ગૌણ સેવા પસંદગી મંડળની CCE પ્રિલિમ પરીક્ષાનો આજથી પ્રારંભ, 29 સપ્ટેમ્બર સુધી પરીક્ષાનું આયોજન

અમદાવાદ: રાજ્યમાંથી આજથી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાનારી CCE પરીક્ષાનો પ્રારંભ થયો છે. આગામી 29 સપ્ટેમ્બર સુધી CCEની પરીક્ષા ચાલવાની છે, જેમાં કુલ 4.58 લાખ ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. 3.82 લાખ એટલે કે આશરે 83 ટકા ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કરી લીધા છે. દરરોજ અંદાજે 30 હજારથી 36 હજાર ઉમેદવારો પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.અમદાવાદમાં પણ પરીક્ષા માટે 17 કેન્દ્રો પર વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં આગામી 29 સપ્ટેમ્બર સુધીમાં આશરે 1 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે. સામાન્ય રીતે કોમ્પ્યુટર લેબની ક્ષમતા પ્રમાણે એક કેન્દ્રમાં 100થી 400 ઉમેદવાર પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

CCEની પ્રિલિમ પરીક્ષા 150 માર્કસની છે અને ઉમેદવારોને 2 કલાકનો સમય આપવામાં આવે છે. જેમાં ખોટા જવાબ માટે 0.25 માર્ક્સનું નેગેટિવ માર્કિંગ પણ છે. CCEની પરીક્ષામાં સામાન્ય જ્ઞાન, ગુજરાતી અને અંગ્રેજી ભાષા, તર્કશક્તિ અને ગણિતીય ક્ષમતા સહિતના વિષયો સિલેબસમાં છે. પરીક્ષા કમ્પ્યુટર આધારિત જ લેવામાં આવી રહી છે. પરીક્ષા સેન્ટર પર ઉમેદવારોના અસલ ડોક્યુમેન્ટની ચકાસણી કરીને પ્રવેશ આપવામાં આવ્યો હતો.