અમદાવાદ: શહેરમાં વાદળછાયા વાતાવરણ અને ઝરમર વરસાદની વચ્ચે મચ્છરનો ઉપદ્રવ સતત વધી રહયો છે. ડેન્ગ્યૂના ૧૬૪ અને ચિકનગુનિયાના ૧૯ કેસ નોંધાયા છે. મચ્છરના ઉપદ્રવ અંગે આરોગ્ય વિભાગને ૨૬ હજારથી વધુ ફરિયાદ મળી છે. શહેરના સાત વોર્ડમાં કોલેરાના ૧૬ કેસ નોંધાયા છે. શહેરમાં મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગના કેસની સંખ્યામા સતત વધારો થઈ રહયો છે.
આરોગ્ય વિભાગ તરફથી સરકારી,ખાનગી મિલકત ઉપરાંત બાંધકામ સાઈટ ઉપર મચ્છરના ઉપદ્રવને લઈ તપાસ કરાતી હોવાના આંકડા જાહેર કરાય છે. આમ છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનની કોમ્પ્રિહેન્સિવ રીડ્રેસલ સિસ્ટમ ઉપર મચ્છરના ઉપદ્રવ અંગે દસ દિવસમાં કુલ મળીને ૨૬,૧૩૭ ફરિયાદ વિવિધ વિસ્તારના નાગરિકો દ્વારા કરવામાં આવી હતી.