31 ડિસેમ્બરની ઉજવણી: દારૂની હેરફેર રોકવા રાજ્યમાં પોલીસ સતર્ક

ગાંધીનગર: વર્ષના અંતિમ દિવસે એટલે કે 31મી ડિસેમ્બરની ઉજવણી દરમિયાન રાજયમાં દારૂની હેરફેર અને નિયમોના ભંગને રોકવા માટે પોલીસ વિભાગ સજ્જ છે. અનેક જિલ્લામાં દારૂની હેરફેર રોકવા ઉપરાંત, ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના કેસોને અટકાવવા તેમજ ટ્રાફિક નિયમોના પાલનને સુનિશ્ચિત કરવા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.પોલીસના જણાવ્યાઅનુસાર 31 ડિસેમ્બરના પગલે ટ્રાફિકના નિયમોનું કડક રીતે પાલન કરાવવામાં આવશે. જાહેર જનતાને પણ સલામતી માટે નિયમોનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં દારૂબંધી હોવાના કારણે તહેવારની ઉજવણી દરમિયાન પાડોશી રાજ્યોથી દારૂની હેરફેરની શક્યતાઓ વધે છે. ખાસ કરીને મહારાષ્ટ્ર અને રાજસ્થાનની સીમાને અડીને આવેલા જિલ્લામાં પોલીસ એલર્ટ બની છે. પોલીસ દ્વારા અલગ-અલગ ચેકપોસ્ટ સ્થાપિત કરીને ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે.પોલીસે જાહેર જનતાને તહેવાર દરમિયાન સલામત રહેવા માટે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવને ટાળવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે વિનંતી કરી છે. પોલીસ વિભાગ દ્વારા રાજ્યમાં 31 ડિસેમ્બરની ઉજવણીને શાંતિપૂર્ણ અને સલામત બનાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.