અદાણી ગ્રૂપના ‘વંદે ભારતમ્’ શો સાથે જોડાયા રાજીવ ખંડેલવાલ, બન્યા હોસ્ટ અને બ્રાન્ડ એમ્બેસેડર

અમદાવાદ: દેશમાં પાયાના સ્તરે રહેલી ઉદ્યોગસાહસિકતા અને નવીન વિચારસરણીને રાષ્ટ્રીય ઓળખ અપાવવાના હેતુથી અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી દ્વારા ‘વંદે ભારતમ્’ નામની એક મહત્વાકાંક્ષી દેશવ્યાપી પહેલ શરૂ કરવામાં આવી છે. આ ખાસ શોના હોસ્ટ અને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે લોકપ્રિય અભિનેતા અને હોસ્ટ રાજીવ ખંડેલવાલની પસંદગી કરવામાં આવી છે.‘વંદે ભારતમ્’ મંચ દ્વારા દેશના મહાનગરોથી લઈને નાના ગામડાંઓ સુધીના ૮૦૦થી વધુ જિલ્લાઓમાંથી છુપાયેલી પ્રતિભાઓ, ઇનોવેટર્સ અને ચેન્જમેકર્સને શોધવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ શો માત્ર પરંપરાગત મનોરંજન પૂરતો સીમિત ન રહેતાં રાષ્ટ્રનિર્માણ, કૌશલ્ય અને સંઘર્ષની વાસ્તવિક વાર્તાઓને પ્રોત્સાહિત કરશે.આ નવીન સફર અંગે ઉત્સાહ વ્યક્ત કરતા રાજીવ ખંડેલવાલે જણાવ્યું હતું કે, આવા રાષ્ટ્રીય મંચ સાથે જોડાઈને દેશના ખૂણે-ખૂણેથી આવતા સાહસિકોના વિચારોને લોકો સમક્ષ લાવવા એ તેમના માટે ગર્વની બાબત છે. આ પહેલ દ્વારા પસંદગી પામેલા સાહસિકોને નિષ્ણાતોનું માર્ગદર્શન, ઉદ્યોગજગત સાથે જોડાણ તેમજ ભવિષ્યમાં ફંડિંગ મેળવવાની ઉત્તમ તકો પ્રાપ્ત થશે.