ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે ‘સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર’ પહેલ લાગુ કરી હતી. બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. જેની સફળતા બાદ હવે આ પહેલને રાજ્યના બાકીના તમામ જિલ્લાઓમાં લાગુ કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. આ નવી પહેલના સફળ પ્રયોગને કારણે બનાસકાંઠા અને પંચમહાલની જિલ્લા સહકારી બેંકોમાં સહકારી મંડળીઓ અને તેમના સક્રિય સભ્યો દ્વારા 4 લાખથી વધુ નવા ખાતા ખોલવામાં આવ્યા છે. જેના પરિણામે સહકારી બેંકોની થાપણોમાં 966 કરોડ રૂપિયાનો વધારો થયો છે.
કેન્દ્ર સરકારે ‘સહકારથી સમૃદ્ધિ’ના વિઝન હેઠળ દેશભરમાં સહકારી સંસ્થાઓને મજબૂત કરવા માટે સહકાર મંત્રાલયની સ્થાપના કરી હતી. કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ સહકાર ક્ષેત્રમાં અવનવા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. આવા જ એક પાયલટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતના બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં ‘સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર’ પહેલ શરૂ કરવામાં આવી હતી, જે ખૂબ જ સફળ રહી છે.
આ પહેલનો ઉદ્દેશ ગુજરાતની હજારો સહકારી મંડળીઓના બેંક ખાતાઓ અને થાપણોને જિલ્લા અને રાજ્ય સહકારી બેંકોના નેજા હેઠળ કેન્દ્રીયકરણ કરીને તેમની વચ્ચે સહકાર વધારવાનો છે. આમાં, વિવિધ કોમર્શિયલ બેંકોમાં કાર્યરત સહકારી સંસ્થાઓ અને તેમના સભ્યોના વર્તમાન બેંક ખાતાઓને એકીકૃત કરવામાં આવ્યા છે અને કેન્દ્રીયકૃત જિલ્લા સહકારી બેંક/રાજ્ય સહકારી બેંક હેઠળ લાવવામાં આવ્યા છે. પરિણામે કેન્દ્રીયકૃત સહકારી બેંકની થાપણોમાં નોંધપાત્ર વધારો થયો છે. સહકારી મંડળીઓમાં નાણાકીય પ્રવાહીતા વધી છે. જેના કારણે લોન સંબંધિત જરૂરિયાતો અને માંગણીઓ હવે સરળતાથી પૂરી થઈ શકે છે. આ ઉપરાંત, આ પહેલ હવે સુનિશ્ચિત કરશે કે સહકારી સંસ્થાઓની સામૂહિક મૂડીનો ઉપયોગ અન્ય સહકારી સંસ્થાઓ દ્વારા પણ કરી શકાય.