BZ Scam: કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાની તપાસમાં નવા ખુલાસા

અમદાવાદ: સાબરકાંઠાના હિંમતનગરથી પોન્ઝી સ્કીમ ચલાવી 6 હજાર કરોડ રૂપિયાનું ફુલેકું ફેરવનાર કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાની CID ક્રાઈમે પૂછપરછ હાથ ધરી છે. ગાંધીનગર હોસ્પિટલમાં ઝાલાનું મેડિકલ કરાવ્યા બાદ તેને 14 દિવસના રિમાન્ડની માગણી સાથે મેજિસ્ટ્રેટના નિવાસસ્થાને રજૂ કરવામાં આવ્યો હતો.જ્યાં લાંબી દલીલો બાદ ભૂપેન્દ્ર ઝાલાના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ભૂપેન્દ્રસિંહ ઝાલાને મહેસાણામાં આશરો આપનારા કિરણ ચૌહાણના રાજકીય કનેકશનની પણ તપાસ કરવામાં આવી રહી છે. છેલ્લાં એક મહિનાથી ફરાર આરોપીને સી.આઈ.ડી. ક્રાઈમે મહેસાણાના દવાડા ગામના એક ફાર્મમાં દરોડો પાડીને દબોચી લીધો હતો.ભૂપેન્દ્ર ઝાલાની તપાસમાં 18 સ્થળોએ આપેલી ફ્રેંચાઈઝી લેનાર અને તેમના વચ્ચેનો રોલ તથા નાણાંકીય વ્યવહારો પણ તપાસમાં આવરી લેવાશે. પોલીસને પ્રાથમિક તપાસમાં રોકાણકારોની વિગતો હાથ લાગી છે. જો કે રોકાણના નાણાં અને રોકાણકારો બાબતે વધુ માહિતી માટે રિમાન્ડ માગવામાં આવ્યા હતા. આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણકારો પાસેથી મેળવેલા રૂપિયા 25 કરોડ પોતાના 7 અલગ-અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કર્યા છે. માત્ર સાબરકાંઠા જિલ્લાનું ધીરધારનું લાઇસન્સ લઈ અન્ય જિલ્લાઓમાંથી આરોપીએ નાણાં ઉઘરાવ્યા હતા. મહેસાણા, અરવલ્લી, ગોધરા, ગાંધીનગર, બનાસકાંઠા, આણંદ, લુણાવાડા અને અમરેલી સહિતના જિલ્લાઓમાંથી નાણાં ઉઘરાવ્યા હતા. તલોદના લાઈસન્સના આધારે અન્ય જિલ્લાઓ સહિત નિવૃત્ત કર્મચારીઓ તથા શિક્ષકો પાસેથી પણ નાણાં ઉઘરાવ્યા હતા. આ કૌભાંડી 7 થી 15 ટકાના વળતરની લાલચ આપતો હતો.