મુંબઈની પડોશના થાણે, કલ્યાણ-ડોંબિવલી શહેરો તથા મીરા-ભાયંદર મહાનગરપાલિકા હેઠળ આવતા મીરા રોડ, ભાયંદર સહિતના વિસ્તારોમાં કોરોના વાઈરસના કેસો ભયજનક રીતે વધી જતાં 2 જુલાઈ, ગુરુવારથી 10-દિવસનું લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. આ બધા મુંબઈ મેટ્રોપોલિટન રીજન (એમએમઆર)ના ભાગ છે.
આ ઉપરાંત નવી મુંબઈ, રાયગડ જિલ્લાના પનવેલ તથા પાલઘર જિલ્લાના વસઈ-વિરારના અમુક વિસ્તારોમાં 3 જુલાઈથી 10-દિવસ સુધી લોકડાઉન લાગુ કરવામાં આવનાર છે.
થાણે જિલ્લામાં બુધવારે 1,322 નવા કોરોના કેસો નોંધાયા હતા અને કુલ આંકડો 34,646 થયો છે. થાણે શહેરમાં 9,138 કોરોના દર્દીઓ છે. નવી મુંબઈમાં 6,823 કેસો છે જ્યારે કલ્યાણમાં આ આંકડો 7,000 છે. થાણે જિલ્લામાં કોરોનાને કારણે મૃત્યુ પામેલાઓનો આંક 1,094 છે. આમાં 340 જણ થાણે શહેરના છે. નવી મુંબઈમાં 217, કલ્યાણમાં 120 અને મીરા-ભાયંદર ટાઉનશીપમાં 145 જણ માર્યા ગયા છે.