અમદાવાદ: ત્રણ દિવસના વિલંબ બાદ આખરે ચોમાસાએ ભારતમાં દસ્તક દીધી છે. ગુરુવારે ચોમાસું કેરળમાં પ્રવેશી ચૂક્યું છે. શુક્રવારે કેરળ, કર્ણાટક અને તમિલનાડુના કેટલાંક ભાગોમાં વરસાદી માહોલ છવાયો છે. આગામી દિવસોમાં તે દેશના અન્ય રાજ્યો સુધી પહોંચશે. દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં પણ વાવાઝોડા અને વરસાદનો દોર ચાલુ છે. ગુજરાતમાં પણ જૂનના છેલ્લા સપ્તાહમાં ચોમાસાની એન્ટ્રી થાય તેવી સંભાવના છે.
ચોમાસાએ આપી દસ્તક
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસું 4 જૂને દક્ષિણ-પશ્ચિમ અને દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રના બાકીના ભાગો, પશ્ચિમ-મધ્ય અને પૂર્વ-મધ્ય અરબી સમુદ્રના કેટલાક ભાગો, સમગ્ર લક્ષદ્વીપ દ્વીપસમૂહ, કેરળ, કર્ણાટક અને તમિલનાડુના કેટલાંક ભાગો, કોમોરિન વિસ્તારના બાકીના ભાગો, દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી તેમજ દક્ષિણ-પશ્ચિમ, પશ્ચિમ-મધ્ય, પૂર્વ-મધ્ય અને ઉત્તર-પૂર્વ બંગાળની ખાડીના કેટલાક વધુ ભાગો તરફ આગળ વધી ગયું છે.
ક્યાં ક્યારે પહોંચશે ચોમાસું?
ગોવા-તેલંગાણા: 7-8 જૂન સુધી
મહારાષ્ટ્ર: 5થી 10 જૂન સુધી
ગુજરાત: 20 જૂન સુધી
મધ્ય પ્રદેશ: 15થી 20 જૂન
પૂર્વી યુપી અને બિહાર: 15થી 20 જૂન સુધી
મધ્ય યુપી: 20થી 25 જૂન
રાજસ્થાન: 25થી 30 જૂન
દિલ્હી-NCR: 30 જૂનની આસપાસ
ગુજરાતમાં ક્યાં ક્યાં પડી શકે વરસાદ?
શનિવાર 6 જૂનના રોજ ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના 3 જિલ્લા ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં વરસાદ પડવાની શક્યતા છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
આ રાજ્યોમાં ચોમાસાના વરસાદનું ઍલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કેરળ અને કર્ણાટકમાં આગામી 7 દિવસ દરમિયાન છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદનું ઍલર્ટ રહેશે. તમિલનાડુમાં પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે. ઉત્તર-પૂર્વ ભારતમાં આગામી 5-6 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. આગામી 2-3 દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતના ઘણા ભાગોમાં અને દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે મધ્યમથી ગંભીર ગાજવીજ સાથે વાવાઝોડું આવવાની સંભાવના છે.






