મુંબઈ: કહેવાય છે ને કે જેની શરૂઆત સારી રીતે થઈ હોય તે પ્રસંગ પણ ખૂબ જ સારી રીતે ઉજવાય. મુંબઇના જાણીતા ગુજરાતી અગ્રણી દંપતિ લાલુભાઈ અને રૂપા ‘બાવરી’ના લગ્નજીવનના પચાસ વર્ષની ઉજવણી પણ આવો એક યાદગાર અને અનોખો પ્રસંગ બની ગયો. લાલુભાઇ એમના દરેક કાર્યક્રમોની ઉજવણી અનોખી રીતે, અનોખી થીમ લઇને કરવા જાણીતા છે એટલે આ ઉજવણી પણ એ રીતે અનોખી બની રહી. ઉદહારણ તરીકે, આમંત્રણ પત્રિકા. આ પ્રસંગે જે કાર્યક્રમ યોજાયો એનું નિમંત્રણ જ અનોખું હતું- દંપતિનું સહિયારું આધાર કાર્ડ. ખૂબ જ ક્રિએટીવ રીતે તૈયાર કરાયેલું નિમંત્રણ.આવા યુનિક ઈન્વિટેશનના કારણે આવનાર મહેમાનોની પ્રોગ્રામ માટેની અપેક્ષા ખૂબ જ વધી ગઈ અને સાચે જ કાર્યક્રમ એ બધાની અપેક્ષાથી પણ વધારે યાદગાર બની રહ્યો. મુંબઇના ચવાણ થિયેટરના ચોથા માળે સ્વાદિષ્ટ ભોજન કરીને આમંત્રિત મહેમાનો રંગેશ્વર થિયેટરમાં પ્રોગ્રામ માણવા પહોંચ્યા. લાલુભાઈએ પોતાની આગવી ક્રિએટીવિટીથી થિયેટરને લગ્નમંડપમાં ફેરવી દીધું હતું. બેકડ્રોપ પર મોટી ‘સહિયારી કંકોત્રી’ બનાવી હતી, જે લોકોને ખૂબ જ ગમી ગઈ. ખીચોખીચ ભરેલા થિયેટરમાં મહારાષ્ટ્ર સરકારના મંત્રી મંગળપ્રભાત લોઢા અને જાણીતા કલાકારો દિલીપ જોષી, ટીકુ તલસાણિયા, જોની લીવર સહિતના મહાનુભાવોની હાજરી વચ્ચે પછી શરૂ થયો મ્યુઝિકલ પ્રોગ્રામ.
આ સંગીતમય માહોલ ઊભો કરવામાં આલોક કટગરે, ગુલ સકસેના અને વૈભવ વશિષ્ટ જેવા કલાકારોએ ચાર ચાંદ લગાવી દીધા. એન્કરિંગ માટે જાણીતા એવા પ્રશાંત રાવે કાર્યક્રમનું સંચાલન પોતાની આગવી શૈલીમાં રમૂજવૃત્તિથી સરસ રીતે કર્યું.