ગાંધીનગર: સરદાર સરોવર નર્મદા ડેમમાં જળરાશિનો વિપુલ જથ્થો આવતાં ડેમ 95 ટકાથી વધુ ભરાઈ ગયો છે. ગુજરાતની જીવાદોરી સમાન ડેમની મહત્તમ જળ ક્ષમતા 138.68 મીટર છે, જેની સામે હાલની જળ સપાટી 137.48 મીટરે પહોંચી ચૂકી છે. ડેમમાં હાલ 5,379.80 MCM (મિલિયન ક્યુબિક મીટર) જેટલો જીવંત જળ જથ્થો (લાઈવ સ્ટોરેજ) ઉપલબ્ધ થતાં સમગ્ર ગુજરાત માટે પીવાના પાણી અને સિંચાઈની સુરક્ષા મજબૂત બની છે.
ઉપરવાસમાંથી 54,952 ક્યુસેક પાણીની આવક
ઉપરવાસમાં થઈ રહેલા વરસાદને કારણે પાણીની આવક ડેમમાં સતત થઈ રહી છે. ડેમમાં સતત પાણીના પ્રવાહને કારણે 54,952 ક્યુસેક પાણી આવ્યું છે. પાણીની આ ભારે આવકને પગલે જળ સપાટી નિયંત્રિત રાખવા માટે રિવર બેડ પાવરહાઉસ મારફતે નર્મદા નદીમાં 40,947 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પાવરહાઉસ મારફતે પાણી વહાવવામાં આવતાં જળ વિદ્યુતનું પણ મોટા પાયે ઉત્પાદન થઈ રહ્યું છે.
કુલ જાવક 54,447 ક્યુસેક નોંધાઈ
નદી ઉપરાંત રાજ્યના વિવિધ વિસ્તારોમાં સિંચાઈ અને પીવાના પાણીની જરૂરિયાતો પૂરી કરવા માટે મુખ્ય કેનાલ મારફતે 13,500 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આમ, નદી અને કેનાલ મળીને ડેમમાંથી કુલ 54,447 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે. ડેમ 95%થી વધુ ભરાઈ જતાં નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા જળ સપાટી પર સતત કડક મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે.




