી મને બહુ માન આપતો. અમારા આચાર્ય એના માટે ખરાબ નજર રાખતા એવું એણે એક વાર કહ્યું પછી મને એના ચારિત્ર્ય પર શંકા જતા તેને અપમાનિત કરી કાઢી મૂક્યો. એ ભણવામાં હોશિયાર હતો તો પણ એને નાપાસ કરવાની ધમકી આપી. એણે આત્મહત્યા કરી લીધી અને હવે મને ખબર પડી કે એની વાત સાચી હતી. મારી ભૂલનું પ્રાયશ્ચિત કરવા શું કરવું જોઈએ? એણે પોતાની વાત સમજાવવા છેલ્લે સુધી પ્રયાસ કર્યો હતો. મારી આંખો પર પડળ હતા.

જવાબ: કોઈ આત્મહત્યા કરી લે એટલી હદ સુધીની નકારાત્મકતા એ ભૂલ નહીં ગુન્હો જ ગણાય. પસ્તાવો કરવાથી એ ન જ ધોવાઇ જાય. જેણે તમને સન્માન આપ્યું એના મોતનું કારણ તમે બન્યા. તમને એનું દુઃખ ઓછું છે અને પાપ ધોવાની ઉતાવળ વધારે છે. કુદરત પણ આવા ગુન્હા માટે માત્ર ન્યાય કરે છે. વાસ્તુની સકારાત્મક અસર ગુન્હો કરતા રોકી શકે. સજા ન જ અટકાવે ઈશ્વરને પ્રાર્થના કરો કે તમે જે પવિત્ર વ્યવસાયમાં છો એને તમે માન આપી શકો. તમારી જગ્યાએ હું હોઉં તો આવી નોકરી છોડી દઉં. જ્યાં આચાર્ય વિદ્યાર્થીના શરીરમાં પોતાનો સ્વાર્થ શોધતા હોય.

સવાલ: વિશ્વ નારી દિવસ આવે છે તો નારી પ્રધાન વાસ્તુની સમજ આપોને.

જવાબ: અગ્નિ દિશાને નારી પ્રધાન દિશા ગણવામાં આવે છે. અગ્નિમાં અમુક જગ્યાએ દ્વાર હોય તો તે જગ્યા નારી પ્રધાન બને. ઘરના કોઈને કોઈ નિર્ણયમાં નારીનો મત દેખાય. આવી જગ્યા નારીના નામે હોય એવું પણ બને. આ જગ્યાની સકારાત્મક અસર કે નકારાત્મક અસર નારીને વધારે થાય એવું બને. નારીને લાગતી ખાસ બીમારીઓ પણ અહીંથી આવી શકે.

આજનું સૂચન : અગ્નિમાં હીંચકો ક્યારેય ન રખાય.

(આપના સવાલ આ ઈમેલ પર મોકલી આપો Email :vastunirmaan@gmail.com)