ગાંધીનગર: પવિત્ર રક્ષાબંધનના તહેવાર નિમિત્તે રાજ્યની માતા-બહેનો અને મુસાફરોને બહેતર પરિવહન સુવિધા પૂરી પાડવાના હેતુથી ગુજરાત સરકાર દ્વારા ૧૦૧ નવી એસ.ટી. બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ નવીન બસોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે એસ.ટી. નિગમના મહિલા કંડક્ટરોએ નાયબ મુખ્યમંત્રીને રાખડી બાંધીને રક્ષાબંધનની આગોતરી ઉજવણી કરી હતી. નાયબ મુખ્યમંત્રીએ ૨૪x૭ અવરોધરહિત સેવા આપતા એસ.ટી. નિગમના ડ્રાઈવર, કંડક્ટર અને સ્ટાફની કર્તવ્યનિષ્ઠાને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.
લોકાર્પિત કરાયેલી ૧૦૧ બસોમાં ૭૧ સુપર એક્સપ્રેસ, ૨૦ મિડી અને ૧૦ સ્લીપર કોચનો સમાવેશ થાય છે. આ પ્રસંગે મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વિઝન હેઠળ નાગરિકો, નોકરિયાતો અને વિદ્યાર્થીઓ માટે સુવિધાજનક તેમજ સલામત પ્રવાસ સુનિશ્ચિત કરવાનો આ ભગીરથ પ્રયાસ છે.
તહેવારના દિવસોમાં મુસાફરોના વધારાના ઘસારાને પહોંચી વળવા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા તારીખ ૨૬ થી ૩૦ ઑગસ્ટ દરમિયાન રાજ્યભરમાં વિવિધ રૂટ પર કુલ ૬,૫૦૦ જેટલી એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન કરવામાં આવશે. ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મુખ્ય શહેરો તેમજ અંબાજી, પાવાગઢ અને સોમનાથ જેવા પ્રમુખ તીર્થધામો માટે વિશેષ બસો દોડાવાશે. મુસાફરોની સરળતા માટે ઓનલાઈન અને ડેપો પર એડવાન્સ બુકિંગની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.
આ લોકાર્પણ કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ, રાજ્ય કક્ષાના મંત્રી પી.સી. બરંડા, મંત્રી જયરામ ગામીત, ગાંધીનગર મેયર મીરા પટેલ અને ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર સહિત એસ.ટી. નિગમના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




