અમદાવાદ: દેશની શ્રેષ્ઠ મેનેજમેન્ટ સંસ્થા ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) અમદાવાદના પ્લેસમેન્ટ સીઝનમાં એક નવો ઐતિહાસિક રેકોર્ડ સર્જાયો છે. સંસ્થાના ફ્લેગશિપ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ (PGP)ના વિદ્યાર્થી માટે મહત્તમ ૨,૪૩,૦૦૦ અમેરિકી ડોલર (આશરે રૂ. ૨.૩૧ કરોડ) નું આંતરરાષ્ટ્રીય વાર્ષિક પેકેજ (Maximum Earning Potential – MEP) ઓફર થયું છે.
ઈન્ડિયન પ્લેસમેન્ટ રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ્સ (IPRS) રિપોર્ટ મુજબ, ૨૦૧૧માં પ્લેસમેન્ટ સિસ્ટમ દાખલ થયા પછી સંસ્થા દ્વારા નોંધાયેલ આ સૌથી વધુ આંતરરાષ્ટ્રીય MEP છે. આ સાથે ૨૦૧૪માં નોંધાયેલા ૧,૯૨,૫૮૧ ડોલરના અગાઉના રેકોર્ડને પણ આંકડાઓએ વટાવી દીધો છે.
IT ક્ષેત્ર અને દુબઈ મુખ્ય આકર્ષણ
દુબઈમાં IT સેક્ટર અંતર્ગત ‘બિઝનેસ ડેવલપમેન્ટ’ રોલ માટે આ સૌથી વધુ પગાર આપતી આંતરરાષ્ટ્રીય ઓફર મળી છે. આ વર્ષે વિદેશી પ્લેસમેન્ટમાં BFSI અને કન્સલ્ટિંગ ક્ષેત્રોને પાછળ છોડીને IT ક્ષેત્ર ટોપ પર રહ્યું છે. કુલ ૩૯૨ વિદ્યાર્થીઓમાંથી ૬ વિદ્યાર્થીઓએ આંતરરાષ્ટ્રીય ભૂમિકાઓ સ્વીકારી હતી, જેમાં ૪ પ્લેસમેન્ટ દુબઈમાં જ્યારે ૧-૧ ઓફર હોંગકોંગ અને જાપાનમાં મળી છે.
સ્થાનિક (Domestic) પ્લેસમેન્ટના આંકડા પણ મજબૂત:
દેશની અંદરના પ્લેસમેન્ટ્સમાં પણ ઉત્સાહજનક વાતાવરણ જોવા મળ્યું હતું.
-
મહત્તમ પેકેજ (Domestic MEP): રૂ. ૮૧.૬ લાખ.
-
મધ્યમ પેકેજ (Median MEP): રૂ. ૩૬.૯૮ લાખ, જે સંસ્થાનો છેલ્લા ૫ વર્ષનો સૌથી વધુ મીડિયમ આંકડો છે.
-
ટોપ સેક્ટર્સ: દેશમાં BFSI ક્ષેત્ર સતત બીજા વર્ષે સૌથી વધુ પગાર ચૂકવનારું ક્ષેત્ર બન્યું. રિક્રુટમેન્ટ ઓફર્સની સંખ્યામાં કન્સલ્ટિંગ ક્ષેત્ર ૧૫૫ ઓફર્સ સાથે પ્રથમ ક્રમે રહ્યું, જ્યારે BFSI ૮૨ ઓફર્સ સાથે બીજા ક્રમે રહ્યું.
બિઝનેસ ડેવલપમેન્ટ ક્ષેત્રે ઓફર્સનો ઉછાળો:
આ પ્લેસમેન્ટ પ્રોસેસમાં બિઝનેસ ડેવલપમેન્ટ ભૂમિકાઓની માંગમાં મોટો ઉછાળો આવ્યો હતો. ૨૦૨૨થી ૨૦૨૪ દરમિયાન વાર્ષિક ૨ થી ૫ ઓફર્સ જ મળતી હતી, જેના બદલે આ વખતે ૨૭ ઓફર્સ નોંધાઈ છે.
કુલ ૧૮૨ કંપનીઓએ પ્લેસમેન્ટ પ્રક્રિયામાં ભાગ લીધો હતો અને ૨૬૭ જેટલી અલગ-અલગ ભૂમિકાઓ માટે તકો પૂરી પાડી હતી. મુખ્ય રિક્રુટર્સમાં અક્ષેંચર સ્ટ્રેટેજી (Accenture Strategy) એ સૌથી વધુ ૩૬ ઓફર્સ આપી હતી. ત્યારબાદ BCG એ ૩૩, ફિન-આઈક્યુ કન્સલ્ટિંગે ૨૪ અને મેકકિન્સી એન્ડ કંપનીએ ૨૧ ઓફર્સ આપી હતી. ૫૦થી વધુ નવી કંપનીઓ પણ પ્લેસમેન્ટ પ્રક્રિયામાં જોડાઈ હતી.




